દાઝ્યા પર ડામ જેવું થયું સૈફ અલી ખાનને, સરકારે…..
ભોપાલઃ બોલીવૂડ અભિનેતા અને મશહૂર ક્રિકેટર મનસુર અલી ખાન પટૌડીના વારસદાર સૈફ અલી ખાનને એક મોટો ઝટકો લાગી શકે છે. મધ્ય પ્રદેશમાં ભોપાલ ખાતેની પટૌડી પરિવારની સંપત્તિ સરકારના નિયંત્રણમાં આવી શકે છે. મધ્યપ્રદેશ હાઇકોર્ટના જસ્ટિસ વિવેક અગ્રવાલે અભિનેતા સૈફ અલી ખાનના પરિવાર સાથે જોડાયેલી ઐતિહાસિક મિલકતો પર લાદવામાં આવેલો સ્ટે ઉઠાવી લેતા સરકાર માટે એનિમિ પ્રોપર્ટી એક્ટ 1968 અંતર્ગત આ મિલકતના સંપાદનનો માર્ગ મોકળો થયો છે. જોકે, કોર્ટે સૈફને ટ્રિબ્યુનલમાં અપીલ કરવાની મંજૂરી આપી છે, પરંતુ તેમણે કે તેમના પરિવારે હજુ સુધી કોઈ કાર્યવાહી કરી નથી. પટૌડી પરિવારની ભોપાલમાં 15 હજાર કરોડની સંપત્તિ છે.
પટૌડી પરિવાર પાસે ભોપાલમાં 15,000 કરોડ રૂપિયાની સંપત્તિ છે જે સૈફ અલી ખાન અને શર્મિલા ટાગોરના પરિવારના કબજામાં છે. સરકાર એનિમિ પ્રોપર્ટી (શત્રુ સંપત્તિ) એક્ટ 1968 હેઠળ આ સંપત્તિને પોતાના કબ્જામાં લઈ શકે છે. એનિમિ પ્રોપર્ટી એક્ટ 1968 કેન્દ્ર સરકારને ભાગલા પછી પાકિસ્તાનમાં સ્થળાંતર કરનારા લોકોની સંપત્તિ જપ્ત કરવાની મંજૂરી આપે છે.
Also read: સૈફ અલી ખાન હુમલો કેસઃ શંકાસ્પદની પોલીસે કરી અટકાયત
ભોપાલના છેલ્લા નવાબ હમીદુલ્લા ખાનને ત્રણ પુત્રીઓ હતી તેમની મોટી પુત્રી આબિદા સુલતાન 1950માં પાકિસ્તાન સ્થળાંતર કરી ગયા હતા. તેમના બીજા પુત્રી સાજીદા સુલતાન ભારતમાં રહ્યા હતા અને નવાબ ઇફ્તિખાર અલી ખાન પટૌડી સાથે નિકાહ કર્યા અને પ્રોપર્ટીના વારસદાર બન્યા હતા. સૈફ સાજીદા સુલતાનનો પૌત્ર છે, તેથી તેમને આ પ્રોપર્ટી વારસામાં મળી હતી. જોકે, સરકારે આબિદા સુલતાનના પાકિસ્તાનમાં સ્થળાંતર કરી જવાના આધારે આ મિલકતને શત્રુ સંપત્તિ ગણાવી દાવો કર્યો હતો. 2019માં અદાલતે સાજીદા સુલતાનને કાનૂની વારસદાર તરીકે માન્યતા આપી હતી, પણ તાજેતરના ચૂકાદાએ પરિવારના મિલકત વિવાદને ફરીથી છંછેડ્યો છે.
સૈફ અલી ખાનની કાનૂની મુશ્કેલીઓ 2014 માં શરૂ થઈ હતી જ્યારે શત્રુ સંપત્તિ વિભાગના કસ્ટોડિયને ભોપાલમાં પટૌડી પરિવારની મિલકતને દુશ્મનને મિલકત તરીકે જાહેર કરતી નોટીસ જારી કરી હતી. 2016માં ભારત સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલા વટહુકમ બાદ આ વિવાદ વધ્યો હતો, જેમાં સ્પષ્ટ કરવામાં આવ્યું હતું કે પટૌડી પરિવારની સંપત્તિ પર વારસદારનો કોઈ અધિકાર રહેશે નહીં. પટૌડી પરિવારે આ નોટિસને પડકારી હતી અને પ્રોપર્ટી પર સ્ટે લાદવામાં આવ્યો હતો. 23 ડિસેમ્બર 2024 ના રોજ હાઇકોર્ટે પ્રોપર્ટી પરના સ્ટેને હટાવી દીધો હતો અને સૈફ અલી ખાનની અરજીઓ ફગાવી દીધી હતી.