Ahmedabab શિક્ષણ અધિકારીની શાળાઓની ફી ઉઘરાણી મુદ્દે લાલઆંખ, સ્કૂલોને પરિપત્ર મોકલ્યો
અમદાવાદ: સુરતમાં ધોરણ 8 ની વિદ્યાર્થીનીને ફી ભરવા મામલે માનસિક ત્રાસ આપવામાં આવતા વિદ્યાર્થીનીના આપઘાતની ઘટનાના ઘેરા પ્રત્યાઘાતો પડ્યા હતા. આ ઘટનાને અમદાવાદ(Ahmedabab) જિલ્લા શિક્ષણ અધિકારીએ પણ ગંભીરતાથી નોંધ લીધી હતી અને અમદાવાદની કોઈપણ સ્કૂલ ફી મામલે વિદ્યાર્થીને હેરાન પરેશાન ન કરે તે બાબતના કડક આદેશ કર્યા છે અને એક પરિપત્ર તમામ શાળાઓને મોકલી આપ્યો હતો.
શાળાઓ સામે એફઆઈઆર પણ થઈ શકે છે
સુરતની ઘટના સામે અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણ અધિકારીએ કડક સૂચના આપી હતી કે, ફી મુદ્દે વિદ્યાર્થીઓને ખોટી રીતે કનડગત કરતી શાળાઓ સામે પગલાં લેવામાં આવશે. વિદ્યાર્થીઓને માનસિક ત્રાસ ન આપવા પણ સૂચના આપી હતી. બાળકને માનસિક કે શારીરિક ત્રાસ આપવા સામે આરટીઈના નિયમ મુજબ પગલાં લેવામાં આવશે. આવી શાળાઓ સામે એફઆઈઆર પણ થઈ શકે છે.
બાળકો ખૂબ જ સંવેદનશીલ હોય છે
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, જો કોઈ શાળાને કે સંચાલકને ફી મામલે કોઈ ફરિયાદ હોય તો તે વિદ્યાર્થીને કહેવાની જગ્યાએ તેના વાલીને બોલાવીને સૂચના આપવી જોઈએ. શાળામાં અભ્યાસ કરતા બાળકો ખૂબ જ સંવેદનશીલ હોય છે જેથી તેમની સાથે અભ્યાસ બાબતે પણ કોઈ પણ પ્રકારનો ભેદભાવ કરવો નહીં.
અત્રે ઉલ્લેખનીય છે કે, સુરતમાં એક શાળા દ્વારા એક વિદ્યાર્થીનીને ફી ભરવા મુદ્દે તેને લેબોરેટરીમાં એકલી બેસાડી રાખી હોવાની અને વિદ્યાર્થીનીના આપઘાતની ઘટના પ્રકાશમાં આવી ત્યારે સમગ્ર રાજ્યમાં હડકંપ મચી ગયો હતો.