આમચી મુંબઈ

સૈફ અલી ખાન પર હુમલોઃ આરોપીએ કર્યાં ચોંકાવનારા ખુલાસો, લેટેસ્ટ અપડેટ જાણો!

મુંબઈઃ બોલીવુડના એક્ટર સૈફ અલી ખાન પર હુમલા મામલે અનેક ચોંકાવનારા ખુલાસા સામે આવી રહ્યા છે. હુમલાખોર શરીફુલ ઈસ્લામ શહઝાદ મોહમ્મદ રોહિલ્લા અમીન ફકીરને સાંકળથી બાંધી દેવામાં આવ્યો છે. શરીફુલ બાંગ્લાદેશી નાગરિક છે. ભારતમાં પ્રવેશવા માટે તે સાત મહિના પહેલા દાવકી નદી પાર કરી મેઘાલય પહોંચ્યો હતો. આ પછી, તેણે સિમ કાર્ડ ખરીદવા માટે પશ્ચિમ બંગાળના રહેવાસીના આધાર કાર્ડનો ઉપયોગ કર્યો હતો.

આ પણ વાંચો: આરોપીને લઇને સૈફના ઘરે પહોંચી પોલીસ, સીન રીક્રિએટ કર્યો

ભારતમાં નામ બદલીને આવ્યો હુમલાખોર

સૈફ અલી ખાન પર હુમલાના ત્રણ દિવસ બાદ ૩૦ વર્ષીય શરીફુલની થાણેથી ધરપકડ કરવામાં આવી હતી. શરીફુલ બાંદ્રામાં સૈફ અલી ખાનના ઘરમાં ચોરીના ઈરાદે ઘૂસ્યો હતો. ગેરકાયદેસર રીતે ભારતમાં પ્રવેશ્યા બાદ શરીફુલે પોતાનું નામ બદલીને બિજોય દાસ રાખ્યું હોવાનું મુંબઈ પોલીસે જણાવ્યું હતું.

દાવકી નદી પાર કરીને ભારતમાં પહેલા ઘૂસ્યો

પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે ફકીર જે સિમ કાર્ડનો ઉપયોગ કરી રહ્યો હતો તે પશ્ચિમ બંગાળના ખુકુમોની જહાંગીર શેખના નામે નોંધાયેલ છે. ફકીરે પોલીસને જણાવ્યું કે તે બાંગ્લાદેશમાં બારમા ધોરણ સુધી ભણ્યો હતો અને નોકરીની શોધમાં ભારત આવ્યો હતો. તેણે મેઘાલયમાં ભારત-બાંગ્લાદેશ સરહદે આવેલી દાવકી નદી પાર કરીને ભારતમાં પ્રવેશ કર્યો હોવાનો દાવો કર્યો હતો.

પબ-હોટેલમાં હાઉસકીપિંગ તરીકે નોકરી કરી હતી

બંગાળમાં થોડા અઠવાડિયા વિતાવ્યા પછી તે નોકરીની શોધમાં મુંબઈ આવ્યો અને એવી નોકરીઓ શોધી હતી, જેમાં કોઈ દસ્તાવેજની જરૂર ન હતી. પ્રાપ્ત માહિતી અનુસાર અમિત પાંડે નામના લેબર કોન્ટ્રાક્ટરે ફકીરને થાણે અને વરલી વિસ્તારમાં પબ અને હોટેલોમાં હાઉસકીપિંગની નોકરી અપાવવામાં મદદ કરી હતી.

પરિવારને ફોન કરવા મોબાઈલ એપ વાપરતો

શરૂઆતમાં ફકીરે પોલીસને કહ્યું કે તે કોલકાતાનો રહેવાસી છે. જો કે, તેના કોલ રેકોર્ડની તપાસ કરતી વખતે અધિકારીઓને બાંગ્લાદેશના નંબરો પર ઘણા ફોન કોલ્સ મળ્યા. તેઓએ જણાવ્યું કે, ફકીરે બાંગ્લાદેશમાં તેના પરિવારને ફોન કરવા માટે મોબાઈલ એપ્સનો ઉપયોગ કર્યો હતો.

ભાઈએ મોકલેલું સર્ટિફિકેટ છે મજબૂત પુરાવો

ત્યાર બાદ પોલીસે આરોપીને તેના પરિવારમાંથી કોઈને ફોન કરવા કહ્યું હતું. તેણે તેના ભાઈને ફોન કર્યો અને તેને તેનું સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ મોકલવા કહ્યું. તેના ભાઈએ તે ડોક્યુમેન્ટ ફકીરના મોબાઈલ પર મોકલ્યું હતું. આ ડોક્યુમેન્ટ તે બાંગ્લાદેશી નાગરિક છે તે સાબિત કરવા માટે મજબૂત પુરાવો છે,” અધિકારીએ જણાવ્યું હતું.

બીજા અભિનેતાના ઘરમાં ઘૂસવાનો કર્યો હતો પ્રયાસ

સૈફ અલી ખાનના ઘરમાં પ્રવેશતા પહેલા આરોપીએ નજીકમાં આવેલા અન્ય એક બોલીવૂડ સુપરસ્ટારના બંગલામાં ઘૂસવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ કૂતરાઓ ભસવા લાગ્યા હોવાથી તે સફળ થયો ન હતો. એક પોલીસ અધિકારીએ સોમવારે કહ્યું હતું કે ફકીર સૈફ અલી ખાનને તેના એપાર્ટમેન્ટમાં ચાકુ માર્યા પછી બે કલાક સુધી બિલ્ડિંગના બગીચામાં છુપાયેલો હતો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button