ઈન્ટરવલ

નક્કર વાતો પર વિશ્ર્વાસ ન મુકાય!

કચ્છી ચોવક -કિશોર વ્યાસ

કાઈ વ્યક્તિ કે કોઈ વસ્તુની ગુણવત્તા દર્શાવવા માટે એક સુંદર ચોવક પ્રચલિત છે: “ઓરત રાંફડી, ને સોપારી વાંકડી” રાંફડી એટલે રાંક. ‘ઓરત રાંફડી’ મતલબ કે સ્ત્રી રાંક હોય એ એક ગુણ છે, અને સોપારી ખાવાના શોખીન હંમેશાં ‘વાંકડી’ સોપારી જ પસંદ કરે છે. હવે જો આમાં કંઈ પણ ખામી વરતાય ત્યારે સમાજ એમ કહે છે કે: “કાં વટ ડીયે મેં નાંય, કાં તેલ તરે મેં નાંય” ‘વટ’ એટલે દીવાની વાટ અને ‘ડીયે મેં’ એટલે દીવામાં. ‘તરે મેં’ શબ્દ ચોવકમાં છે, જેનો અર્થ થાય છે: તળિયામાં. હવે ચોવકનો શબ્દાર્થ જોઈએ: કાં તો દીવામાં વાટ નથી ને કાં તો તળિયામાં તેલ નથી! નહીં તો દીવો જરૂર પ્રગટે! આ ચોવક ખૂબ જ ગર્ભિત અર્થ ધરાવે છે. ઉદાહરણ તરીકે, જો કોઈ, પરણવા માટે એવી છોકરી પસંદ કરી બેસે કે, જેનામાં કોઈ આવડત જ નથી!

ઘણીવાર આપણે સાંભળતા હોઈએ છીએ કે, ‘સમય સમયની વાત છે’ જેનો અર્થ ખૂબ જ સ્પષ્ટ છે, પણ એવી હાલત દર્શાવવા માટે એક ચોવકનો ઉપયોગ થતો હોય છે કે: ‘કડેંક મન માકૂડી, કડેંક કેસર સીં, કડેંક ચટણી માંની, કડેંક સીરેજો ડીં” અત્યંત ગહન અર્થ ધરાવતી એ ચોવકમાં જે ‘કડેંક’ શબ્દનો વારંવાર પ્રયોગ થયો છે તેનો અર્થ થાય છે: ક્યારેક. ‘કેસર સીં’ એટલે કે કેસરી સિંહ, ‘ચટણી-માંની’નો અર્થ પણ સ્પષ્ટ છે: રોટલો અને ચટણી અને ચોવકમાં છેલ્લે જે શબ્દો પ્રયોજાયા છે “સીરે જો ડીં” એટલે શીરો ખાવાનો દિવસ! અર્થમાં ભૂતકાળનાં સ્મરણ પણ છે અને વર્તમાનકાળના જીવનના તબક્કા પણ જોવા મળે છે. શબ્દાર્થ જોઈએ: ક્યારેક મન ચંચળ (આમ તો માકૂડીનો અર્થ થાય છે કીડી કે મંકોડી) કયારેક મન કેસરી સિંહ જેવું, ક્યારેક ખાવામાં રોટલો અને ચટણી તો ક્યારેક શીરો ખાવાનો દિવસ! સ્મરણમાં ‘આવું હતું’ અને વર્તમાનમાં ‘આવું છે’… એ રીતે આ ચોવકનો પ્રયોગ થતો હોય છે. ઘણા લોકો ચોકસાઈ કર્યા વગર જ કોઈ પણ વિશ્ર્વાસ મૂકતા હોય છે કે કામ કરતા હોય છે. એ પ્રકારની ત્રણેક બાબતો વણી લેતી એક ચોવક

ચોકસાઈ રાખવી કેટલી જરૂરી હોય છે તેનો અરીસો બતાવે છે:

“પાણી પીને પુછે ઘર, બખવિજીને પુછે બર, ધી ડઈને પૂછે વર, ઈ માડૂ ન ય ગોંની ફર” ચોવકની બીજી લાઈનમાં છેલ્લા બે શબ્દો છે: ‘ગોંની ફર’ એટલે કે ગાયનું વાછડું, પણ એ અહીં ‘ઢગા’ના અર્થમાં વપરાયેલા શબ્દો છે. શબ્દાર્થ એવો થાય છે કે, પાણી પી લીધા પછી ઘર કોનું છે, તેવું પૂછનાર, કોઈની તાકાત (બર)નો અંદાજ લગાવ્યા વગર ‘બાથ ભીડી લેનાર’, (ધી) દીકરી આપ્યા પછી ‘વર’ (મૂરતિયા) વિશે માહિતી મેળવનાર એ બધા માણસ નહીં ‘ઢગા’ છે!

જે વાતમાં નક્કરતા જોવા ન મળે, તો તેવી વાતો પર વિશ્ર્વાસ કેમ મૂકી શકાય? તેના માટે એવી ચોવક પ્રચલિત છે કે, “અકજે માંઢૂવે જો કિતરો ભકા” ગુજરાતીમાં કહેવું હોય તો એ ચોવક આ રીતે કહી શકાય: ‘આકડાના માંડવાનો ભરોસો કેટલો?’ ‘અક’ એટલે આકડો અને ‘માંઢૂવે’ શબ્દ માંડવા (મંડપ)ના બદલે વપરાયો છે. ‘કિતરો ભકો’? મતલબ કે ભરોસો કેટલો? મતલબ કે આકડાના બરડ લાકડાંથી માંડવા ન બંધાય! એક ચોવકના અર્થ-ભાવાર્થમાં પણ કેટલો વ્પાય હોય છે, તેનું આ એક ઉદાહરણ છે.

ખરેખર, ઘણા એવા માણસો હોય છે, જેની વાતો પર ભરોસો ન કરી શકાય. એ માણસો કેવા હોય છે? એ ચોવક બતાવે છે: “અગાડ આલેજા, પછાડ પાલેજા, ખરેં બિપોરે કેંજા ન” ‘અગાડ’ શબ્દનો અર્થ છે ‘સવારે’ તેની સાથે જોડાયેલો શબ્દ છે ‘આલેજા’ (મૂળ શબ્દ ‘આલા’ છે જેનો અર્થ થાય છે: ઉત્તમ કે ભવ્ય) બન્ને શબ્દોને જોડતાં અર્થ થાય છે: સવારે ઉત્તમ! ‘પછાડ’ એટલે દિવસ આથમવા ટાણે અને ‘પાલેજા’ (મૂળ શબ્દ ‘પાલો’ છે. કેરી પકવવા સૂકા ઘાસ વચ્ચે રાખેલો કેરીનો ઢગલો) મતલબ કે પરિપકવતા વગરની વાતો! અને બપોરે તો એ ‘કેંજા ન’ એટલે કે કોઈનો નહીં… મતલબ કે, બપોરે તેની વાતોના કોઈ ઠેકાણા ન હોય! આવા રંગ બદલતા લોકોની વાતો પર કેમ ભરોસો કરાય?

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button