સ્પોર્ટસ

37 વર્ષના જૉકોવિચે 21 વર્ષના હરીફ સામેની મુશ્કેલ ક્વૉર્ટર ફાઇનલ જીતી લીધી

મહિલાઓમાં સબાલેન્કા અને બડોસા સેમિમાં પહોંચી ગઈ છે

મેલબર્નઃ 2025ની સાલની પ્રથમ ગ્રાન્ડ સ્લૅમ સ્પર્ધા ઑસ્ટ્રેલિયન ઓપનમાં સર્બિયાના ભૂતપૂર્વ વર્લ્ડ નંબર-વન અને સૌથી વધુ 24 ગ્રાન્ડ સ્લૅમ સિંગલ્સ ટાઇટલ જીતનાર નોવાક જૉકોવિચે આજે અહીં વર્લ્ડ નંબર-થ્રી કાર્લોસ અલ્કારાઝને ભારે રસાકસીભરી ક્વૉર્ટર ફાઇનલમાં 4-6, 6-4, 6-3, 6-4થી હરાવીને સેમિ ફાઇનલમાં એન્ટ્રી કરી હતી.

આ પણ વાંચો: Australian Open 2025: મેડવેડેવે પોતાના પરનો ગુસ્સો રૅકેટથી કાઢ્યો, નેટમાં લગાડેલા કૅમેરા તોડી નાખ્યા

જૉકોવિચ 24 ગ્રાન્ડ સ્લૅમમાં સૌથી વધુ 10 ટાઇટલ ઑસ્ટ્રેલિયન ઓપનમાં જીતી ચૂક્યો છે. અલ્કારાઝ 2024ની આ સ્પર્ધામાં પણ ક્વૉર્ટર ફાઇનલમાં ઍલેક્ઝાંડર ઝવેરેવ સામે હારી ગયો હતો.

વર્લ્ડ નંબર-સેવન જૉકોવિચ 37 વર્ષનો અને અલ્કારાઝ 21 વર્ષનો છે. જૉકોવિચ આ ટૂર્નામેન્ટમાં સૌથી અનુભવી અને સૌથી સફળ ટેનિસ ખેલાડી હોવા છતાં અલ્કારાઝ સામે જીતવું તેના માટે જરાય આસાન નહોતું મનાતું. પહેલા જ સેટમાં જૉકોવિચે 4-6થી હાર જોવી પડી, પણ ત્યાર બાદ ઉપરાઉપરી ત્રણ સેટ જીતીને જૉકોવિચે અલ્કારાઝને બતાવી દીધું હતું કે કેમ તેને હાલમાં સૌથી પડકારરૂપ ખેલાડી તરીકે ઓળખાવવામાં આવે છે અને પચીસમું ગ્રાન્ડ સ્લૅમ ટાઇટલ જીતવા માટે તે કેટલો બધો આતુર છે.

જૉકોવિચ-અલ્કારાઝ વચ્ચેનો મુકાબલો ત્રણ કલાક અને 37 મિનિટ સુધી ચાલ્યો હતો.
જૉકોવિચ હવે 24મી જાન્યુઆરીએ સેમિ ફાઇનલમાં ઍલેક્ઝાંડર ઝવેરેવ સામે રમશે. ઝવેરેવે ક્વૉર્ટરમાં ટૉમી પૉલને 7-1, 7-0, 2-6, 6-1થી હરાવ્યો હતો.

મહિલાઓમાં ડિફેન્ડિંગ ચૅમ્પિયન અરીના સબાલેન્કા અને પોઉલા બડોસા સેમિમાં પહોંચી ગઈ છે. બેલારુસની સબાલેન્કા 2023માં તેમ જ 2024માં ઑસ્ટ્રેલિયન ઓપનનું ટાઇટલ જીતી હતી. સ્પેનની બડોસા હજી સુધી એકેય ગ્રાન્ડ સ્લૅમ સિંગલ્સ ટાઇટલ નથી જીતી શકી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button