નેશનલ

પ્રજાસત્તાક પર્વ પર ગુજરાતની ઝાંખીમાં અટલ બ્રિજ, સ્ટેચ્યૂ ઓફ યુનિટી, મણિયારા રાસની જામશે રંગત

નવી દિલ્હી: પ્રજાસત્તાક દિનની પરેડમાં દરેક રાજ્યની આગવી સાંસ્કૃતિક ઝાંખી રજૂ કરવામાં આવે છે. આ વર્ષે પ્રજાસત્તાક પર્વની પરેડમાં ગુજરાત “સ્વર્ણિમ ભારત : વિરાસત અને વિકાસ” શીર્ષક અંતર્ગત રજૂ થનારી ઝાંખીમાં (Tableau of Gujarat) 12-મી સદીના વડનગર એટલે કે આનર્તપુરના સોલંકીકાળના કીર્તિ તોરણથી લઈને 21મી સદીની અજાયબી સ્વરૂપ સ્ટેચ્યુ ઓફ યુનિટીના સાંસ્કૃતિક વારસાની સાથે સંરક્ષણ-ટેકનોલોજી-ઓટોમોબાઇલ અને મેન્યુફેક્ચરીંગ ક્ષેત્રે રાજ્યની આત્મનિર્ભરતાના વિવિધ વિકાસના પ્રકલ્પોનું અસરકારક નિદર્શન કરવામાં આવ્યું છે.

શું હશે આકર્ષણ?

ગુજરાતની ઝાંખીમાં પ્રારંભે સોલંકીકાળનું વડનગર સ્થિત 12મી સદીનું રાજ્યના સાંસ્કૃતિક પ્રવેશદ્વાર સમું કિર્તી તોરણ છે; તો છેડે 21મી સદીની શાનસમું 182 મીટરની ઊંચાઈ ધરાવતી સરદાર પટેલની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીને દર્શાવવામાં આવી છે. તે ઉપરાંત ભગવાન બિરસા મુંડાની 150મી જન્મવર્ષની ઉજવણી પ્રસંગે ગુજરાતના “જનજાતીય ગૌરવ”ને દર્શાવતી પિથોરા ચિત્રોની શ્રુંખલા, પૂર્વ વડાપ્રધાન વાજપાયીજીની 100મી જન્મજયંતીના પ્રતિક સ્વરૂપે અટલ બ્રિજ, દ્વારિકા અને શિવરાજપુર બીચ ખાતે સાકારિત થનારા અન્ડર વોટર સ્પોર્ટ્સની પ્રવૃતિઓની સાથે કચ્છી માટી-આભલાની કલાકૃતિઓ આ ઝાંખીને ચાર ચાંદ લગાવી રહ્યા છે.

વડનગરનું સોલંકીકાળનું કીર્તિ તોરણ

ગુજરાતની ઝાંખીના આગળના ભાગે યુનેસ્કોની હેરિટેજ સાઈટમાં સામેલ આનર્તપુર હાલના વડનગર સ્થિત 12મી સદીનું સોલંકીકાળનું કીર્તિ તોરણ દર્શાવવામાં આવ્યું છે. જેની ફરતે કચ્છી માટી-આભલાની કલાકૃતિની સાથે જનજાતીય દેવ બાબા પિથોરાની સ્મૃતિમાં રેખાંકિત થયેલા પિથોરા ચિત્રો દર્શાવવામાં આવ્યા છે.

ગુજરાતનો ઓટો-મશીન ઉદ્યોગ

આ ઝાંખીના પાછળના ભાગે સંરક્ષણ-ટેકનોલોજી ક્ષેત્રે આત્મનિર્ભર ભારતના પ્રકલ્પો પૈકી વડોદરામાં તાતા એડવાન્સડ સિસ્ટમ લિમિટેડના મારફતે તૈયાર થનારા ભારતીય વાયુદળના સી-295 એરક્રાફ્ટના યુનિટ અને તેની નીચે અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટના બે છેડાના જોડતો અટલ બ્રિજ, સેમી કંડકટરના ઉત્પાદનમાં ગુજરાતમાં થનારા રોકાણ સ્વરૂપે સેમી કંડકટર ચીપ અને તેની સાથે જોડાયેલા વિવિધ ઉપકરણો અને તેની નીચે ઓટોમોબાઇલ-મેન્યુફેક્ચરીંગ હબ તરીકે પ્રસ્થાપિત થઇ રહેલો ગુજરાતનો ઓટો-મશીન ઉદ્યોગ દર્શાવવામાં આવ્યો છે.

દિલ્હીમાં દેખાશે મણિયારો રાસ

આ ઝાંખીના અંતિમ ભાગમાં સરદાર પટેલની 150મી જન્મજયંતીની સ્મરણાંજલિના ભાગરૂપે 21મી સદીની શાન અને દેશભરના ખેડૂતો મારફતે એકત્રિત કરવામાં આવેલા લોખંડથી નિર્માણાધીન સરદાર પટેલની વિશ્વની 182 મીટર ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી દર્શાવવામાં આવ્યું છે. જેની નીચેના ભાગમાં જગતમંદિર દ્વારકાની પાવનભૂમિ અને શિવરાજપુર બીચ ખાતે સાકારિત થનારા અન્ડર વોટર સ્પોર્ટ્સની પ્રવૃતિઓનું નિદર્શન કરવામાં આવ્યું છે. આ દ્રશ્ય-શ્રાવ્ય પ્રસ્તુતિની સામગ્રી ચેનલ ડિસ્કવરી દ્વારા પૂરી પાડવામાં આવી છે. ગુજરાતની આ ઝાંખીને વધુ રસપ્રદ બનાવવાના હેતુસર પારંપરિક પરંતુ અર્વાચીન દુહાના તાલે રાજ્યના જોમવંતા મણીયારા રાસને જીવંત નૃત્ય સાથે દર્શાવવામાં આવ્યો છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button