Surendranagar ના પાટડીમાં ગેસ ગળતરને કારણે બે આશાસ્પદ યુવકના મોત
સુરેન્દ્રનગર: સુરેન્દ્રનગર(Surendranagar)જિલ્લાના પાટડીમાં કોન્ટ્રાકટ બેઇઝના ત્રણ સફાઈ કામદારોને કોઈ પણ સેફટીના સાધનો વિના નગરપાલિકાએ ગટરની કુંડી સાફ કરવા ઉતારવામાં આવ્યા હતા. જ્યાં ઝેરી ગેસની અસર થતાં બે આશાસ્પદ યુવાનોના મોત થયાં હતા જયારે એક યુવાનને ઝેરી ગેસની અસર થઇ હતી. પાટડી નગરપાલિકાની ગુનાહિત બેદરકારીના કારણે બે યુવાનોના મોત નીપજતા ભારે હોબાળો મચ્યો હતો.
સાપરાધ મનુષ્ય વધનો ગુનો નોંધાયો
યુવાનોના મોત થતાં મૃતકના પરિજનોએ જવાબદારો સામે ગુનો દાખલ કરવા સહીતની માંગણી સાથે મૃતદેહ સ્વીકારવાનો ઇન્કાર કરી દેતા તાત્કાલિક નગરપાલિકાના અધિકારીઓ, રાજકીય આગેવાનો, પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. જો કે પોલીસે પાટડી નગરપાલિકાના ચીફ ઓફિસર, સેનેટરી ઇન્સ્પેક્ટર અને મુખ્ય કોન્ટ્રાકટર વિરુદ્ધ સાપરાધ મનુષ્ય વધનો ગુનો નોંધ્યા બાદ મોડી રાત્રે પરિજનોએ મૃતદેહ સ્વીકાર્યો હતો.
તાત્કાલિક બંનેને બહાર કાઢવાનો પ્રયાસ કર્યો હતો
પાટડી શહેરમાં ભૂગર્ભ ગટરના સંપની સફાઈ દરમિયાન બે કર્મચારીઓ ચિરાગ કનુભાઈ પાટડીયા અને જયેશ ભરતભાઈ પાટડીયાના ગેસ ગળતરને કારણે મૃત્યુ થયા હતા. જયારે ચેતન મંગાભાઈ પાટડીયાને ઝેરી ગેસની અસર થઇ હતી. બંને કર્મચારીઓને યોગ્ય સુરક્ષા સાધનો વિના ભૂગર્ભ ગટરમાં કામ કરવા મોકલવામાં આવ્યા હતા. ગટરમાંથી નીકળતા ઝેરી ગેસના કારણે બંને કર્મચારીઓને શ્વાસ લેવામાં તકલીફ પડી અને તેઓ બેભાન થઈ ગયા હતા.સ્થાનિક લોકોએ તાત્કાલિક બંનેને બહાર કાઢવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ ત્યાં સુધીમાં ખૂબ મોડું થઈ ગયું હતું.