દસ વર્ષ પછી સોશિયલ મીડિયા પર કેમ વાયરલ થઈ રહી છે આ સ્યૂસાઈડ નૉટ? કોઈ ફરક આવ્યો?
અમદાવાદઃ સોશિયલ મીડિયા એક ખૂબ જ મહત્વનું પ્લેટફોર્મ છે અને ઘણી ગંભીર અને મહત્વપૂર્ણ ચર્ચાઓ પણ આ માધ્યમ દ્વારા થાય છે. આવી જ એક ચર્ચા હાલમાં શરૂ થઈ છે અને તેનું કારણ દસ વર્ષ પહેલા લખાયેલી એક સ્યૂસાઈડ નોટ છે.
વર્ષ 2016માં કૃતિ ત્રિપાઠી નામની એક તેજસ્વી યુવતીએ રાજસ્થાન કોટાની ઈમારત પરથી છલાંગ લગાવી આત્મહત્યા કરી હતી, પરંતુ આ આત્યંતિક પગલું ભરતા પહેલા તેણે એક સ્યૂસાઈડ નોટ લખી હતી, જેમાં ભારત સરકાર, માનવ સંસાધન ખાતું અને તેનાં માતા-પિતા માટે સંદેશ હતો, પરંતુ આ સંદેશ દેશની શિક્ષણ વ્યવસ્થા, ખાસ કરીને કૉમ્પિટિટીવ એક્ઝામ માટેના કૉચિંગ ક્લાસનો ત્રાસ અને સરવાળે વિદ્યાર્થીઓને થતી માનસિક તાણના અનુસંધાનમાં હતો, જે દરેકને લાગુ પડે છે.
આ પણ વાંચો: Suicide note લખવામાં જે સમજદારી-સંવેદના બતાવી તે જીવન જીવવામાં બતાવી હોત તો…
શું હતું સ્યૂસાઈડ નોટમાં
યુવતીની સ્યૂસાઈડ નોટ તે ખરેખર એક તેજસ્વી વિદ્યાર્થિની હોવાની સાબિતી જેવી છે. કૃતિ ત્રિપાઠીએ લખ્યું હતું કે હું ભારત સરકાર અને માનવ સંસાધન વિકાસ મંત્રાલય (HRD)ને કહેવા માંગુ છું કે જો તમે ખરેખર ઈચ્છો છો કે કોઈ વિદ્યાર્થી આત્મહત્યા ન કરે, તો બને તેટલી વહેલી તકે તમામ કોચિંગ સેન્ટરો બંધ કરો. આ ક્લાસિસ વિદ્યાર્થીઓને અંદરથી ખાલી કરી નાખે છે. તેઓ માત્ર ઉપરછલ્લી માહિતી આપે છે અને વિદ્યાર્થીના વ્યક્તિત્વ વિકાસમાં તેનો કોઈ ફાળો નથી.
તેણે એમ પણ લખ્યું હતું કે હું અહીં કોટામાં ઘણા વિદ્યાર્થીઓને ડિપ્રેશન અને માનસિક તણાવમાંથી બહાર કાઢીને આત્મહત્યાના વિચાર કરતા બચાવતી હતી, પરંતુ હું મારી જાતને બચાવી શકુ તેમ નથી.
કોઈને થશે કે 90 ટકા માર્ક્સ લાવનારી છોકરી આવું પગલું કેમ ભરી શકે, તેથી આ પત્ર લખી રહી છું, જેથી અમારી સ્થિતિ તમને સમજાય.
કૃતિએ તેની માતાને સંબોધીને લખ્યું હતું કે તારી ઈચ્છાને લીધે મે વિજ્ઞાન શિખ્યું અને સાયન્સ સ્ટ્રીમમાં આવવાનું પસંદ કર્યું, પરંતુ મને આજે પણ અંગ્રેજી સાહિત્ય ગમે છે અને મને અંધારામાંથી બહાર પણ સાહિત્ય જ લાવ્યું છે. તેણે એવી વિનંતી પણ કરી હતી કે નાની બહેન પર આ રીતે માતા-પિતા પોતાની મરજી ન થોપે અને જીવનમાં તેને તેની ઈચ્છા મુજબ આગળ વધવા દે. તેણે એમ પણ લખ્યું છે કે માતા-પિતા આવી રેસમાં બાળકોને ધકેલે છે તેથી તેમના સપના રોળાઈ જાય છે. આમ ન થવું જોઈએ.
