નવલા નોરતા ચાલી રહ્યા છે અને બીજા દિવસે માતા બ્રહ્મચારિણીની પૂજા કરવામાં આવે છે. માતા બ્રહ્રમચારિણીએ એ માતા દુર્ગાની બીજી શક્તિ છે. શારદીય નવરાત્રીના બીજા દિવસે 16મી ઓક્ટોબર, 2023ના રોજ કરવામાં આવશે. બ્રહ્મચારિણી માતાની ઉપાસના કરનારા ભક્તોને તપ, ત્યાગ, વૈરાગ્ય અને સદાચારમાં વૃદ્ધિ જેવી અનેક પ્રકારની સિદ્ધિઓ પ્રાપ્ત થાય છે.
એવી સર્વ સામાન્ય માન્યતા છે કે મા દુર્ગાની પૂજા કરવાથી નવ ગ્રહો શાંત થાય છે અને જ્યોતિષશાસ્ત્રમાં પણ માતા બ્રહ્મચારિણીનો સંબંધ ચંદ્રમા સાથે છે. પરિણામે નવરાત્રિના બીજા દિવસે માતા બ્રહ્મચારિણીની પૂજા કરવાથી ચંદ્ર દોષ દૂર થાય છે. ચાલો સમય વેડફ્યા વિના જાણીએ શારદીય નવરાત્રીના બીજા દિવસે મા બ્રહ્મચારિણીની પૂજા કરવાનો શુભ મુહૂર્ત, પદ્ધતિ, મંત્ર અને કથા વિશે…
મા બ્રહ્મચારિણી પૂજાના મુહૂર્તની વાત કરીએ તો 16મી ઓક્ટોબર 2023ના અમૃત મુહૂર્ત સવારે 06:22 – 07:48 કલાક સુધી, શ્રેષ્ઠ સમય સવારે 9.14 કલાકથી 10.40 કલાક સુધી અને સાંજના પૂજા કરવી હોય તો સાંજે 04:25 કલાકથી 5.51 કલાક સુધી પૂજા કરી શકાય છે.
હવે આગળ વધીએ અને માતાજીની પૂજા કઈ રીતે કરવી એ વિશે વાત કરીએ તો એ માટે શાસ્ત્રોમાં એવું જણાવવામાં આવ્યું છે કે આ અવતારમાં માતા મહાન સતી હતા અને મહર્ષિ નારદની સલાહ પર, તેમણે ભગવાન મહાદેવને તેમના પતિ તરીકે મેળવવા માટે તેમના જીવનમાં સખત તપશ્ચર્યા કરી હતી. નવરાત્રિમાં આ દિવસે તેમના અવિવાહિત સ્વરૂપને પૂજવામાં આવે છે. નવરાત્રિના બીજા દિવસે, દેવી બ્રહ્મચારિણીની પૂજા કરતી વખતે, સફેદ અને લાલ રંગના મિશ્રણવાળા કપડાં પહેરવા જોઈએ. સફેદ રંગનું કમળ ચઢાવીને હ્રીમનો જાપ કરો. માતાની કથા વાંચો અને અંતમાં આરતી કરો. પ્રસાદની વાત કરીએ તો માતા બ્રહ્મચારિણીનો સૌથી પ્રિય પ્રસાદ છે ખાંડ અને પંચામૃત.
આ રહ્યા મા બ્રહ્મચારિણીની પૂજા દરમિયાન જાપ કરવાના મંત્રો-
ह्रीं श्री अम्बिकायै नम:।
या देवी सर्वभूतेषु मां ब्रह्मचारिणी रूपेण संस्थिता। नमस्तस्यै नमस्तस्यै नमस्तस्यै नमो नमः।।
दधाना कपाभ्यामक्षमालाकमण्डलू। देवी प्रसीदतु मयि ब्रह्मचारिण्यनुत्तमा।
દેવી બ્રહ્મચારિણીની કથા એવી છે કે માતા બ્રહ્મચારિણીની ભગવતી દુર્ગાની નવી શક્તિઓનું બીજું સ્વરૂપ માનવામાં આવે છે. શાસ્ત્રોમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે માતા બ્રહ્મચારિણીનો જન્મ તેમના પૂર્વજન્મમાં રાજા હિમાલયના ઘરે મૈનાના ગર્ભથી થયો હતો. દેવર્ષિ નારદના કહેવાથી માતા બ્રહ્મચારિણીએ વનમાં જઈને શિવને પતિ રૂપે પ્રાપ્ત કરવા માટે માત્ર ફળ ખાઈને હજારો વર્ષ સુધી કઠોર તપસ્યા કરી હતી. ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે, બ્રહ્મચારિણીએ હજારો વર્ષો સુધી ઝાડ પરથી પડેલા સૂકાયેલા પાંદડા ખાઈને કઠોર તપસ્યા કરી હતી. માતા બ્રહ્મચારિણીની પૂજા કરવાથી તપ, જ્ઞાન અને સ્મરણ શક્તિમાં વૃદ્ધિ થાય છે, એવી માહિતી શાસ્ત્રોમાંથી મળે છે.
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને