દેવેન્દ્ર ફડણવીસના નિર્ણયોથી એકનાથ શિંદે નારાજ! શું 20 વિધાનસભ્યો સત્તારૂઢ ગઠબંધનમાંથી તૂટશે?
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મહારાષ્ટ્રમાં પાલક પ્રધાનોની નિયુક્તિને લઈને મહાયુતિમાં પડદા પાછળની રાજકીય ઉથલપાથલ હવે ચરમસીમાએ પહોંચી ગઈ છે. પાલક પ્રધાનોની યાદી જાહેર થયા બાદ નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ ભાજપના કેન્દ્રીય નેતૃત્વ પ્રત્યે ભારે નારાજગી વ્યક્ત કરી છે.
મહાયુતિમાં ચાલી રહેલી ઉથલપાથલનો અંદાજ એ વાત પરથી આવી શકે છે કે મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ, જેઓ વિદેશમાં છે, તેમણે તાત્કાલિક આદેશ જારી કરીને રાયગઢ અને નાસિક જિલ્લાના પાલક પ્રધાનો પર સ્થગનાદેશ આપવો પડ્યો હતો.
આપણ વાંચો: અજિત પવાર CM દેવેન્દ્ર ફડણવીસથી કેમ છે નારાજ? જાણો શું છે મામલો
ભાજપના અને ખાસ કરીને ફડણવીસના અતિવિશ્ર્વાસુ અને મુશ્કેલીનિવારક તરીકે જાણીતા ગિરીશ મહાજન જેવા મજબૂત નેતાની નિમણૂંક મુલતવી રાખવાના ફડણવીસના નિર્ણયથી રાજકીય વર્તુળોમાં ચર્ચા વધુ તીવ્ર બની છે કે ફડણવીસ પર ખાસ્સું દબાણ છે. એવું પણ ચર્ચાઈ રહ્યું છે કે પાલક પ્રધાનોની યાદી જાહેર કરતાં પહેલાં મુખ્ય પ્રધાને તેને દિલ્હીમાં ભાજપના મોવડી મંડળ પાસે મંજૂરી માટે મોકલી હતી.
દાવોસ જતાં પહેલાં ફડણવીસે આ યાદીની જાહેરાત કરી હતી, પરંતુ આ નિર્ણયનો નાસિક અને રાયગઢમાં મોટો રાજકીય પ્રભાવ પડ્યો. હંમેશા પોતાના નિર્ણયો પર અડગ રહેતા દેવેન્દ્ર ફડણવીસે તાત્કાલિક આદેશ જારી કરીને નાસિક અને રાયગઢના પાલક પ્રધાનોની નિયુક્તિ સ્થગિત કરવી પડી હતી અને તેઓ મુંબઈ પાછા ફરીને અહીં નવા પાલક પ્રધાન જાહેર કરે એવી શક્યતા દેખાઈ રહી છે.
આ દરમિયાન, પાલક પ્રધાનપદની ફાળવણીથી નારાજ એકનાથ શિંદે ફરી એક વખત તેમના વતન ગામ સાતારાના ડેરે ખાતે પહોંચી ગયા છે, તેમણે એવું પણ નિવેદન કર્યું હતું કે નારાજી હોય તો વ્યક્ત નહીં કરવાની? જેના પરથી મહાયુતિમાં બધું સમુસૂતરું ન હોવાના સંકેત મળી રહ્યા છે.
વાસ્તવમાં, શિવસેનાના શિંદે જૂથમાંથી 20 વિધાનસભ્યો અલગ થવાની ચર્ચાએ એકનાથ શિંદેની ચિંતા વધારી દીધી છે. એવી ચર્ચા ચાલી રહી છે કે ઉદય સામંતના નેતૃત્વ હેઠળના શિંદે જૂથના 20 વિધાનસભ્યોનું જૂથ ભાજપમાં જોડાઈ શકે છે.
આ મામલો વધુ વકરી ગયા બાદ ભાજપના પ્રદેશાધ્યક્ષ ચંદ્રશેખર બાવનકુળે અને ગિરીશ મહાજન સાતારાના ડેરે ગામમાં પહોંચી ગયા હતા અને એકનાથ શિંદે સાથે આ મુદ્દે ચર્ચા કરી હોવાનું સાંભળવા મળ્યું છે. ત્યારથી મહાયુતિના નેતાઓ કહી રહ્યા છે કે બધું બરાબર છે, પરંતુ એવું કહેવામાં આવી રહ્યું છે કે પડદા પાછળ હજુ પણ રાજકીય ઉથલપાથલ ચાલી રહી છે.
એકનાથ શિંદે ફડણવીસના નિર્ણયથી નાખુશ?
એવું કહેવામાં આવી રહ્યું છે કે દેવેન્દ્ર ફડણવીસ મુખ્ય પ્રધાન બન્યા બાદ એકનાથ શિંદે જૂથની બેચેની વધી ગઈ છે. ત્યારબાદ, તાજેતરમાં મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે એસટી મહામંડળમાં આર્થિક ગેરરીતિઓની નોંધ લેતા, એસટી બસોની ખરીદી માટે બહાર પાડવામાં આવેલ ટેન્ડર રદ કર્યું હતું.
આપણ વાંચો: ભવિષ્યમાં ભાઉ દાજી લાડ મ્યુઝિયમ આકર્ષણનું કેન્દ્ર બનશે: મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ
તેમણે આ મામલાની તપાસના આદેશ પણ આપ્યા હતા. આ પછી, શિંદે જૂથમાંથી કેબિનેટ પ્રધાન બનેલા સંજય શિરસાટને પણ તાત્કાલિક ધોરણે સિડકોના ચેરમેન પદ પરથી રાજીનામું આપવાનો આદેશ આપવામાં આવ્યો હતો. આવા નિર્ણયોથી એકનાથ શિંદે ખૂબ નારાજ છે.
શું મામલો છે?
ડેપ્યુટી સીએમ એકનાથ શિંદે રાયગઢ અને નાસિક જિલ્લાના પાલક પ્રધાનપદ મેળવવા પર અડગ હતા, પરંતુ તેમના પ્રધાનોની નિયુક્તિ ન થતાં શિંદે નારાજ થઈ ગયા હતા. ભાજપના પ્રદેશાધ્યક્ષ ચંદ્રશેખર બાવનકુળેએ એકનાથ શિંદે સાથે ચર્ચા કર્યા બાદ મીડિયા સાથેની વાતચીતમાં પાલક પ્રધાનપદ અંગે પોતાનું વલણ સ્પષ્ટ કર્યું હતું.
તેમણે કહ્યું હતું કે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી અજિતને કોંકણના કોઈપણ જિલ્લામાં વાલી મંત્રીનું પદ મળ્યું નથી, તેથી અદિતિ તટકરેને રાયગઢના પાલક પ્રધાનનું પદ આપવામાં આવ્યું છે. ભાજપ હજુ પણ કહે છે કે નાસિક જિલ્લાના પાલક પ્રધાનનું પદ ગિરીશ મહાજન પાસે જ રહેવું જોઈએ, કારણ કે આગામી દિવસોમાં નાસિકમાં સિંહસ્થ કુંભ મેળો યોજાવાનો છે.