Stock Market: સતત વધી રહ્યો છે રોકાણકારોનો ઉત્સાહ, દર મહિને ઉમેરાઇ રહ્યા છે આટલા લાખ નવા રોકાણકાર
મુંબઇ : ભારતીય શેરબજારમાં(Stock Market)સતત ઉતાર-ચઢાવ વચ્ચે રોકાણકારોનો ઉત્સાહ ટકી રહ્યો છે. એટલું જ નહિ પરંતુ શેરબજારમાં નવા રોકાણકારો ઝડપથી ઉમેરાઇ રહ્યા છે. નવા રોકાણકારો અંગેના નેશનલ સ્ટોક એકસચેન્જ દ્વારા જાહેર કરેલા આંકડા મુજબ છેલ્લા પાંચ મહિનાના નવા 1 કરોડ રોકાણકારો બજારમાં જોડાયા છે. જે મુજબ દર મહિને 20 લાખ નવા રોકાણકારો બજારમાં નસીબ અજમાવવા પ્રવેશી રહ્યા છે.
રોકાણકારોની સંખ્યા 11 કરોડને વટાવી ગઈ
તેમજ હાલ દેશમાં નોંધાયેલા રોકાણકારોની સંખ્યા 11 કરોડને વટાવી ગઈ છે. જે શેરબજારમાં રોકાણકારોની વધતી ભાગીદારી દર્શાવે છે. જ્યારે એક્સચેન્જમાં નોંધાયેલા ક્લાયન્ટ કોડ (ડીમેટ એકાઉન્ટ) ની કુલ સંખ્યા 21 કરોડ પર પહોંચી ગઈ છે. આમાં અત્યાર સુધી થયેલા બધા રજીસ્ટ્રેશનનો સમાવેશ થાય છે.
એક કરોડ રોકાણકારો સુધી પહોંચવામાં 14 વર્ષ લાગ્યા
છેલ્લા મહિનાઓમાં એનએસઇમાં રોકાણકારોની નોંધણીમાં વિક્રમી વધારો જોવા મળ્યો છે. જેમાં છેલ્લા પાંચ વર્ષમાં તેમાં 3.6 ગણો વધારો થયો છે. વર્ષ 1994 માં એનએસઇ શરૂ થયા પછી એક કરોડ રોકાણકારો સુધી પહોંચવામાં 14 વર્ષ લાગ્યા. જ્યારે આગામી 1 કરોડ નોંધણી ઉમેરવામાં લગભગ સાત વર્ષ લાગ્યા. જયારે તેની બાદ નોંધણીની ગતિ વધી અને આગામી 1 કરોડ માટે 3.5 વર્ષ લાગ્યા અને પછી એક કરોડ નોંધણીઓ ઉમેરવામાં એક વર્ષથી થોડો વધુ સમય લાગ્યો.
Also read: Stock Market: ટ્રમ્પના શપથની શેરબજાર પર અસર! SENSEX-NIFTY માં મોટો ઘટાડો
એક કરોડ રોકાણકારો ફક્ત પાંચ મહિનામાં જોડાયા
જ્યારે દરેક વધારાના એક કરોડ રોકાણકારો લગભગ છ-સાત મહિનામાં જોડાઈ રહ્યા હતા. જ્યારે છેલ્લા એક કરોડ રોકાણકારો ફક્ત પાંચ મહિનામાં જોડાયા છે. આ શેરબજારમાં સીધા રોકાણ કરવા માટે રોકાણકારોના ઉત્સાહ અને ભાગીદારીને પ્રતિબિંબિત કરે છે.
ભારતીય બજારોમાં સકારાત્મક વળતર જોવા મળી રહ્યું છે
આ અંગે શેરબજારના ઇન્ડેક્સ પર નજર કરીએ તો ગત વર્ષે નિફ્ટી-50 એ 8.8 ટકાનું વળતર આપ્યું હતું જ્યારે નિફ્ટી 500 ઇન્ડેક્સમાં 15.2 ટકાનો વધારો નોંધાયો. છેલ્લા નવ વર્ષથી ભારતીય બજારોમાં સકારાત્મક વળતર જોવા મળી રહ્યું છે. આ અંગે એનએસઇ ના ચીફ બિઝનેસ ડેવલપમેન્ટ ઓફિસર શ્રીરામ કૃષ્ણને જણાવ્યું હતું કે એનએસ માં નોંધાયેલા રોકાણકારોની સંખ્યા 11 કરોડનો આંકડો વટાવી ગઈ છે. જેમાં માત્ર પાંચ મહિનામાં એક કરોડથી વધુ નવા રોકાણકારો જોડાયા છે. ભારતીય જનતાના શેરબજારમાં સંપત્તિ નિર્માણના વિશ્વસનીય માધ્યમ તરીકે વધતા વિશ્વાસને પ્રતિબિંબિત કરે છે.