‘ઑક્ટોબર હિટ’થી શેકાયા મુંબઈગરા હવાનું પ્રદૂષણ પણ વધ્યું
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈમાં છેલ્લા થોડા દિવસથી તાપમાનમાં સતત વધારો જણાઈ રહ્યું છે. ઉંચા તાપમાનની સાથે વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધવાને કારણે દિવસભર ગરમી અને ઉકળાટ જણાઈ રહ્યો છે. મુંબઈગરા હાલ ‘ઑક્ટોબર હીટ’નો બરોબરનો અનુભવ કરી રહ્યા છે.
છેલ્લા એક અઠવાડિયાથી તાપમાનનો પારો સતત ઊંચો નોંધાઈ રહ્યો છે તેમાં ત્રણ-ચાર દિવસથી સોશિયલ મિડિયા પર હીટવેવની ચેતવણી આપતા મેસેજ ફરી રહ્યા છે. જોકે હવામાન ખાતાએ કહ્યું હતું કે હાલ ઑક્ટોબર હીટ ચાલી રહી છે. જોકે મુંબઈ માટે કોઈ પણ હીટવેવની ચેતવણી આપવામાં આવી ન હોવાનું જણાવતા સ્પષ્ટતા કરી હતી કે સરેરાશ કરતા ચારથી પાંચ ડિગ્રી તાપમાન ઊંચુ નોંધાય તો હીટવેવની ચેતવણી જાહેર કરવામાં આવે છે.
રવિવારે દિવસ દરમિયાન કોલાબામાં મહત્તમ તાપમાન ૩૩.૨ ડિગ્રી અને વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૭૭ ટકા નોંધાયું હતું. તો સાંતાક્રુઝમાં મહત્તમ તાપમાન ૩૪.૬ ડિગ્રી અને વાતાવરણમાં ૫૯ ડિગ્રી નોંધાયું હતું.
મુંબઈમાં ગયા અઠવાડિયથી મહત્તમની સાથે જ લઘુતમ તાપમાનમાં પણ વધારો થઈ રહ્યો છે. ગયા અઠવાડિયે સોમવારે સાંતાક્રુઝમાં ૩૫.૧ ડિગ્રી જેટલું ઊંચુ તાપમાન નોંધાયું હતું. આ દરમિયાન રવિવારે સવારે પણ વાતાવરણમાં પ્રદૂષણની માત્રા વધુ રહી હતી. સવારના મોડે સુધી વાતાવરણ ધુમ્મસિયું રહ્યું હતું. દિવસ દરમિયાન ઍર ક્વોલિટી ઈન્ડેક્સ ૧૧૫ એટલે કે મધ્યમ રહ્યો હતો. જોકે મઝગાંવમાં એક્યુઆઈ ૨૭૮ જેટલો ઊંચો રહ્યો હતો.