નિયમોનું ઉલ્લંઘનઃ આરબીઆઇએ એક્સ10 ફાઈનાન્શિયલ સર્વિસીસનું રજિસ્ટ્રેશન રદ્દ
મુંબઇઃ ભારતીય રિઝર્વ બેંકે (RBI) ડિઝિટલ ધિરાણ કામગીરીમાં અનિયમિતતાઓને લઇને નોન-બેંકિંગ ફાઇનાન્શિયલ કંપની (NBFC) એક્સ૧૦ ફાઇનાન્શિયલ સર્વિસીસ લિમિટેડનું રજિસ્ટ્રેશન રદ્દ કર્યું હોવાનું જણાવ્યું હતું.
મુંબઇ સ્થિત આ કંપની વીકેશ ટેક્નોલોજી, એક્સએનપી ટેક્નોલોજી, યારલુંગ ટેક્નોલોજી, શિનરુઇ ઇન્ટરનેશનલ, ઓમલેટ ટેક્નોલોજી, મેડ-એલિફન્ટ નેટવર્ક ટેક્નોલોજી અને હ્યુડાટેક ટેક્નોલોજી સહિત અનેક સેવા પ્રદાતાઓ (મોબાઇલ એપ)ના માધ્યમથી લોન આપતી હતી.
આ પણ વાંચો: જીડીપી વૃદ્ધિ તળિયે જતાં આરબીઆઇની મુંઝવણ વધી: બુધવારે શું નિર્ણય લેશે?
આરબીઆઇએ જણાવ્યું કે કંપનીએ તેની ડિજિટલ ધિરાણ કામગીરીમાં નાણાકીય સેવાઓના આઉટસોર્સિંગમાં આચારસંહિતા પરની માર્ગદર્શિકાનું ઉલ્લંઘન કર્યું હોવાથી નોંધણી પ્રમાણપત્ર(સીઓઆર) રદ્દ કરવામાં આવ્યું છે.
કંપની ક્રેડિટ મૂલ્યાંકન, વ્યાજ દર નક્કી કરવા તેમજ તમારા ગ્રાહકને જાણો ચકાસણી જેવા મુખ્ય નિર્ણય લેવાના કાર્યોને સેવા પ્રદાતા(એસપી)ને આઉટસોર્સ કર્યા હતા અને એસપી પર યોગ્ય તપાસ કરવામાં નિષ્ફળ રહી હતી.
જૂન ૨૦૧૫માં એક્સ૧૦ ફાઇનાન્શિયલ સર્વિસીસ લિમિટેડને સીઓઆર જારી કરવામાં આવ્યું હતું. જે અગાઉ અભિષેક સિક્યોરિટીઝ લિમિટેડ તરીકે ઓળખાતું હતું. કેન્દ્રીય બેંકે કહ્યું કે કંપની એનબીએફસીનો વ્યવસાય નહીં કરી શકે.