ઈન્ટરવલ

ચહેરા મોહરા -પ્રકરણ: 19

એને હવે સમજાતું હતું કે તે જે પ્લાનમાં આગળ ચાલી રહ્યો છે, તેમાં એ ખુદ તો માત્ર પ્યાદું જ છે. ચાલ તો બીજો જ કોઈક ચાલે છે… કદાચ એ જ સાચો રાજા છે! કોણ હશે એ?

પ્રફુલ્લ કાનાબાર

સોહમને એકાએક અંકુશ યાદ આવી ગયો. જેલમાંથી છૂટવાના એક દિવસ પહેલાં જ અંકુશ સાથે થયેલી મુલાકાત યાદ આવી ગઈ. જો અંકુશ ન મળ્યો હોત તો તેની આ લાંબી અને અજાણી સફર શરૂ જ ન થઈ હોત! સોહમ વિચારી રહ્યો.. અંકુશનું જેલમાં મળવું એ નિયતિનો ખેલ હતો કે કોઈકે બિછાવેલી શતરંજનો ખેલ હતો? આવું વિચારતો સોહમ હાથમાં સેલફોન રમાડી રહ્યો હતો ત્યાં જ એ રણકી ઊઠ્યો એટલે સોહમ ચમક્યો. ફોનમાં એક માત્ર સેવ કરેલો ભોલુનો નંબર ડિસપ્લે થઈ રહ્યો હતો.

સોહમે ફોન ઉપાડયો. સામે છેડેથી નંદગીરીનો ઘેઘૂર અવાજ સંભળાયો:

‘સોહમ, કહાં તક પહુંચે? સુરત સ્ટેશન નીકલ ગયા?’ ‘જી…મહારાજ. નવસારી ભી નીકલ ગયા.’ ‘સૂનો, થોડી દેરમે વલસાડ આયેગા. તુમ્હે વહાં ઉતર જાનેકા હૈ. મહારાજ, ટિકિટ તો વાપી કી હૈ.’ સોહમથી અનાયાસે જ બોલાઈ ગયું.

સામા છેડેથી નંદગીરીનો હસવાનો અવાજ સંભળાયો:

‘વાપી કી ટિકિટ હૈ ઇસ લિયે વાપી તક જા સકતે હો.. લેકિન બીચમે કોઈ ભી સ્ટેશન પે ઉતર ભી શકતે હો. ઉસમેં કોઈ પેનલ્ટી નહી લગતી.’v‘હા વોહ તો મુઝે ભી પતા હૈ.’ સોહમે પણ હસતાં હસતાં જ જવાબ આપ્યો. ‘ઔર સૂનો..વલસાડ સ્ટેશન પે હી એક આદમી તુમ્હે લેને આયેગા.’ ‘લેકિન મૈં ઉસે પહેચાનુંગા કૈસે?’ સોહમે મુદ્દાનો સવાલ કર્યો. વોહ તુમ્હે પહેચાન લેગા.’ ‘ઠીક હૈ, મહારાજ.’

સોહમના મનમાં સવાલ અનેક હતા, પણ તેણે નંદગીરીને આગળ સવાલ પૂછવાનું માંડી વાળ્યું, કારણ કે એ સારી રીતે જાણતો હતો કે નંદગીરી જરૂર કરતાં વધારે એક શબ્દ પણ બોલશે નહી. ફોન કટ થયા બાદ સોહમ વિચારી રહ્યો..વાપીની ટિકિટ બૂક કરાવીને તેને વલસાડ ઉતારી દેવાનું પ્લાનિંગ અગાઉથી નક્કી જ હશે.. ટૂંકમાં, આ સમગ્ર પ્લાનનો મહારથી ચાલાક છે. આખો પ્લાન ગુપ્ત રહી શકે તે માટેનું એનું સંચાલન પણ જડબેસલાક છે. સોહમે બારીની બહાર નજર કરી. ટ્રેનની ગતિ ધીમી પડી રહી હતી. જેમને વલસાડ ઊતરવાનું હતું તે મુસાફરો સામાન સીટ નીચેથી કાઢી રહ્યા હતા. સોહમ પણ સીટ નીચે રાખેલી એટેચી હાથમાં લઈને ઊભો થઈ ગયો.અચાનક વલસાડ સ્ટેશનની બહાર ટ્રેન ઊભી રહી ગઈ. ડબ્બામાં મુસાફરોનો ગણગણાટ ચાલુ થઈ ગયો હતો. કોઈકે કહ્યું.. ‘ચેઈન પુલિંગ થયું લાગે છે.’ કોઈક બોલ્યું.. ‘સિગ્નલ નથી મળ્યું.’ સીટ પરથી ઊભો થઈ ગયેલો સોહમ ફરીથી તેની જગ્યાએ બેસી ગયો.

