ભાંડુપમાં મૉલના બેઝમેન્ટમાં મહિલાનો મૃતદેહ મળ્યો, પણ…
મુંબઈ: ભાંડુપ પશ્ચિમમાં એલ. બી. એ. માર્ગ પર આવેલા ડ્રીમ્સ મૉલના બેઝમેન્ટમાં મંગળવારે સવારે 30 વર્ષની મહિલાનો મૃતદેહ મળી આવ્યો હતો. 2021માં કોવિડ-19 દરમિયાન આ મૉલના પહેલા માળે આગ લાગી હતી, જેમાં 11 જણનાં મોત થયાં હતાં.
અમુક કર્મચારીઓને મૉલના બેઝમેન્ટમાં ભરાયેલા પાણીમાં મંગળવારે સવારના 9.30 વાગ્યાની આસપાસ મહિલાનો મૃતદેહ મળી આવતાં ભાંડુપ પોલીસને જાણ કરવામાં આવી હતી, જેને પગલે પોલીસ સ્ટેશનનો સ્ટાફ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો.
આપણ વાંચો: મુંબઇના જાણીતી હોટેલમાંથી 60 વર્ષીય મહિલાનો મૃતદેહ મળી આવ્યો, તપાસ ચાલુ
પોલીસે મહિલાના મૃતદેહને બહાર કાઢીને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં મોકલી આપ્યો હતો અને બાદમાં આ પ્રકરણે એડીઆર દાખલ કર્યો હતો. મહિલાની ઓળખ મેળવવા માટે આજુબાજુના વિસ્તારમાં તપાસ કરવામાં આવી હતી અને મહિલાની ઓળખ મનીષા ગાયકવાડ તરીકે થઇ હતી.
પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે મહિલા ભાંડુપમાં રહેતી હતી. તે મૉલમાં શા માટે પ્રવેશી હતી, તે જાણી શકાયું નથી. પોલીસને તેના ગુમ થવા વિશે પણ કોઇ ફરિયાદ મળી નહોતી.