સેન્સેક્સ ૧,૨૩૫ પોઈન્ટના તોતિંગ કડાકા સાથે સાત મહિનાની નીચી સપાટીએ પટકાયો, રૂ. ૭ લાખ કરોડનું ધોવાણ
નીલેશ વાઘેલા
મુંબઇ: હેવીવેઇટ શેરોમાં ભારે વેચવાલી વચ્ચે સેન્સેક્સ ૧,૨૩૫ પોઈન્ટ તૂટીને સાત મહિનાના નીચલા સ્તરે પટકાયો છે અને એ જ રીતે, નિફ્ટી ૩૨૦.૧૦ પોઈન્ટ અથવા ૧.૩૭ ટકા ઘટીને ૨૩,૦૨૪.૬૫ પર બંધ થયો છે. એક અંદાજે સેન્સેક્સના આ કડાકાને કારણે બીએસઇ પર લિસ્ટેડ શેરોના બજાર મૂલ્યમાં સાત લાખ કરોડ રૂપિયાનું ધોવાણ થયું છે.
અમેરિકાના પ્રમુખ ટ્રમ્પ દ્વારા જાહેર કરાયેલા યુએસ ટેરિફથી વૈશ્વિક બજારોમાં વેચવાલીના દબાણ વચ્ચે બેન્ચમાર્ક સેન્સેક્સ ૧,૨૩૫ પોઈન્ટ ઘટીને સાત મહિનાના નીચલા સ્તરે પહોંચી ગયો છે. આઇસીઆઇસીઆઇ બેંક અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ જેવી ઇન્ડેક્સ હેવીવેઇટ શેરોના ધોવાણથી બજાર ઝડપી ગતિએ ગબડી ગયું હતું.
આ પણ વાંચો: Stock market: સેન્સેકસમાં 900 પોઈન્ટનો કડાકો, જાણો ટ્રમ્પે એવું શું કર્યું?
યુએસ પ્રેસિડેન્ટ ડોનલ્ડ ટ્રમ્પ દ્વારા તેમના શપથગ્રહણના દિવસે પાડોશી દેશો પર ટેરિફની જાહેરાત થયા પછી વૈશ્વિક વેપાર યુદ્ધની ચિંતાઓથી શરૂ થયેલી વ્યાપક વેચવાલીથી બેન્ચમાર્ક સેન્સેક્સ અને નિફટી તોતિંગ કડાકા સાથે નેગેટિવ ઝોનમાં ગબડ્યા હતા.
અગ્રણી માર્કેટ એનાલિસ્ટે જણાવ્યું હતું કે, ટ્રમ્પે ખાસ કરીને ઇક્વિટી માર્કેટની આગામી ચાલ અંગેની અનિશ્ર્ચિતતામાં વધારો કર્યો છે. ટ્રમ્પની બીજી ઇનિંગની શરૂઆત સંભવિત આર્થિક નિર્ણયોની જાહેરાત મર્યાદિત સમજ સાથે થઈ છે.
તેમના ઉદ્ઘાટન ભાષણ દરમિયાન, તેઓ ઇમિગ્રેશન વિશે સ્પષ્ટ હતા, પરંતુ ટેરિફ અંગે અનિશ્ર્ચિત જણાતા હતા. કેનેડા અને મેક્સિકો પર સંભવિત ૨૫ ટકા ટેરિફનું સૂચન સૂચવે છે કે ટેરિફ વધારવાની નીતિ ધીમે ધીમે લાગુ કરવામાં આવશે. ઉપરાંત, ટ્રમ્પે સોમવારે પદભાર સંભાળ્યા પછી યુરોપિયન બજારો થોડા ઊંચા ખુલ્યા હતા.
આ પણ વાંચો: MRF Stock: શેરબજારના ‘બાહુબલી’ શેરનો ભાવ 52 અઠવાડિયાના તળિયે, બજારમાં કેમ થઈ ઉથલપાથલ?
જોકે, એક ટોચની બ્રોકિંગ ફર્મના રિસર્ચ એનાલિસ્ટે જણાવ્યું હતું કે, હાલમાં આ અસ્થિરતા પાછળ ડેરિવેટિવ્સ એક મુખ્ય કારણ છે. સેન્સેક્સના વીકલી એક્સપાઇરીનો ૨૧ જાન્યુઆરી અંતિમ દિવસ હતો. તેમના મતે ટ્રમ્પની સ્પીચ કે તેની સંભવિત અસરોની અટકળો આજે (મંગળવારે) બજારના ગબડવાનું મહત્ત્વનું કારણ નથી.
બજારને ધક્કો મારનાર એક પરિબળ વિદેશી સંસ્થાકીય રોકાણકારોની એકધારી વેચવાલી છે. ભારતીય બજારોમાં વિદેશી ફંડોનો આઉટફ્લો સતત ચાલુ રહ્યો છે. જાન્યુઆરીમાં જ એફઆઇઆઇએ ૫૦,૯૧૨.૬૦ કરોડ રૂપિયાના શેર વેચ્યા છે. પાછલા સાત ટ્રેડિંગ દિવસોમાંથી છ સત્રોમાં વિદેશી ફંડ ચોખ્ખા વેચવાલ રહ્યા હતા.