સોહમ વિચારી રહ્યો.. નંદગીરીએ ફોનમાં કહ્યું કે વલસાડ સ્ટેશને લેવા આવનાર માણસ તેને ઓળખી જશે. એ કઈ રીતે ઓળખી જશે? સોહમે દિમાગ દોડાવ્યું. આવનાર માણસ પાસે એસ સેવન ડબ્બાની વિગત હોઈ શકે, જેમાં એ બેઠો હતો. બની શકે કે એ ડબ્બો પ્લૅટફૉર્મ પર જ્યાં આવતો હોય એ જ જગ્યાએ એ માણસ ઊભો રહે. એકાએક સોહમના દિમાગમાં ચમકારો થયો. ભોલુએ સેલફોનનાં ફંકશન્સ સમજાવતી વખતે સોહમનો ફોટો પાડીને તેને ફોટો કઈ રીતે પાડવાનું તે બતાવ્યું હતું. ભોલુએ એ ફોટો ખુદના ફોનમાં સેન્ડ પણ કર્યો હતો. બની શકે કે ભોલુએ એ ફોટો અત્યારે સ્ટેશને આવનાર માણસને પણ સેન્ડ કર્યો હોય….!

થોડી વાર બાદ ટ્રેન ધીમે ધીમે વલસાડના પ્લૅટફૉર્મ પર પ્રવેશી રહી. સોહમે બારીની બહાર નજર કરીને વલસાડનું પાટિયું વાંચ્યું. સોહમ માટે તો વાપી કે વલસાડ બધું સરખું જ હતું. બે દિવસથી સોહમ કોઈકે બિછાવેલી શતરંજની બાજીમાં કઠપૂતળીની જેમ એવી રીતે દાખલ થઈ ચૂક્યો હતો, જેમાં તેણે એક પણ ચાલ ચાલવાની જ ક્યાં હતી? સોહમ ક્યારેય શતરંજ રમ્યો નહોતો. ચાલીની બહાર ઓટલા પરિષદ ભરીને કેટલાક બેકાર યુવાનો કેરમ પર જુગાર રમતા. થોડે દૂર બે યુવાન હમેશાં ચેસ રમતા. સોહમ ત્યાં બેસીને એ રમત ધ્યાનપૂર્વક જોતો. તેને ચેસની રમતમાં રસ પડયો હતો. થોડા દિવસમાં જ શતરંજની રમતમાં તેને થોડી થોડી ખબર પડવા લાગી હતી. સોહમને નવાઈ લાગતી કે હાથી કેમ માત્ર આડી લાઈનમાં જ ચાલી શકે? ઘોડો કેમ અઢી ડગલા ચાલે છે? વજીર કેમ મન ફાવે તેમ ત્રાંસો અને આડો જઈ શકે છે? વળી રાજા તો એક જ સ્ટેપ ચાલી શકે.. આ વળી કેવું? ખરેખર તો રાજા મન ફાવે તે રીતે ચાલી શકવો જોઈએ ને?

સોહમના મનમાં ઉદ્ભવેલો એ સવાલ ચેસ રમતા યુવાને સરસ રીતે સમજાવ્યો હતો. રાજા પાસે તો હાથી, ઘોડા અને સૈનિકોની આખી સેના હોય છે. તેને ચાલવાની જરૂર જ શા માટે પડે? તેણે તો માત્ર હુકમ જ કરવાના હોય ને?! સોહમના બાળદિમાગમાં ત્યારે એ વાત થોડીક જ સમજાઈ હતી. હા..સોહમને આજે સમજાતું હતું કે તે જે પ્લાનમાં આગળ ચાલી રહ્યો છે, તેમાં એ ખુદ તો માત્ર પ્યાદું (સૈનિક) જ છે. ચાલ તો બીજો જ કોઈક ચાલે છે.. કદાચ એ જ સાચો રાજા છે! કોણ હશે એ? એની પાસે પૈસા હશે? પાવર હશે? કેટલીય ચાલ ચાલી ચૂકેલો શતરંજનો અઠંગ ખેલાડી હશે? સોહમ ટ્રેનની બારીમાંથી દેખાઈ રહેલા સ્વચ્છ આકાશ સામે જોઈને મનમાં જ મલક્યો. ખરો ખેલાડી તો ઉપરવાળો જ હોય છે, જે આકાશ જેટલી શતરંજ લઈને બેઠો છે!