શું સમય અને સ્થિતિ બદલાણી?
આ યુવતીની સ્યૂસાઈડ નોટ વાયરલ થવાનું કારણ એક જ હોઈ શકે અને તે છે હજુ પણ વિદ્યાર્થીઓ અભ્યાસની તાણ અને કારકિર્દીની ચિંતામાં મોતને વ્હાલુ કરે છે. રાજસ્થાનનું કોટા આ માટે બદનામ છે. જેઈઈ અને નીટની તૈયારી કરવા અહીં દેશભરમાંથી વિદ્યાર્થીઓ આવે છે, પરંતુ ગળાકાપ સ્પર્ધા સહિતના કારણોને લીધે ઘણા ડિપ્રેશનનો શિકાર બને છે અને હાર માની લે છે. દુઃખની વાત તો એ છે કે માત્ર 20-22 વર્ષના નહીં પણ નાની ઉંમરના વિદ્યાર્થીઓ પણ આ દિશા તરફ વળે છે.
થોડા સમય પહેલા દિલ્હીના રાજેન્દ્રનગરમાં આઈઆઈએસ અને આઈપીએસની પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓની કફોડી સ્થિતિના ઘણા ન્યૂઝ વાયરલ થયા હતા. અહીં બેઝમેન્ટમાં પાણી ભરાઈ જતા ત્રણ વિદ્યાર્થીઓનું ડૂબી જવાથી મોત થયું હતું. તે સમયે આ વિદ્યાર્થીઓ કેટલી અછત અને અમાનવીય વાતાવરણમાં ભણતા હોવાનું બહાર આવ્યું હતું અને બીજી બાજુ આ માટે હજારો લાખોનું ખર્ચ કરતા હોવાનું પણ બહાર આવ્યું હતું.
એક તરફ માતા-પિતાની ઊંચી અપેક્ષા, બીજી બાજુ ભણતર માટે ઓછી વ્યવસ્થા, ગળાકાપ સ્પર્ધા અને આ બધા વચ્ચે રોજગારનો અભાવ. 16થી 25 વર્ષના યુવાનો આ સ્થિતિમાં ખૂબ જ અકળામણ અનુભવે છે અને ખાસ કરીને ગ્રામિણ વિસ્તારો કે નાના શહેરોમાંથી આવેલા વિદ્યાર્થીઓને માર્ગદર્શનનો અભાવ પણ સતાવે છે. પોતાની રૂચિ અનુસાર ભણવાની તક સૌને મળતી નથી, સંખ્યાબંધ યુવાનો માતા-પિતાની આર્થિક અક્ષમતાનો ભોગ બને છે અને જે ભણેગણે છે તેઓ યોગ્ય નોકરીની તકો માટે રઝળે છે. દરેકને પોતાનો દીકરો કે દીકરી વર્ષે લાખોનું પેકેજ કમાઈ લાવે તેવું ભણતર અને નોકરી જોઈએ છે. યુવાનો પર કમાણીનો બહુ મોટો બોજ નાખી દેવામાં આવે છે અને તેની કમાણી પરથી જ તેનું સામાજિક જીવન નક્કી થાય છે.
વિદ્યાર્થીઓની તાણ અને આત્મહત્યા પાછળ પ્રેમ પ્રકરણો જેવા અન્ય કારણો પણ જવાબદાર છે, પરંતુ દરેકને તેના કૌશલ્ય પ્રમાણે શિક્ષણ આપવાનું અને તેની સાથે લાઈફ મેનેજમેન્ટ, સ્ટ્રેસ મેનેજમેન્ટ, રિલેશનશિપ મેનેજમેન્ટ સહિતની સમજ આપવાનું સમાજ તરીકે આપણી ચૂકી રહ્યા છે તે વાતને નકારી શકાય નહીં.
હા, તો પણ એક વાત ચોક્કસ છે કે ગમે તેવી પરિસ્થિતિ હોવા છતાં જીવનથી નાસીપાસ થવું કે હાર માની જીવન ટૂંકાવવું કોઈપણ સંજોગોમાં સમજદારીભર્યું નથી.