સ્પોર્ટસ

ટી-20ના આ સ્ટાર ભારતીય ખેલાડીને ગર્ભિત ચેતવણી, `તને આખરી તક મળી છે, હવે સારું નહીં રમે તો…’

કોલકાતાઃ વિરાટ કોહલી અને રોહિત શર્મા તેમ જ રવીન્દ્ર જાડેજા ટી-20 ઇન્ટરનૅશનલ્સમાંથી નિવૃત્ત થઈ ગયા બાદ ભારતીય ક્રિકેટના મોવડીઓ તેમ જ સિલેક્ટરો અને ટીમ મૅનેજમેન્ટ નવી ટી-20 ટીમ તૈયાર કરી રહી છે અને એમાં બહુમૂલ્ય સ્થાન જાળવી રાખવાની જવાબદારી કૅપ્ટન સૂર્યકુમાર યાદવ સહિત દરેક ખેલાડી સમજતો જ હશે. જોકે ઓપનર અભિષેક શર્મા એમાંનો એક એવો ખેલાડી છે જેને ઘણી તક મળી છે છતાં તે એનો પૂરો ફાયદો નથી ઉઠાવી શક્યો એટલે તેને એક ભૂતપૂર્વ ભારતીય ખેલાડીએ ગર્ભિત ચેતવણી આપી છે કે જો તું હવે સારું નહીં રમે તો ટીમમાંથી તારી બાદબાકી થતાં વાર નહીં લાગે.

ભારતની ઇંગ્લૅન્ડ સામે પાંચ મૅચની ટી-20 સિરીઝ શરૂ થઈ રહી છે.

ફટકાબાજીથી મેદાન પર ચારેય દિશામાં બૉલને બાઉન્ડરી લાઇનની બહાર મોકલવામાં માહિર અભિષેક ટી-20ની એક પછી એક મૅચમાં નિષ્ફળ ગયો છે.

આ પણ વાંચો: અભિષેક શર્માએ ઉર્વિલ પટેલના ભારતીય વિક્રમની રાજકોટમાં આઠ જ દિવસમાં બરાબરી કરી

જુલાઈ, 2024માં ઝિમ્બાબ્વે સામેની એક મૅચમાં તેણે માત્ર 47 બૉલમાં સેન્ચુરી ફટકારી હતી. ભૂતપૂર્વ ભારતીય ઓપનર આકાશ ચોપડાએ મંતવ્યોમાં અભિષેકના બૅટિંગ-ફૉર્મ વિશે ચિંતા વ્યક્ત કરતા જણાવ્યું છે કે અભિષેકના ફૉર્મમાં ચઢાવ-ઉતાર જોવા મળ્યા છે. આંતરરાષ્ટ્રીય કારકિર્દીની બીજી જ મૅચમાં (ઝિમ્બાબ્વે સામે) તેણે ઝમકદાર સદી ફટકારી હતી. તેનામાં ભરપૂર ટૅલન્ટ છે, પણ તેનું બૅટિંગ-પ્રદર્શન પૂરબહારમાં નથી ખીલ્યું. મને લાગે છે કે તેને આખરી તક મળી છે. હવે તે સારું રમશે તો મજા પડી જશે. ઇંગ્લૅન્ડ સામેની પાંચ મૅચની શ્રેણીમાં તેણે પોતાની બધી કાબેલિયત બતાવવાની છે.' આકાશ ચોપડાની દૃષ્ટિએસંજુ સૅમસને છેલ્લી ત્રણ મૅચમાં જે કરી દેખાડ્યું એવું હવે અભિષેક શર્માએ બતાવવાનું છે અને જો હવે તે સારું નહીં રમે તો યશસ્વી જયસ્વાલ લાઇનમાં ઊભો જ છે. યશસ્વી કે બીજો કોઈ ઓપનર તેનું સ્થાન લઈ લેશે.’

અભિષેક શર્માએ 11 ટી-20 મૅચમાં 171.81ના સ્ટ્રાઇક-રેટ સાથે કુલ 256 રન બનાવ્યા છે. તેનો સ્ટ્રાઇક-રેટ સારો છે, પણ બૅટિંગ-સરેરાશ (23.27) ચિંતા કરાવે છે. 256 રનમાં તેની એક સેન્ચુરી અને એક હાફ સેન્ચુરી સામેલ છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button