Gujarat ના ઉંઝાથી મુંબઈ જતું 50 ડબ્બા અખાદ્ય ઘી ઝડપાયું
અમદાવાદઃ ગુજરાતમાં(Gujarat) છેલ્લા થોડા દિવસોથી અખાદ્ય કે ભેળસેળવાળી વસ્તુઓ સતત પકડાઈ રહી છે. પાટણથી મુંબઈ જઈ રહેલી લક્ઝરી બસમાંથી રૂ.60 હજારનો અખાદ્ય ઘીના 50 ડબ્બાનો જથ્થો મહેસાણા ડીવાયએસપીની ટીમે ઝડપી પાડ્યો હતો. પોલીસે ઘીનો જથ્થો કબજે કરી સેમ્પલ સહિતની વધુ કાર્યવાહી કરવા માટે ફૂડ વિભાગને જાણ કરી હતી. પાટણથી મુંબઈ જઈ રહેલી રાજધાની ટ્રાવેલ્સની લક્ઝરીમાં અખાદ્ય ઘી જઈ રહ્યું હોવાની મહેસાણા ડીવાયએસપી મિલાપ પટેલને મળેલી ખાનગી બાતમી આધારે ડીવાયએસપીના સ્કવોડે મહેસાણા નજીક ઊંઝા હાઇવે સ્થિત ફતેપુરા સર્કલ ઉપર વોચ ગોઠવી લક્ઝરીને અટકાવી હતી.
આ પણ વાંચો: ઉંઝામાં નકલી જીરું બાદ હવે ફેક્ટરીમાંથી પકડાયો ભેળસેળયુક્ત વરિયાળીનો 12 ટન જથ્થો
આ તપાસ દરમિયાન સ્લિપિંગની 10 નંબરની સીટ નીચેથી જે એન ઘીવાલા બ્રાન્ડના ઘીના 50 જેટલા ડબ્બા મળી આવ્યા હતા. પોલીસે કથિત અખાદ્ય ઘીનો જથ્થો કબજે કરી મુસાફરો સાથેની લક્ઝરીને રવાના કરી હતી. મહેસાણા તાલુકા પોલીસ મથકની ટીમે અંદાજે રૂ.60 હજારની કિંમતનો અખાદ્ય ઘીનો જથ્થો કબજે કરી ફૂડ વિભાગને સેમ્પલ સહિતની વધુ કાર્યવાહી કરવા માટે જાણ કરી હતી. ઘટનાને લઈ થોડીવાર માટે મુસાફરોમાં પણ ફફડાટ ફેલાઇ ગયો હતો.