સૂર્યકુમાર, બુમરાહ, પંત, ગિલ, હાર્દિક, શ્રેયસ, રાહુલ, યશસ્વી, અર્શદીપ, સૅમસન, તિલક… આ સ્ટાર ઇલેવનને ડ્રગ્સ-વિરોધી કડક નિયમ હેઠળ….
નવી દિલ્હી: વર્લ્ડ ઍન્ટી ડોપિંગ એજન્સી (વાડા)ની ભારતીય શાખા નૅશનલ ઍન્ટી ડોપિંગ એજન્સી (નાડા)એ ડ્રગ્સ-વિરોધી પ્રોગ્રામ હેઠળ વધુ 11 ભારતીય ક્રિકેટરોને આવરી લીધા છે. નાડાના રજિસ્ટર્ડ ટેસ્ટિંગ પૂલ (આરટીપી)માં સામેલ કરવામાં આવેલા ક્રિકેટરોમાં સૂર્યકુમાર યાદવ, જસપ્રીત બુમરાહ, રિષભ પંત, શુભમન ગિલ, હાર્દિક પંડ્યા, શ્રેયસ ઐયર, કેએલ રાહુલ, યશસ્વી જયસ્વાલ, અર્શદીપ સિંહ, સંજુ સૅમસન, તિલક વર્માનો સમાવેશ છે.
આરટીપી હેઠળના ક્રિકેટરો કે ઍથ્લીટોએ નાડાના અધિકારીઓ જ્યારે પણ તપાસ કરવા માગે ત્યારે તેમને કહેવું પડે કે પોતે અત્યારે ક્યાં છે અને ડ્રગ્સ-વિરોધી ચકાસણી માટે પોતે અમુક ચોક્કસ દિવસે, ચોક્કસ સમયે ઉપલબ્ધ રહેશે કે નહીં. બીજી રીતે કહીએ તો આ ખેલાડીઓએ નાડાના અધિકારીઓને ડ્રગ્સ સંબંધિત તપાસ માટે જરૂરી યુરિનના સેમ્પલ આપવા પડે.
નાડાને આ ખેલાડીઓએ પોતાના ઘરના સરનામા, ઇમેલ એડ્રેસ તેમ જ ફોન નંબર પણ આપવા જરૂરી છે. જો કોઈ ખેલાડી કે ઍથ્લીટ 12 મહિના દરમિયાન વધુમાં વધુ ત્રણ વખત નાડાના નિયમ હેઠળ ડોપિંગ વિરોધી ટેસ્ટિંગ માટે હાજર ન રહી શકે કે નિયમ તોડે તો નિયમનો ભંગ કરવા બદલ તેના પર અમુક મૅચોનો પ્રતિબંધ લાગુ થઈ શકે.
Also read: IND vs ENG 1st T20I: આવી હોઈ શકે છે ઇન્ડિયાની પ્લેઇંગ-11; ગંભીર રિંકુ સિંહનું પત્તું કાપશે કે શું!
એવું માનવામાં આવે છે કે આજે ભારતની ઇંગ્લેન્ડ સામે શરૂ થઈ રહેલી ટી-20 સિરીઝ દરમિયાન નાડાના અધિકારીઓ કેટલાક ક્રિકેટરોના યુરીન સેમ્પલ્સ મેળવવા અમુક સ્થળની મુલાકાત લેશે. એ વિશે બીસીસીઆઈને પણ જાણ કરી દેવામાં આવી હોવાનું મનાય છે. આ સિરીઝની મૅચો કોલકાતા, ચેન્નઈ, રાજકોટ, પુણે અને મુંબઈમાં રમાવાની છે.
નાડાએ સપ્ટેમ્બર, 2019માં તમામ (પુરુષ અને મહિલા) ક્રિકેટરો માટે આરટીપીની રચના કરી હતી. ત્યારે આરટીપી હેઠળ આવરી લેવામાં આવેલા ભારતીય ક્રિકેટરોમાં ચેતેશ્વર પુજારા, રવીન્દ્ર જાડેજા, કેએલ રાહુલ, સ્મૃતિ મંધાના અને દીપ્તિ શર્માનો સમાવેશ હતો 2020ની સાલમાં આ પાંચ ક્રિકેટરોએ નાડાના અધિકારીઓને અમુક ચોક્કસ દિવસે પોતે ક્યાં અને કેટલા વાગ્યે મળશે એ નહોતું જણાવ્યું એ બદલ નાડાએ બીસીસીઆઈને ફરિયાદ કરી હતી. જોકે ભારતીય ક્રિકેટ બોર્ડે કારણ આપતા જણાવ્યું હતું કે પાસવર્ડને લગતી ગરબડને લીધે ઑનલાઇન ફાઇલિંગ નહોતું થઈ શક્યું તેમ જ કૉવિડને પગલે લૉકડાઉન હોવાથી તેઓ બીસીસીઆઈની ઓફિસે સમયસર નહોતા પહોંચી શક્યા. નાડાએ આ કારણો સ્વીકારીને પાંચેય ક્રિકેટરોને માફ કરી દીધા હતા. નાડાના આરટીપી નિયમ હેઠળ વિશ્વભરના અનેક ક્રિકેટરો અને ઍથ્લીટોને આવરી લેવામાં આવ્યા છે.