અમેરિકાએ રશિયા પર પ્રતિબંધ લગાવતા ભારત પર શું અસર થશે? પેટ્રોલના ભાવ વધશે કે ઘટશે?
દાવોસઃ વર્લ્ડ ઇકોનોમિક ફોરમની (World Economic Forum 2025) 55મી વાર્ષિક બેઠક 20 જાન્યુઆરીથી સ્વિત્ઝરલૅન્ડના દાવોસમાં યોજાઈ રહી છે. જેમાં વિશ્વના અનેક નેતાઓ સહિત વિવિધ દેશના અગ્રણી લોકો ઉપસ્થિત રહ્યા છે. દાવોસમાં ઈન્ડિયન ઓઇલના (Indian Oil) ચેરમેન અરવિંદર સિંહ સાહનીએ (Arvinder Singh Sahney) જણાવ્યું કે, અમેરિકા દ્વારા રશિયા પર લગાવવામાં આવેલા પ્રતિબંધની ભારત પર મર્યાદિત અસર પડશે. જેનું કારણ છે કે, ભારત પાસે તેની જરૂરિયાતને પહોંચી વળવા અનેક સ્ત્રોત છે. ગમે તેવા પ્રતિબંધો મૂકવામાં આવ્યા હોય આપણે તેનું પાલન કરીએ જ છીએ. આપણી પાસે OPEC, OPEC+ તથા અન્ય વિકલ્પો પણ છે.
આ ઉપરાંત તેમણે ક્રૂડ ઓઇલના ભાવને લઈ કહ્યું, 75 થી 80 ડૉલર પ્રતિ બેરલ વચ્ચે સ્થિર રહી શકે છે. અરવિંદર સિંહના કહેવા પ્રમાણે, ક્રૂડ ઓઇલના ભાવ પહેલાથી જ વધારે છે. મને તે ઘટવાનો અંદાજ છે. પરંતુ તે 75 ડૉલર પ્રતિ બેરલ પર સ્થિર રહી શકે છે. હાલ આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલનો ભાવ 75.5 ડૉલર પ્રતિ બેરલ છે.
પેટ્રોલના ભાવ વધશે કે ઘટશે?
તેમણે કહ્યું, ભારતમાં પેટ્રોલ-ડીઝલના ભાવ 110 રૂપિયા સુધી પહોંચ્યા હતા. આપણે તેને 60 થી 80 રૂપિયા વચ્ચે પણ જોયા છે. છેલ્લા ત્રણ વર્ષ દરમિયાન પેટ્રોલના ભાવ લગભગ સ્થિર રહ્યા છે. સામાન્ય લોકો પર વધારે અસર ન થાય તે માટે વધઘટની અનિયમિતતાથી ભાવ એક જ રેન્જમાં રાખ્યા છે. આ ખૂબજ નાજુક કાર્ય છે, છતાં અમે સફળતાપૂર્વક કરી રહ્યા છે.
2 વર્ષમાં કાર્યરત થશે ગ્રીન હાઇડ્રોજન પ્લાન્ટ
અરવિંદર સિંહ સાહનીએ ગ્રીન હાઇડ્રોજન સ્પેસ પર કહ્યું, રાજ્યની માલિકીની કંપનીનો પાણીપત પ્લાન્ટ 2 વર્ષમાં કાર્યરત થશે. હાઇડ્રોજન પ્લાન્ટ માટે બીડ મળી છે અને ટેન્ડરનું મૂલ્યાંકન કરવામાં આવી રહ્યું છે. એક મહિનાની અંદર કોન્ટ્રાક્ટ આપી દેવાશે. 2 વર્ષમાં પાણીપત ખાતે 10,000 ટન વાર્ષિક ક્ષમતાનો ગ્રીન હાઇડ્રોજન પ્લાન્ટ કાર્યરત થઈ જશે. ભારત તેની ઉર્જા જરૂરિયાતનો મોટો ભાગ અશ્મિભૂત ઈંધણ દ્વારા પૂર્ણ કરે છે. જેને વિવિધ રિન્યુએબલ ઉર્જા સ્ત્રોતો પર નિર્ભરતા ઘટાડવાના માર્ગ તરીકે જોવામાં આવે છે.
Also read: દાવોસમાં મહારાષ્ટ્રમાં રોકાણ માટે 15.70 લાખ કરોડના એમઓયુ
ડોનાલ્ડ ટ્રમ્પે સત્તા સંભાળતા જ રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધનો તાત્કાલિક ઉકેલ લાવવાની હાકલ કરી હતી. તેમજ રશિયા પર આકરા પ્રતિબંધ લગાવવાની હાકલ કરી હતી અને સંભવિત આર્થિક પરિણામ ભોગવવા તૈયાર રહેવાની ચેતવણી પણ આપી હતી. ફેબ્રુઆરી 2022માં યુક્રેન રશિયા યુદ્ધ શરૂ થયું ત્યારથી બાઇડેન સરકારે રશિયામાં વિવિધ સંસ્થાઓ પર પ્રતિબંધો લાદી દીધા હતા.