સ્પોર્ટસ

જૉકોવિચને દીકરીએ ઇશારાથી કહ્યું, `ડૅડી, ઇન્ટરવ્યૂ જલદી પતાવો…ઊંઘ આવે છે’

મેલબર્નઃ પુરુષોની ટેનિસમાં સૌથી વધુ 24 ગૅ્રન્ડ સ્લૅમ ટાઇટલ જીતનાર અને પચીસમા ટાઇટલની લગોલગ પહોંચી ગયેલા યુરોપિયન દેશ સર્બિયાના 37 વર્ષના નોવાક જૉકોવિચે મંગળવારે 21 વર્ષના સ્પૅનિશ ખેલાડી કાર્લોસ અલ્કારાઝને સંઘર્ષભરી મૅચમાં 4-6, 6-4, 6-3, 6-4થી હરાવી દીધો ત્યાર પછીના ટેનિસ કોર્ટ પરના જ ઇન્ટરવ્યૂમાં જૉકોવિચને સવાલો પૂછવામાં આવી રહ્યા હતા ત્યારે બીજી બાજુ નજીકના એક સ્ટૅન્ડમાં ઊભેલા તેના પરિવારના સભ્યો તેને મળવા આતુર હતા તેમ જ હોટેલ ભેગા થઈને ક્યારે સૂવા મળે એની રાહ જોઈ રહ્યા હતા. ઉંઘવાની રાહ જોઈ રહેલી જૉકોવિચની પુત્રી ટૅરાએ ડૅડીને ઇન્ટરવ્યૂ જલદી પૂરો કરી નાખવાનો ઇશારો પણ કરી દીધો હતો.

આ પણ વાંચો: 37 વર્ષના જૉકોવિચે 21 વર્ષના હરીફ સામેની મુશ્કેલ ક્વૉર્ટર ફાઇનલ જીતી લીધી

વાત એવી છે કે જૉકોવિચ-અલ્કારાઝ વચ્ચેની મૅચ સાડાત્રણ કલાક સુધી ચાલી હતી. આ મુકાબલો મધરાત બાદ એક વાગ્યા સુધી ચાલ્યો હતો. એ પૂરો થયા પછી બન્ને ખેલાડીઓ ઉપરાંત પ્રેક્ષકોમાં બધા જ લોકો થાકેલા દેખાતા હતા અને એમાં જૉકોવિચના ફૅમિલી મેમ્બર્સ પણ હતા. જૉકોવિચ રમતી વખતે એવું માનતો હતો કે પત્ની યેલેના તેમ જ 10 વર્ષીય પુત્ર સ્ટેફાન અને પુત્રી ટૅરા અડધી મૅચ છોડીને હોટેલ ભેગા થઈ ગયા હશે, કારણકે મૅચ બહુ લાંબી ચાલી હતી.

https://twitter.com/i/status/1881706055920431371

જોકે મૅચ બાદ ઍન્કરને જૉકોવિચ ઇન્ટરવ્યૂ આપી રહ્યો હતો ત્યારે તેનું ધ્યાન સામે ઊભેલા તેના ફૅમિલી મેમ્બર્સ પર ગયું હતું. જૉકોવિચ એક સવાલનો જવાબ આપવાને બદલે વાતાવરણને હળવું બનાવતાં બોલ્યો, મને નવાઈ એ વાતની છે કે મારા બન્ને સંતાનો હજી અહીં જ છે. તમે બન્ને મને સપોર્ટ કરવા અહીં આટલે મોડે સુધી હાજર છો એ બદલ થૅન્ક યુ...આય લવ યુ...પણ બેટા, રાતનો એક વાગી ગયો, તમે હજી સૂવા નથી ગયા...ક્યારે જશો?' જૉકોવિચે સામે ઊભેલા બન્ને સંતાનોને આ સવાલ પૂછતાં જ પ્રેક્ષકો હસવા લાગ્યા હતા. જોકે પુત્રી ટૅરાનો સાંકેતિક જવાબ જોઈને પ્રેક્ષકો વધુ હસી પડ્યા હતા. બ્રૉડકાસ્ટરનો કૅમેરા જૉકોવિચના ફૅમિલી મેમ્બર્સ પર તાકવામાં આવ્યો ત્યારે ટૅરાએ પોતાના એક હાથની આંગળીથી બીજા હાથના કાંડા પરની ઘડિયાળ બતાવતાં પપ્પાને એવો સંકેત આપ્યો હતો કેતમને (મૅૅચ જીતવામાં) આટલું બધુ મોડું થયું જ કેમ…હવે ઇન્ટરવ્યૂ જલદી પતાવી નાખો કે જેથી અમે બધા સૂવા જઈ શકીએ.’

ટૅરાની આ સાંકેતિક પ્રતિક્રિયા જોઈને પ્રેક્ષકો ખૂબ હસી પડ્યા હતા.
જૉકોવિચે સેમિ ફાઇનલમાં ઍલેક્ઝાંડર ઝવેરેવ સામે રમવાનું નક્કી થયું હતું.
મહિલાઓમાં વર્લ્ડ નંબર-ટૂ ઇગા સ્વૉન્ટેક બુધવારે એમ્મા નૅવારોને 6-1, 6-2થી હરાવીને બીજી વાર ઑસ્ટ્રેલિયન ઓપનની સેમિ ફાઇનલમાં પહોંચી ગઈ હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button