ઈન્ટરવલ

આ લે લે લે લે…. આ પણ નકલી?

વ્યંગ -ભરત વૈષ્ણવ

‘કંઇ દમ નથી.’ આટલું બોલી રાજુ રદી ગિન્નાયો. સુતાર કે દરજી ડાબા કે જમણા કાને પેન્સિલ કે ફૂટપટી ભરાવે.જરૂર પડયે તેનો ઉપયોગ કરે. રાજુએ ડાબા કાને ભરાવેલી બીડી કાઢી. બીડીનો દોરો જે ભાગે હોય તે ભાગ એટલે બીડીના પૃષ્ઠ ભાગને ફૂંક મારી. બે આંગળી વચ્ચે બીડી આમતેમ ફેરવી. પછી બીડી મોઢામાં મૂકી. લાઇટરથી બીડી સળગાવી. એક સટ માર્યો. રાજુનો મૂડ ઓફ થઇ ગયો. બીડીનો છૂટો ઘા કર્યો.

‘રાજુ, શું થયું?’ મેં રાજુ રદીને પૂછયું. ‘આ તો હદ થઇ ગઇ.’ રાજુ રદી ગુસ્સે થઇ ગયો. રાજુ ક્યારે રડે અને ક્યારે ગુસ્સે થાય તે ગ્રહની માફક નક્કી હોતું નથી. રાજુ કમાતો ધમાતો હોવા છતાં કોઇ ડાળીએ વળગી શકતો નથી.એણે શર્ટની વાળેલી બાંયમાંથી બીડી કાઢી.બીડીનો આગળનો ભાગ ટેબલ પર હળવેથી પછાડ્યો. બીડીનો દોરો કડક કર્યો.બીડી સળગાવી. એક સટ લીધો. વિચિત્ર બેસ્વાદ લાગ્યો.રાજુએ બેવડા ઝનૂનથી બીડીનો ભાલાની જેમ ઘા કર્યો.

‘રાજુ, શેની હદ થઇ ગઇ? ટેલિપ્રોમ્પટર હોય તો બગડે. ટેલિપ્રોમ્પટર પર ગુસ્સે થોડું થવાનું હોય? આપણે ભાષણની ટાઇપ કોપી સાથે રાખવાની હોય. ટેલિપ્રોમ્પટર બગડે તે ભાષણની કોપી કડકડાટ વાંચી જવાની હોય. બાઘાની જેમ બેહૂદું થોડું વર્તવાનું હોય?’ મેં તાજેતરની ઘટના પર ટીકાટિપ્પણ કર્યું. ‘ગિરધરલાલ, હું તેની વાત કયાં કરું છું ? તમે પણ ઝૂડઝૂડ કરો છો?’ રાજુએ મને તતડાવ્યો.રાજુએ ફરી બીડી સળગાવી. કોણ જાણે બીડીની જાત બદલાઇ ગઇ કે બીડી હવાઈ ગઇ હોય તેમ બેસ્વાદ લાગી. પાછી બીડી મિસાઇલની જેમ ફંગોળી
‘રાજુ શું વાત છે એ તો ફોડ પાડ ?’

‘ગિરધરલાલ, આ દેશ રસાતાળ થવા તરફ જઇ રહ્યો છે. પણ દેશ આટલી હદે નીચે જશે તેની મેં કલ્પના કરી નથી. ડિસ્ગસ્ટિંગ.’ રાજુએ બબડાટ કર્યો. ‘રાજુ, આજે કેમ બહુ અસ્વસ્થ છો? ’ રાજુ તલબ બુઝાવવા વારંવાર બીડી સળગાવતો હતો અને ગુસ્સે થઇને બીડી ફેંકતા હતો. ‘ગિરધરલાલ, આ દેશમાં કેન્સરની જેમ નકલીપણું વ્યાપી રહ્યું છે. અસલી ઘીના નામે ડાલ્ડા ઘી, નાગરવેલનો રસ અને ઘીનું એસેન્સ હોંશે હોંશે ઉંચા ભાવ આપી ખાઇ રહ્યા છીએ. વરિયાળીને રંગીને જીરું બનાવીએ છીએ. સફેદ તલને હેરડાઇ કરાવી કાળા તલની સાની કે કચ્ચરિયું બનાવી ભાવથી આરોગીએ છીએ. દરેક વસ્તુમાં નકલ છે. અસલી નકલીનો ભેદ પારખી ન શકાય તેવી સ્ફોટક પરિસ્થિતિ ઉત્પન્ન થઇ છે. હવે તો હિન્દુસ્તાનનું નામ નકલીસ્તાન કરવું પડશે તેમ લાગે છે.’ રાજુ વ્યથિત થયો.

