લાડકી

છૂટાછેડા લેવા છે. પણ કેમ?

લાફ્ટર આફ્ટર -પ્રજ્ઞા વશી

‘પ્લીઝ મીના, પણ મેં એવું તે શું કર્યું છે કે તારે મારી સાથે છૂટાછેડા લેવા છે. તું ઘર છોડીને જાય તો મારે તો બાવો
બનીને હિમાલય પર જવું પડે અથવા તો તરત જ બીજા લગ્ન જ કરી લેવા પડે. આ આપણાં બે છોકરાં બિચારાં મા વગર નમાયા બની જાય. મારાં મા-બાપની સેવા, દવા-દારૂ પણ કોણ સમય પર કરે? ચાર ટાઇમનું ખાવાનું કોણ બનાવે? બાપ રે બાપ! તારા વગર તો અમે બધાં નિરાધાર, લાચાર અને પાંગળાં જ બની જઈએ!’ ‘જોયું? જોયું સાસુમા? તમારા દીકરાને મારા જવા પછી ઘરમાં બધાંને સમયસર ખાવાની, દવા-દારૂ વગેરેની અગવડ પડશે એની ફિકર છે. જે મનમાં હતું તે કેવું બહાર આવી ગયું! મને માત્ર ઘર સાચવવાવાળી, કામવાળી અને એક રાંધવાવાળી જ હજી પણ સમજે છે. એથી વધારે તો, હું હજી છૂટાછેડાની વાત કરું છું, ત્યાં તો બીજા લગ્નની શહેનાઈ વગાડવા પણ તૈયાર થઈ ગયા છે! સાસુમા, તમે અને પપ્પા, બંને બાળકો માટે તેમજ તમારા કોડીલા વરરાજા માટે નવા સૂટ-બૂટ, સાડી, ઘરેણાં ખરીદવાનું શરૂ કરી દેજો. તમે તમારા દીકરાનાં વખાણ કરતાં થાકતાં નહોતાં. રોજ કહેતાં હતાં કે કેટલાં પુણ્ય કર્યાં હશે એટલે તને પતિ તરીકે મારો રામ જેવો દીકરો મળ્યો! મને લાગે છે કે સાસુમા, તમે આખે આખું રામાયણ વાંચ્યું નથી. તમે એક કામ કરો. તમે અને તમારો દીકરો, ફરીથી આખું રામાયણ વાંચો.’

‘મીના, બા સાચું જ કહે છે કે એનો દીકરો ખરેખર રામના સિદ્ધાંત પર ચાલનારો છે. આ તો તને કોઈકે ચડાવી લાગે છે. મીનુ, લગ્ન વખતે તું જ કહેતી હતી કે જનમોજનમ હું તમારી બનીને રહીશ. તમારાં ચરણોની દાસી બનીને રહીશ.’ ‘જુઓ, જુઓ, સાસુમા. ફરી એમના મનનું કપટ તક મળતાં જ બહાર આવી ગયું.’ ‘મીના વહુ, મારા લાલુએ તને એવું કશું જ કહ્યું નથી કે જેનાથી તું પુરવાર કરી શકે કે એ રાવણ જેવો કપટી છે!’ ‘સાસુમા, તમારા લાલુએ હમણાં જે કહ્યું, તે મેં મોબાઇલમાં રેકોર્ડ કર્યું છે. સાંભળો મોબાઇલ ઉપર જ‘મીનુ, લગ્ન વખતે તું જ કહેતી હતી કે જનમોજનમ હું તમારી બનીને રહીશ. તમારાં ચરણોની દાસી બનીને રહીશ.’

‘સાસુમા, આ વાક્યમાં ’તમારાં ચરણોની દાસી બનીને રહીશ.’ આ વાક્ય હું બોલી નથી. ઊલટાનું એમણે પ્રપોઝ કરતી વખતે કહ્યું હતું કે ‘હે પ્રિયે, હું તને મારા જીવથી પણ વધારે પ્રેમ કરીશ. તારે ખાતર આખી દુનિયાને છોડીને પણ હું તને જ મારા જીવનમાં પ્રથમ સ્થાન આપીશ. ભવોભવ તારાં ચરણનો દાસ બનીને રહીશ અને તને રાણી બનાવીને હીંચકે ઝુલાવીશ… બસ, તું મને એક વાર મારી સાથે લગ્ન કરવાની હા કહી દે અને આ પ્રેમના પ્રતીક સમી હીરાની વીંટી સ્વીકારી લે.’ હવે તમે જ કહો, આ રાવણ સમો તમારો લાલુ, છતી મંદોદરીએ બીજીને તરત જ ઘરમાં લાવવા તત્પર છે… નમાયાં છોકરાં માટે નવી મા અને તમારા માટે નવી વહુ!’‘એ બધી વાત બાજુ પર મૂક ,વહુ. ને લાલિયા, તેં આટલી મોટી હીરાની વીંટી પ્રપોઝ કરીને આપી અને પાછી લગ્નમાં પણ મોટી, હીરાની ત્રણ લાખની વીંટી લેવડાવી અને તે પણ મારાં ઘરેણાં વેંચાવીને.’

