થાણેમાં પાંચ કરોડની કિંમતની અંબરગ્રીસ સાથે પ્રૌઢ પકડાયો
થાણે: થાણેમાં પાંચ કરોડ રૂપિયાની કિંમતની અંબરગ્રીસ (વ્હેલની ઊલટી) વેચવા માટે આવેલા 53 વર્ષના પ્રૌઢને પોલીસે પકડી પાડ્યો હતો.
ક્રાઇમ યુનિટ ટીમે મળેલી માહિતીને આધારે સોમવારે રાબોડી વિસ્તારમાં છટકું ગોઠવ્યું હતું અને શંકાને આધારે 53 વર્ષના પ્રૌઢને તાબામાં લીધો હતો.
સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર સચિન ગાયકવાડે જણાવ્યું હતું કે પ્રૌઢની ઓળખ નીતિન મુતન્ના મોરેલું તરીકે થઇ હતી, જે પુણેનો રહેવાસી છે. નીતિનની તલાશી લેવાતાં તેની પાસેથી 5.48 કિલોની અંબરગ્રીસ મળી આવી હતી.
આ પણ વાંચો : હત્યાના પ્રયાસના કેસમાં થાણે કોર્ટે 2 આરોપીને નિર્દોષ જાહેર કર્યા
દરમિયાન નીતિન વિરુદ્ધ વાઇલ્ડલાઇફ (પ્રોટેક્શન) એક્ટની સુસંગત જોગવાઇ હેઠળ ગુનો દાખલ કરીને તેની ધરપકડ કરવામાં આવી હતી. આરોપીએ અંબરગ્રીસ ક્યાંથી મેળવી હતી અને તે કોને વેચવા માટે રાબોડી વિસ્તારમાં આવ્યો હતો. તેની તપાસ કરવામાં આવી રહી છે.
અંબરગ્રીસ વ્હેલના પાચનતંત્રમાં ઉત્પન્ન થતો મીણ જેવો પદાર્થ છે અને તેનો વેપાર ગેરકાયદે છે. તેનો ઉપયોગ પર્ફ્યુમ બનાવવા માટે થતો હોય છે અને તેને ઘણી વાર તરતું સોનું પણ કહેવામાં આવે છે. (પીટીઆઇ)