સૈફ પર હુમલાનો કેસ: ફોરેન્સિક લૅબના વિવિધ વિભાગોમાં પુરાવાની ચકાસણી
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: સૈફ અલી ખાન પર છરીથી કરાયેલા હુમલાના કેસમાં તપાસ દરમિયાન પોલીસે એકઠા કરેલા મહત્ત્વના પુરાવાની ચકાસણી સાંતાક્રુઝના કલિના પરિસરમાં આવેલી ફોરેન્સિક સાયન્સ લૅબોરેટરીના વિવિધ વિભાગોમાં કરવામાં આવશે, એમ એક અધિકારીએ જણાવ્યું હતું.
અભિનેતા સૈફ પર હુમલાના કેસમાં પોલીસે બાંગ્લાદેશી નાગરિક શરીફુલ ફકીરની ધરપકડ કરી હતી. પોલીસ કસ્ટડીમાં રહેલા શરીફુલની પોલીસ વધુ પૂછપરછ કરી રહી હતી. તેની વિરુદ્ધનો કેસ મજબૂત બનાવવા પોલીસે ઘણા પુરાવા પણ એકઠા કર્યા હોવાનું કહેવાય છે.
આરોપીની ધરપકડ બાદ મોબાઈલ ફોન્સ, આરોપીનાં કપડાં અને સીસીટીવી કૅમેરાનાં ફૂટેજ સહિત અનેક પુરાવા તપાસ માટે ફોરેન્સિક લૅબમાં મોકલી અપાયા હતા.
અધિકારીએ જણાવ્યું હતું કે ફોરેન્સિકના ટેપ ઓથેન્ટિકેશન ઍન્ડ સ્પીકર આઈડેન્ટિફિકેશન (ટીએએસઆઈ), બાયોલૉજી, ડીએનએ, ફૂટપ્રિન્ટ્સ, ફિઝિક્સ, સાયબર અને અન્ય વિભાગો પુરાવાની ચકાસણી કરવામાં સામેલ છે.
આ પણ વાંચો : સૈફ અલી ખાન પર હુમલોઃ આરોપીએ કર્યાં ચોંકાવનારા ખુલાસો, લેટેસ્ટ અપડેટ જાણો!
આરોપી ઘોડબંદર રોડ પરના મૅન્ગ્રોવ્ઝમાંથી પકડાયો ત્યારે તેની બૅગમાંથી મળી આવેલાં કપડાંમાં પોલીસને લોહીના ડાઘ નજરે પડ્યા નહોતા. આ બાબતે પોલીસ આરોપીની પૂછપરછ કરી રહી છે.
આરોપી મોટા ભાગે બાંગ્લાદેશી ઉચ્ચારવાળા હિન્દીમાં બોલતો હોવાથી તેની ભાષાને કારણે પોલીસને પૂછપરછમાં મુશ્કેલી નડી રહી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. આરોપીના નિવેદનનું અર્થઘટન કરી શકાય તે માટે પોલીસે તેને ધીરે ધીરે બોલવાનું કહ્યું હતું. (પીટીઆઈ)