તુર્કીના સ્કી રિસોર્ટમાં ભીષણ આગ, મૃતકોની સંખ્યા 75ને પાર
તુર્કીના એક સ્કી રિસોર્ટમાં ભયંકર આગની ઘટના બની છે. આ આગમાં 76 લોકોના મોત થયા હોવાની અને 50થી વધુ લોકો ઘાયલ થયા હોવાની જાણકારી મળી છે. તુર્કીના બોલુ પ્રાંતમાં આવેલા સ્કી રિસોર્ટમાં આગ લાગવાથી 76 લોકોના મોત થયા છે અને 50 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. સ્થાનિક અધિકારીઓના જણાવ્યા અનુસાર આ ઘટના મોડી રાતે બની હતી. જે સ્કી રિસોર્ટમાં આગ લાગી તેનું નામ કર્તલકાયા સ્કી રિસોર્ટ છે. બોલુના ગવર્નરે જણાવ્યું હતું કે આગ લાગવાથી ગભરાટના કારણે કેટલાક લોકો ઇમારત પરથી કૂદી પડ્યા હતા, જેને કારણે તેમના મોત થયા હતા. કેટલાક લોકોએ ચાદર અને ધાબળાની મદદથી પોતાના રૂમમાંથી નીચે આવવાનો પ્રયાસ કર્યો હતો. આગના સમયે રિસોર્ટમાં 234 મહેમાનો રોકાયા હતા.
આગ લાગવાની જાણ થતા જ ફાયર બ્રિગેડ, રેસ્ક્યુ ટીમ અને મેડિકલ ટીમને ઘટના સ્થળે રવાના કરવામાં આવી હતી. ફાયર બ્રિગેડ અને રેસક્યુ ટીમ દ્વારા 100થી વધુ લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. આગ કેવી રીતે લાગી તેનું કારણ હજી સુધી સ્પષ્ટ થયું નથી. આગને કારણે આખો રિસોર્ટ ધુમાડ઼ામાં લપેટાઇ ગયો હતો. હાલમાં તો સ્થાનિક પોલીસે આગની ઘટનાની તપાસ શરૂ કરી છે.
Also read: Los Angeles wildfires: 40 હજાર એકરમાં આગથી તબાહી, 13 લાખ કરોડથી વધુનુ નુકશાન…
કર્તલકાયા સ્કી રિસોર્ટ ઇસ્તંબુલથી લગભગ 300 કિમી પૂર્વમાં કોરોગ્લુ પર્વતીય પ્રદેશમાં આવેલો છે. કર્તલકાયા તુર્કીનું જાણીતું શિયાળુ પ્રવાસન સ્થળ છે. સ્કી સિઝન દરમિયાન અહીં મોટી સંખ્યામાં પર્યટકો આવે છે. આ સમયે તુર્કીમાં શાળામાં રજા હોય છે, જેને કારણે અહીંની હોટેલો ભરેલી હોય છે.