અજબ ગજબની દુનિયા
હેન્રી શાસ્ત્રી
નસીબનું પાંદડું ને ઉદ્યમના મૂળિયાં મધુ રાયના રૂપાંતર ‘સંતુ રંગીલી’નો એક સંવાદ છે કે’ માણસ રહેતો હોય છે ભૂલેશ્વરની ઓરડીમાં કે બોરીવલીની ચાલમાં. રાતોરાત લખપતિ બની જાય છે (આ વાત છે 1975ની) અને રહેવા ઉપડી જાય છે નેપિયન્સી રોડ કે પેડર રોડના બંગલામાં કે કોઈ આલીશાન ફ્લૅટમાં, પણ આ બધાં જેવા બોલવા માટે પોતાના મોં ખોલે છે ત્યારે એમાંથી ભૂલેશ્વરની વાસ આવે છે.’ ટૂંકમાં માણસ પોતાના મૂળિયાં સાથે જોડાયેલો રહે છે. નાળા સફાઈની નોકરી કરતા યુકેના જેમ્સ ક્લાર્કસન નામના યુવકને તાજેતરમાં 75 લાખ પાઉન્ડ (આશરે 80 કરોડ રૂપિયા)ની લોટરી લાગી. લોટરીના શોખીન જેમ્સને ક્રિસમસમાં 120 પાઉન્ડ (આશરે 13 હજાર રૂપિયા)નું ઈનામ લાગ્યું હતું અને એણે એ બધા પૈસા વધુ ટિકિટ ખરીદવામાં ખર્ચી નાખ્યા. શુક્રવારે એક પાર્ટીમાં ગયો હતો ત્યાં ફોન પરના મેસેજથી અધધ રકમની લોટરીનો મેસેજ મળ્યો અને પરિવારમાં આનંદનું ઘોડાપૂર આવ્યું.
શનિ – રવિ પરિવાર અને ગર્લફ્રેન્ડ સાથે ડિનર – શેમ્પેઇનની પાર્ટી કરી અને સોમવારે સવારે જેમ્સ નોકરી પર હાજર થઈ ગયો નાળા સફાઈનું કામ કરવા! ભલે નસીબ આડેનું પાંદડું ખસી ગયું, પણ જેમ્સ ઉદ્યમના મૂળિયાં ત્યજવા તૈયાર નથી. ‘હું હજી બહુ નાનો છું અને મારે કામ નથી છોડવું. પૈસાનું વ્યવસ્થિત આયોજન કરી સમગ્ર પરિવારની આવતી કાલ ઊજળી બનાવવી છે,’ જેમ્સના આ શબ્દે શબ્દમાં શાણપણ ડોકિયાં કરે છે.
ક્યા પાયા નહીં તૂને, ક્યા ઢૂંઢ રહા હૈ તૂ! પરમેશ્વરને પામવાની ભક્તિમાં બે ભાવ હોય છે, સ્થૂળ ભાવ અને સૂક્ષ્મ ભાવ. પ્રયાગરાજમાં શરૂ થયેલા કુંભ મેળામાં પહેલું સ્નાન થઈ ગયું અને છેલ્લું સ્નાન મહા શિવરાત્રીના દિવસે છે. ‘કલાપી’ની પંક્તિમાં થોડો ફેરફાર કરી કહી શકાય કે ’ભક્તો તેમાં ડૂબકી દઈને પુણ્યશાળી બને છે.’
કુંભ મેળામાં તમે સ્નેહીજનોથી વિખૂટા પડી ખોવાઈ ગયા તો ‘ખોયા – પાયા બૂથ’ ઊભા કરવામાં આવ્યા છે. લાઉડસ્પીકર પર ઘોષણા કરી પુનર્મિલાપ કરી દેવામાં આવે છે. આ વખતે તો ક્યુ આર કોડ અને ગૂગલ લોકેશન જેવી ડિજિટલ સુવિધા પણ ઉપલબ્ધ છે. આ થયો સ્થૂળ ભાવ. જોકે, સાથે એવા પણ લોકો છે જે ખોવાયેલા સ્વને મેળવવા કુંભ મેળામાં આવ્યા છે. ત્રિવેણી સંગમમાં ડૂબકી લગાવી ભૌતિક સુખને બદલે આંતરિક સુખની મહેચ્છા રાખતો હોય છે. ભૌતિક સુખમાં આળોટી લીધા પછી ખોવાયેલો અંતરનો આનંદ કુંભ મેળામાં પાછો મળશે એવી આશાએવો વિશ્વાસ એ સૂક્ષ્મ ભાવ છે. જાતને શોધવા પહેલા પૂરેપૂરા ખોવાઈ જવું જરૂરી હોય છે.