વલસાડ પ્લૅટફૉર્મ પર ટ્રેન ઊભી રહી એટલે સોહમ હાથમાં એટેચી સાથે નીચે ઊતર્યો. ટ્રેન આવવાને કારણે વલસાડ પ્લૅટફૉર્મ જીવંત બની ગયું હતું. ચાવાળાની સાથે ચીકુવાળા ફેરિયાઓની દોડાદોડી પણ વધી ગઈ હતી. સોહમને યાદ આવ્યું કે વલસાડના ચીકુ વખણાય છે, તેવું સાંભળ્યું હતું ખરું. સોહમ ટ્રેનથી થોડે દૂર પ્લૅટફૉર્મ પર જ ઊભો રહી ગયો. સોહમે આજુબાજુમાં નજર દોડાવી. કોઈ દેખાયું નહી. ‘ગુજરાત એક્સપ્રેસ’નો વલસાડ સ્ટેશને માત્ર પાંચ જ મિનિટનો હોલ્ટ હતો. થોડી વાર બાદ સોહમ ટ્રેનને આગળની દિશા તરફ જતી જોઈ રહ્યો.

અચાનક સોહમના ખભા પર પાછળથી કોઈકે ધીમેથી હાથ રાખ્યો. સોહમે પાછા વાળીને જોયું. લગભગ છ ફૂટ હાઈટ અને ભારે શરીર અને મોટી મૂછોવાળો ચાળીસ આસપાસનો એક હેન્ડસમ માણસ તેની સામે ઊભો હતો. કડક ચહેરાવાળો એ માણસ આર્મીમેન જેવો દેખાતો હતો.

તેણે તેના કડક ચહેરા પર આછેરું સ્મિત લાવીને પૂછયું:

‘મિસ્ટર સોહમ?’ ‘જી..હા’ સોહમના ગળામાંથી માંડ અવાજ બહાર નીકળ્યો. હકીકતમાં સોહમ એ માણસના પડછંદ વ્યક્તિત્વથી જ અંજાઈ ગયો હતો. પેલા માણસે હાથ લંબાવીને કહ્યું મારું નામ પ્રભાસ છે સોહમે તેના મજબૂત પંજામાં પોતાનો જમણો હાથ સાચવીને આપ્યો.

‘ચાલો.’ પેલાએ પોતાનો હાથ રોબોટની સ્ટાઈલમાં પાછો ખેંચીને આદેશના સૂરમાં કહ્યું.vપ્રભાસ આર્મીમેનની જેમ જ શિસ્તબદ્ધ રીતે ડગલાં માંડતો આગળ ચાલવા માંડયો. સોહમ હાથમાં એટેચી સાથે તેની પાછળ યંત્રવત્ દોરવાયો. સ્ટેશનની બહાર છૂટાછવાયા કેટલાક રિક્ષાવાળાઓ ઊભા હતા. એમાંથી એકે ઇશારાથી જ પ્રભાસને રિક્ષા માટે પૂછયું.‘નહી ચાહિયે, હમારે પાસ ગાડી હૈ.’ પ્રભાસે હાથમાં લટકાવેલી કીચેઈન ઊંચી કરીને પેલાને જવાબ આપ્યો.vખાસ્સું ચાલ્યા બાદ બંને એક ટાટા સુમો પાસે આવ્યા. પ્રભાસે ચાવી વડે દરવાજો ખોલ્યો. તેણે સોહમને ડ્રાઈવરની બાજુની જ સીટમાં બેસવા માટે ઈશારો કર્યો. સોહમ પાછળની સીટ પર એટેચી રાખીને ચૂપચાપ બેસી ગયો. પ્રભાસે ગાડી સ્ટાર્ટ કરીને ધીમે ધીમે ભીડવાળા એરિયામાંથી બહાર કાઢી લીધી.

પ્રભાસે એસી ઑન કર્યું. દસેક મિનિટ બાદ ગાડી મુંબઈ હાઈ-વે પર દોડી રહી હતી. વીસેક મિનિટ બાદ પ્રભાસે ગાડી હાઈ-વે પરથી નીચે ઉતારીને એક નાનકડા બાયપાસ પર લીધી. થોડે આગળ ગયા બાદ ગાડી બિલકુલ જંગલ જેવા રસ્તે દોડી રહી. સોહમે જોયું કે મુખ્ય હાઈ- વે ઘણો પાછળ છૂટી ગયો હતો. જે રસ્તે ગાડી જઈ રહી હતી એ રસ્તો સિંગલ ટ્રેક હતો. રસ્તો પાકો હતો, પરંતુ એકદમ નિર્જન હતો. કોઈને લૂંટીને લૂંટારા પલાયન થઈ જાય તોપણ ખબર ન પડે તેવા સૂમસામ રસ્તા પર ગાડી પૂરપાટ દોડી રહી હતી. સોહમના મનમાં પહેલી વાર ગભરાટ થયો. જોકે તેની પાસેથી લૂંટવા જેવું તો કંઈ જ નહોતું. એણે પ્રભાસ તરફ જોયું. એનાં જડબાં ભીડાતાં જતાં હતાં…..

તેને ડર લાગ્યો:
આ અજાણ્યો પડછંદ માણસ તેના પર હુમલો તો નહી કરે ને?
(ક્રમશ:)

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button