આપણું ગુજરાત

30 જાન્યુઆરીએ સવારે 11 કલાકે બે મિનિટ માટે ગુજરાત થંભી જશે, જાણો વિગત

ગાંધીનગરઃ ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામમાં પોતાના પ્રાણનું બલિદાન આપ્યું છે, તેવા શહીદ વીરોની સ્મૃતિમાં તા. ૩૦મી જાન્યુઆરી, ૨૦૨૫ને ગુરુવારના રોજ શહીદ દિને સવારે ૧૧.૦૦ કલાકે બે મિનિટ મૌન પાળી દેશ માટે પ્રાણની આહુતિ આપનારા શહીદ વીરોને માન અર્પણ કરાશે. જે અંતર્ગત સમગ્ર રાજ્યમાં શક્ય હોય તેટલા પ્રમાણમાં કામકાજની અને વાહનવ્યવહારની ગતિને આ બે મિનિટ સુધી બંધ રાખવા ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા જણાવાયું છે. આ દિવસ મહાત્મા ગાંધીજીની પુણ્યતિથિ પણ છે.

ગુરુવાર તા. ૩૦મી જાન્યુઆરી, ૨૦૨૫ના રોજ જે સ્થળે સાયરન કે સેનાની તોપની વ્યવસ્થા હોય ત્યાં સવારે ૧૦.પ૯ થી ૧૧.૦૦ કલાક સુધી સાયરન વગાડી કે તોપ ફોડી બે મિનિટ માટે મૌન પાળવા સૂચના અપાશે. સાયરન બંધ થાય કે તુરંત જ જ્યાં કાર્ય કરતા હોય તેવા બધા જ સ્થળોએ કામ કરનાર સૌ પોતપોતાની જગ્યાએ શાંત ઉભા રહી મૌન પાળશે અને રસ્તાઓ પરના વાહનવ્યવહાર શક્ય હોય ત્યાં સુધી થોભે તે જોવા વિનંતી કરવામાં આવી છે. બે મિનિટ બાદ મૌનનો સમય પૂરો થાય એટલે ૧૧.૦ર થી ૧૧.૦૩ કલાક સુધી સાયરન ફરીથી વાગશે ત્યારે રાબેતા મુજબનું કામકાજ ફરીથી શરૂ કરવાનું રહેશે.

જે સ્થળોએ સાયરન અથવા અન્ય કોઇ સંકેતની વ્યવસ્થા નથી ત્યાં સવારે ૧૧.૦૦ કલાકે બે મિનિટ મૌન પાળવા માટે સંબંધિતોને જાણ કરવામાં આવશે. શહીદવીરો પ્રત્યે ઋણ અદા કરી મૌન પાળવાના આ અવસરને ગૌરવશાળી બનાવવામાં સહયોગ આપવા ગુજરાતના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા સૌને અનુરોધ કરવામાં આવ્યો છે.

Also read: નવતર પ્રયોગઃ ગુજરાતના આ શહેરમાં દીપડો આવતાં જ પડી જશે ખબર

દેશના ગૃહ મંત્રાલય દ્વારા શહીદ દિનનું મહત્ત્વ સમજાય અને યોગ્ય રીતે આ દિવસ મનાવાય તે માટે રાજયની તમામ શૈક્ષણિક સંસ્થાઓ, બોર્ડ-કોર્પોરેશન વિગેરેમાં દેશની સ્વતંત્રતા અંગેના વકતવ્ય, સંવાદ જેવા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવા જણાવાયું છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button