ભુજ

26મી જાન્યુઆરીના કચ્છમાં વિશેષ ઉજવણી; કચ્છની સીમાના કાર્યક્રમમાં 300 જેટલા યુવાન ભાગ લેશે

ભુજ: દેશની સુરક્ષા માટે મહત્વનું યોગદાન આપતા સીમાવર્તી વિસ્તારોમાં રોકાણ કરી, અહીંના લોકજીવનનો જાત અનુભવ કરે તે ઉદેશથી સીમા જાગરણ મંચ દ્વારા આગામી 24થી 26 જાન્યુઆરી સુધી આયોજિત અનોખા કાર્યક્રમમાં ગુજરાતની જળ અને ભૂમિસીમાઓની મુલાકાતે બે હજાર યુવાઓ જોડાશે. આ કાર્યક્રમમાં કચ્છની સીમાએ 300 જેટલા યુવાઓ ભાગ લેશે.

યુવાઓ દેશની સરહદની સુરક્ષા પ્રત્યે જાગૃત બને
સીમાવર્તી વિસ્તારોમાં રાત્રી રોકાણ, પ્રભાતફેરી અને ધ્વજવંદન સહિતના કાર્યક્રમો અંગે વિગત આપતા સૌરાષ્ટ્ર પ્રાંત સંયોજક હિંમતસિંહજી જાડેજાએ માહિતી આપતાં જણાવ્યું હતું કે, સોશિયલ મીડિયામાં વ્યસ્ત રહેતા આજના યુવાઓ દેશની સરહદની સુરક્ષા પ્રત્યે જાગૃત બને તેમજ ભાવાત્મક રીતે જોડાય તે ઉદ્દેશથી 24મી જાન્યુઆરીએ ભુજમાં આધાર શિબિર, નારાયણ સરોવર અને માંડવી ખાતે કચ્છ જિલ્લા બહારના યુવાઓ આ કાર્ટક્રમમાં ભાગ લેવા આવી પહોંચશે. ત્યારબાદ 25મી તારીખે સરહદી ગ્રામ્ય વિસ્તારોની મુલાકાત લઈ, ત્યાંના માહોલ અંગે અવગત થવા રાત્રી રોકાણ કરશે.

ભૂકંપમાં માર્યા ગયેલાઓને શ્રદ્ધાંજલિ
26મી જાન્યુઆરી, પ્રજાસત્તાક દિને સવારે ભૂકંપમાં માર્યા ગયેલાઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરી, શેરીઓમાં પ્રભાત ફેરી નીકળશે અને ત્યારબાદ ધ્વજવંદનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. તિરંગાને સલામી આપ્યા બાદ યુવાઓ નજીકની સુરક્ષા એજન્સીઓ, બોર્ડર આઉટ પોસ્ટ, સીમા ચોકી કે પોલીસ ચોકી પર તૈનાત જવાનોની શુભેચ્છા મુલાકાત પણ લેશે.

કચ્છના યુવાનો જામનગર અને દ્વારકાની જશે
કચ્છના યુવાનો જામનગર અને દ્વારકાની સમુદ્રી સીમાએ જશે તો અન્ય જિલ્લાના યુવાઓ કચ્છ આવશે. સમગ્ર સંચાલન માટે સીમા જાગરણ મંચ, કચ્છના અધ્યક્ષ ખાનજી જાડેજા કરશે. સીમા નજીકના ગામડાઓમાં રહેતા લોકો સાથે વાતચીત દ્વારા સ્થાનિક પરિસ્થિતિ કઈ રીતે વધુ સુદ્રઢ બને તે મુદ્દે પણ વિચાર વિમર્શ કરશે તેમ તેઓએ ઉમેર્યું હતું.

આ પણ વાંચો : ભુજઃ મુંદરાના બારોઇમાં પતંગની દોરથી બે વર્ષના બાળકનું ગળું ચીરાઇ ગયું, માતાનું હૈયાફાટ રૂદન

2012માં ‘સરહદ કો પ્રણામ’ કાર્યક્રમની ઉજવણી
અત્રે એ ઉલ્લેખનીય છે કે, વર્ષ 2012માં ‘સરહદ કો પ્રણામ’ કાર્યક્રમ દરમિયાન દેશના વિવિધ 600 જિલ્લાઓમાંથી લગભગ 10000 યુવાનોએ સરહદી વિસ્તારો અને નજીકના ગામડાઓની મુલાકાત લીધી હતી. સીમા જનકલ્યાણ મંચ, એબીવીપી અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સંયુક્ત આયોજનમાં સ્વયંસેવકોએ દેશભરમાં 469 સરહદી ચોકીઓની મુલાકાત લીધી હતી. ભારતભરમાં લગભગ 15106 કિલોમીટર સરહદને આવરી સ્થાનિક ગ્રામજનોની મદદથી સરહદી ચોકીઓ પર માનવ દિવાલ પણ બનાવી હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button