‘સાસુમા, હવે શાંત પડો અને આ રાવણે આપેલી આ બંને હીરાની વીંટી લ્યો અને ભંગારવાળાને અથવા કામવાળીને દિવાળીની ભેટ તરીકે આપી દેજો, કારણ કે આ વીંટી સાવ ખોટી છે. એ તો આ તમારી સીતા સમી વહુએ, તમારા રાવણની ઇજ્જત બચાવવા અને મારા સામું નીચાજોણું ના થાય એટલે ક્યારેય એમને કે તમને કહ્યું નથી કે આ વીંટીઓ ખોટી છે.’ ‘તો પણ મારો લાલિયો ઘણો સારો છે. બિચારો દિવસ રાત કમ્પ્યુટર પર બેસીને ઇમ્પોર્ટ-એક્સપોર્ટનો ધીકતો ધંધો કરે છે. કેટલો થાકી જાય છે! પણ ક્યારેય ફરિયાદ સુદ્ધાં નહીં કે નથી કોઈ કચકચ. જ્યારે તું સ્કૂલમાં દસ થી છ જઈને, છોકરાં ભણાવીને ફરતી ફરતી આવે અને બે વાર રાંધે. બીજું તારે શું કરવાનું?’ ‘આ લાલિયો… બિચારો… કરી કરીને તમે પાંગળો કરી દીધો છે તમારા એકના એક લાલુને. અને નથી જાણતા તો જાણો. એ કમ્પ્યુટર ઉપર કોઈ બિઝનેસ કરતા નથી. ખાલી દેશ-પરદેશની સુંદર પરીઓનાં સવાર સાંજ દર્શન કરે છે, દોસ્તી કરે છે. આ ઘર તો મારા પગાર અને મારા બાપાએ મૂકેલ થાપણનાં વ્યાજમાંથી હું કરકસર કરીને જેમ તેમ ચલાવું છું. પણ હવે બસ… હું પણ જોઉં કે મારા ગયાં પછી તમારા લાલુની સીતા ઘર કેવું ચલાવે છે! છોકરાં કેમના રાખે છે, ભણાવે છે અને આ એક્સપોર્ટ-ઇમ્પોર્ટ કરનાર બિઝનેસમેનને કેવી રીતે સાચવે છે! ચાર વખતનું ખાવાનું મોબાઇલ ઉપરથી પસંદ કરીને એની રેસીપી મને મોકલે છે. રોજ નવી નવી વાનગી અને મિષ્ટાન્ન! હવે જોજો, નવી આવેલી કેવો મેથીપાક આપે છે તે…’ ‘લાલુ, શું આ બધું સાચું છે? તું કાંઈ કરતો નથી? સાવ જૂઠાણું ચલાવે છે?’

લાલુ હોય તો જવાબ આપે ને! એ ભાઈ તો પાછલે બારણેથી નદારદ થઈ ગયા હતા. એટલામાં સાસુમા અંદરથી પોતાનાં કપડાંનો થેલો લઈ બહાર આવ્યાં… ‘ચાલ વહુ, હું પણ તારા સસરાને છૂટાછેડા આપવાની. એણે હો આખી જિંદગી નર્યું જૂઠાણું જ ચલાવ્યું છે…! મારા પગાર પર જ બેઠાં બેઠાં ચાર વાર ખાધું છે.aબેવ બાપદીકરાને સાથે જ પાઠ ભણાવીએ… રાવણનો દીકરો રાવણ જ નીકળ્યો! હું જ એમને ઓળખવામાં કાચી પડી. હેંડ, જાગ્યા ત્યાંથી સવાર!’

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button