ઠંડીથી સાચવજો, રાજ્યમાં 20 દિવસમાં હૃદયરોગના નોંધાયા 5100થી વધુ કેસ
અમદાવાદઃ ગુજરાતમાં આ વર્ષે કાતિલ ઠંડી પડી છે. શિયાળાના દિવસોમાં રાજ્યમાં હૃદયરોગના કેસમાં ચોંકાવનારો વધારો થઈ રહ્યો છે. રાજ્યમાં શિયાળાની સિઝનમાં છેલ્લા 20 દિવસમાં હૃદય રોગ સંબંધિત ઇમરજન્સીના 5144 કેસ નોંધાયા છે. જે ગત વર્ષ 2024ના 1 જાન્યુઆરીથી 20 જાન્યુઆરીના સમયમાં 4305 કેસ હતા. આમ ગત વર્ષની સરખામણીએ શિયાળામાં હૃદય રોગ સંબંધિત ઇમરજન્સીના કેસમાં 19.49 ટકાનો વધારો નોંધાયો હતો. ગત વર્ષે સરેરાશ 215 જેટલા કેસ આવ્યા હતા, હાલ 257 આસપાસ કેસ નોંધાયા છે. 108 ઇમરજન્સી સર્વિસ દ્વારા આપવામાં આવેલા આંકડામાં આ માહિતી સામે આવી હતી.
અમદાવાદમાં હૃદયની સમસ્યાના કેસમાં 24 ટકાનો વધારો
અમદાવાદમાં ગયા વર્ષે જાન્યુઆરીના 20 દિવસમાં 1241 જ્યારે આ વર્ષે 1543 લોકોને હૃદયની ઈમરજન્સી કેસ નોંધાયા હતા. આમ ઈમરજન્સીના કેસમાં 24.34 ટકાનો વધારો થયો છે. આ વર્ષે જાન્યુઆરીના 20 દિવસમાં અમદાવાદમાંથી સરેરાશ 77 દર્દીને હૃદયની તકલીફના કારણે દાખલ કરવામાં આવ્યા હતા. બીજી તરફ ગયા વર્ષની સરખામણીએ સુરતમાં 17.66 ટકા, રાજકોટમાં 14.53 ટકા, વડોદરામાં 12.50 ટકા, ભાવનગરમાં 29.41 ટકા જેટલા કેસ વધારે નોંધાયા છે.
Also read:ગુજરાતમાં હૃદય રોગના જીવલેણ હુમલા: ૨૪ કલાકમાં ૮ લોકોનાં મરણ
13 જિલ્લામાં ઈમરજન્સીના કેસમાં વધારો
છોટાઉદેપુરમાં 2024માં 32ની સરખામણીએ 2025માં 53 કેસ, પંચમહાલમાં 2024માં 56 કેસની તુલનાએ 2025માં 89 કેસ, વલસાડમાં 2024માં 67ની સરખામણીએ 2025માં 102 કેસ, કચ્છમાં 2024માં 103ની સરખામણીએ 2025માં 139 કેસ, મહેસાણામાં 2024માં 64ની સરખામણીએ 2025માં 86 કેસ, અમરેલીમાં 2024માં 94ની સરખામણીએ 2025માં 125 કેસ, તાપીમાં 2024માં 82ની સરખામણીએ 2025માં 109 કેસ, ભાવનગરમાં 2024માં 204ની સરખામણીએ 2025માં 264 કેસ, મોરબીમાં 2024માં 45ની સરખામણીએ 2025માં 58 કેસ અને ગીર સોમનાથમાં 2024માં 56ની સરખામણીએ 2025માં 72 કેસ નોંધાયા હતા. ગુજરાતમાં 4305ની સરખામણીએ 5144 કેસ નોંધાયા હતા. આ આંકડા 1 થી 20 જાન્યુઆરી સુધીના છે.
કેમ વધ્યા હૃદય રોગના કેસ
ડૉક્ટરોના કહેવા મુજબ, ઠંડીના કારણે ધમનીઓ સંકોચાઈ જાય છે એટલે લોહીનો પ્રવાહ ધીમો પડી જાય છે. જેથી શિયાળાની સિઝનમાં હૃદય રોગનો ખતરો વધી જાય છે. જે લોકોને બીપીની સમસ્યા હોય, પહેલાથી હાર્ટની કોઇ સમસ્યા હોય, કોલેસ્ટ્રોલનું ઊંચું પ્રમાણ હોય, વધારે પડતું બહારનું ખાતા હોય, ધ્રુમપાન કરતા હોય તેવા લોકોને વધારે ખતરો રહે છે. આવા લોકોએ ડૉક્ટરોની સલાહ પ્રમાણે કસરત અને ચાલવાની ટેવ રાખવી જોઈએ. તેમજ પૂરતી ઊંઘ લેવી જોઈએ.