જળગાંવમાં ટ્રેન દુર્ઘટનાઃ ચાવાળાએ કહ્યું કે ટ્રેનમાં આગ લાગી ને બધા કૂદી પડ્યા, બધા મૃતકો પરપ્રાંતીય
મુંબઇઃ ઉત્તર મહારાષ્ટ્રના જળગાંવ જિલ્લામાં બુધવારે સાંજે ટ્રેનમાં આગ લાગી હોવાની અફવાને કારણે ડરના માર્યા પ્રવાસીઓ ટ્રેનમાંથી કૂદી પડતા બાજુના ટ્રેક પર સામેથી આવતી ટ્રેનની નીચે કચડાઈ ગયા હતા. આ બધા મૃતકો પરપ્રાંતિય છે, જેમાંથી કેટલાકની ઓળખ થવાની હજી બાકી છે.
આધારભૂત સૂત્રોના જણાવ્યા મુજબ ટ્રેનનું એક્સેલ ગરમ થવાથી કે બ્રેક જામી જવાને કારણે પુષ્પક એક્સપ્રેસમાં એક કંપાર્ટમેન્ટમાં તણખા ઝર્યા હતા અને ધુમાડો નીકળ્યો હતો જેને લોકોએ આગ માની લીધી હતી. ટ્રેનના મુસાફરોને કંપાર્ટમેન્ટમાં આવતા ચાના વિક્રેતા દ્વારા આગ વિશે જાણ કરવામાં આવી હતી જેને કારણે મુસાફરો ડરી ગયા હતા. ચા વાળો તો આગની જાણ કરીને જતો રહ્યો, પરંતુ મુસાફરો ડરી ગયા અને ટ્રેનમાંથી કૂદી પડ્યા જેને કારણે તેમને જીવ ગુમાવવો પડ્યો હતો.
આગની અફવાને કારણે પુષ્પક એક્સપ્રેસમાં ચેન પુલિંગ થયું હતું અને ટ્રેન રોકાઈ ગઈ હતી. તે સમયે શું થયું તે જોવા માટે કેટલાક મુસાફરો નીચે ઉતર્યા હતા એ જ સમયે વિરુદ્ધ દિશામાં તે કર્ણાટક એક્સપ્રેસ વિરુદ્ધ દિશામાંથી આવી રહી હતી. ચેન પુલિંગ બાદ પુષ્પક એક્સપ્રેસ એવા વળાંક પર ઊભી હતી કે લોકોને સામેથી પૂરપાટ વેગે આવતી ટ્રેન જ દેખાઇ નહીં, જેને કારણે કેટલાક પ્રવાસીઓ ટ્રેનની નીચે કચડાઈ ગયા હતા.
આ પણ વાંચો…મહારાષ્ટ્રમાં બાંગ્લાદેશી ઘૂસણખોરો સામે ગૃહ મંત્રાલયની લાલ આંખઃ કડક કાર્યવાહીનો આદેશ
બધા મૃતકોને નજીકની સરકારી મેડિકલ કોલેજ અને હૉસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા, પણ તેઓ પરપ્રાંતિય હોવાથી મૃતદેહની આસપાસ કોઇના સંબંધી જોવા નહોતા મળ્યા. કેટલાક મૃતદેહોની ઓળખ થઇ છે. પોલીસ દુર્ઘટનાની જાણ કરવા મૃતકોના પરિવારજનો અને સંબંધીની માહિતી મેળવી રહી છે.