‘રાજુ, ખેડૂતો યૂરિયા ને બદલે નકલી ખાતર વાપરે તો પાકની ફળદ્રુપતા ક્યાંથી વધે? નકલી બિયારણ, નકલી જંતુનાશકનો વપરાશ વધતો જાય છે.’ મે રાજુના સૂરમાં સૂર પુરાવ્યો. ‘ગિરધરલાલ, સિમેન્ટની જાણીતી કંપનીની બેગમાંથી સિમેન્ટ કાઢી લઇ ઓછી જાણીતી કંપનીની સિમેન્ટ ઉમેરી દે છે.મરચાંમાં લાકડાનો વેર, ધાણાજીરામાં ઘોડાની લાદ, હળદરમાં લોટ,બેસનમાં ઘઉંનો લોટ, નકલી પનીર, નકલી ચીઝ, ટોમેટો સોસમાં કોળું. જગત આખું ભેળસેળમય છે. લાગણીઓમાં પણ નકલીપણું જોવા મળે છે. ‘રાજુએ નકલીના અત્ર, તત્ર અને સર્વત્ર જોવા મળે છે તેમ દલીલ સહ પ્રતિપાદિત કર્યું.’

‘નકલની મોહમાયાથી સોના-ચાંદી જેવી ધાતુ પણ બાકાત નથી. સો ટચનું સોનું માત્ર કલ્પના જગતમાં છે. બાકી, બગસરાના ગોલ્ડની બોલબોલા છે. ભૂતિયા રેશનકાર્ડ, ભૂતિયા કંપની, ભૂતિયા વિધ્યાર્થી, નકલી મતદારો. કરોળિયો જાળ બનાવે તેમ નકલીનું નેટવર્ક અસલીને ઓહિયા કરી જાય છે.’ મેં રાજુને નકલી જ અસલી હોવાનો અહેસાસ કરાવ્યો.
‘અરે, એ છોડો, છેલ્લા દસકામાં નકલી આઇપીએસ,

નકલી આઇએએસ, પીએમઓના નકલી અધિકારી, સીએમઓના અધિકારી, નકલી કચેરીઓ, નકલી સીબીઆઇ અધિકારીઓ બનીને મિસ્ટર નટવરલાલ કે બંટી-બબલી લૂંટ કરે છે…. કોલ સેન્ટર મારફતે નોન મેટ્રિક થયેલો છોકરડો હાઇફાઇ અમેરિકનોને
છેતરે છે….હમણાં તો ગુજરાતમાં એક ધારાસભ્ય પણ નકલી પકડાયા!’ ‘રાજુ, નકલમય સબ જગ જાની કરહૂં પ્રણામ કર જોરી.’ મેં તુલસીદાસની ચોપાટને ટવિસ્ટ કરી. ‘ગિરધરલાલ, નકલનો નાગ મારા વ્યસનને પણ ભરખી ગયો છે.’ રાજુએ ફરિયાદ કરી.

‘એ કેવી રીતે?’ મેં રાજુને સવાલ કર્યો . ‘ગિરધરલાલ, તમને ખબર છે કે ચેઇન સ્મોકર છું. (વૈધાનિક ચેતવણી :-સ્મોકિંગ ઇઝ ઇન્જરસ ટુ હેલ્થ) હું એક જ બ્રાંડની બીડી પીવું છું. સિગારેટ કરતાં બીડી ઓછી નુકસાનકારક છે તેવું મનાય છે. હું એક જ દુકાનમાંથી બીડીની ગડીઓ લાવું છું. છેલ્લે જે બીડી ખરીદીને લાવેલો તે બીડી બેસ્વાદ લાગતી હતી. તેનો ધુમાડો પણ નકલી ધુમાડો લાગતો હતો. હું બીડીની સો ગડી લાવેલો એ બધા ફેંકી દેવી પડે તેમ હતું.’ રાજુએ ફરિયાદ વિગતે
વાત કરી.

‘એટલે તને બીડીમાં ગરબડ લાગી?’ મેં પૂછયું ‘હા, નકલીનો કોબ્રા મારી.’ ‘રાજુ, હજુ તો નકલી હવા, સૂર્યપ્રકાશ, નકલી પવન અને નકલી દાતણનો નકલયુગ આવશે. કદાચ તું લગ્ન કરીશ તો તારે ત્યાં નકલી પુત્ર-પુત્રી આવશે.’ મેં ભવિષ્યવાણી ભાંખી.
આ સાંભળી રાજુ પણ નકલી બીડીના નકલી ધૂમાડાની
જેમ અસલી રીતે અશ્ય થયો!

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button