દરેક ડબ્બાનું ઢાંકણું ન ખોલાય જીવન એક રહસ્યનું પડીકું છે. જોકે, જીવનના કેટલાંક રહસ્ય એવાં હોય છે કે એ ન જાણીએ એમાં જ ભલાઈ હોય છે. એમાંય પારિવારિક રહસ્યનાં પડીકાં ન ખોલીએ એ જ ઈષ્ટ. અમુક લોકોના દિમાગમાં કુતૂહલનો કીડો એવો સળવળાટ કરતો હોય છે કે રહસ્યનું પડીકું ખોલ્યા વિના ચેન ન પડે. પછી કર્યા ભોગવવા પડે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા કિસ્સા અનુસાર 28 વર્ષની યુવતીએ એના પૂર્વજો કોણ હતા, ક્યાં રહેતા હતા અને આજની તારીખમાં કેટલા સગાવ્હાલા જીવિત છે એ જાણવા ડીએનએ ટેસ્ટ કરાવ્યો. જોકે, ટેસ્ટનો રિપોર્ટ આવ્યા પછી જે સંબંધ હતા એ પણ ખતમ થવા પર આવી ગયા. રિપોર્ટ અનુસાર તપાસ કરતા ખબર પડી કે યુવતીના પિતા અગાઉ કોઈ મહિલા સાથે રિલેશનશિપમાં હતા અને એ સંબંધથી એક પુત્રી પણ હતી. પિતાએ આ વાત સાચી હોવાનું કહ્યું ત્યારે યુવતી માથે તો આભ તૂટી પડ્યું. જાત પર બહુ કંટ્રોલ રાખ્યા પછી યુવતીએ પોતાની માતાને પિતાના વિવાહ બાહ્ય સંબંધની વાત કરી દીધી.
પછી પેરેન્ટ્સ વચ્ચે શું થયું?
વાત છૂટાછેડા સુધી પહોંચી ગઈ. રહસ્યનું પડીકું ખોલવાની ચળમાં એક ખુશાલ પરિવાર રોતલ થઈ ગયો. Curiosity killsa the cat’ જેવી પેલી અંગ્રેજી કહેવતની જેવી ‘અતિ કુતૂહલ એ આફતનું મૂળ’ એવી ગુજરાતી કહેવત પણ બનાવવી જોઈએ.
‘ટ્રમ્પ’ની ખીર ખાવા ટ્રમ્પને નોતરું ‘સચ્ચે કા બોલબાલા ઔર જૂઠે કા મુંહ કાલા’ એવી કહેવત છે, પણ કળિયુગમાં તો ‘સચ્ચે કા મુંહ ઢીલા ઔર જૂઠે કા બોલબાલા’ જેવી પરિસ્થિતિ છે. આર્થિક રીતે કંગાળ થઈ રહેલા પાકિસ્તાનમાં આવેલા પંજાબના સાહીવાલ શહેરમાં ખાણીપીણીનો સ્ટોલ ચલાવતા સલીમ બગ્ગા અચાનક સ્ટાર બની ગયા છે. ના, એમના ટેસ્ટી ફૂડને કારણે નહીં, પણ એમના ચહેરાને કારણે. ના, ના, એમને ફિલ્મોમાં સાઈન કરવા માટે નિર્માતાઓની લાઈન નથી લાગી. બગ્ગા બાબુનો ચહેરો મહોરો યુએસએના પ્રેસિડેન્ટ ડોનલ્ડ ટ્રમ્પને મળતો હોવાથી સાહીવાલના રહેવાસીઓ સ્થાનિક ‘ટ્રમ્પ’ના સ્ટોલ પર ખીરનો સ્વાદ લઈ એમની સાથે સેલ્ફી પડાવી સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી રહ્યા છે. ધોળા વાળ, ટ્રમ્પ જેવું મુખારવિંદ, ગાયન ગાવાની કળાના ત્રિવેણી સંગમ સાથે સ્વાદિષ્ટ ખીરની ચોકડીને કારણે લોકપ્રિય બનેલા 53 વર્ષના સલીમભાઈએ અસલી ટ્રમ્પને પાકિસ્તાન આવી પોતાની ખીર ચાખવા નોતરું આપી દીધું છે. સાથે ‘તમને ટેસડો પડી જશે’ એવી ખાતરી પણ આપી છે.
લ્યો કરો વાત! મનુષ્ય પ્રેમ કરતાં પ્રાણીપ્રેમ વધુ દર્શાવતી એકવીસમી સદીની જનરેશનના અતિરેકનો ક્લાસિક કિસ્સો કર્ણાટકના હમ્પીમાં બન્યો છે. સાતમી સદીના વિરુપાક્ષ મંદિરના પરિસરમાં રહેતી 36 વર્ષની લક્ષ્મી નામની હાથણીને કેળા ખવડાવી સેલ્ફી લેવા પર ભક્તો + સહેલાણીઓ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. હાથણીને પરાણે કેળા ખવડાવવાનો પ્રયાસ અને લોકો દ્વારા ન ખાધેલા કેળા તેમ જ પ્લાસ્ટિકની થેલી છોડી દેવાથી થતી ગંદકીના કારણે આ મનાઈહુકમ આવ્યો છે. મંદિરમાં રોજ પાંચ હજાર લોકો આવે છે અને રજાના દિવસોમાં આ સંખ્યા 50 હજાર પર પહોંચી જાય છે. હાથણી પર કેવો ‘કેળાત્કાર’ થતો હશે એના વિચારમાત્રથી કંપારી છૂટી જાય છે.