કેરોલિના રીપર પ્રકરણ-૩૧
આપણી આવતીકાલ બગડે નહિ માટે કંઇક કરવું પડશે, નક્કર અને જલદી
પ્રફુલ શાહ
ન જાણે ક્યારથી પ્રશાંત ગોડબોલેના મન-મગજ પર વૃંદા સ્વામીએ કબજો જમાવી લીધો હતો
પ્રશાંત ગોડબોલે અને વૃંદા સ્વામીના રવાના થયા બાદ એટીએસના પરમવીર બત્રા અલગ જ સમયમાં ખોવાઇ ગયા. નસ્ત્રઆહ કેવા હતા કૉલેજના દિવસો…થથ
કૉલેજમાં ત્રણ ગ્રૂપ એક માલદાર યુવાન-યુવતીઓનું, બીજું તેજસ્વી યુવાન-યુવતીઓનું અને મધ્યમવર્ગના એવરેજ માર્કસ લાવનારા વિદ્યાર્થીઓનું. મસ્ત કદ કાઠીવાળા પરમવીર ત્રીજા ગ્રૂપના કાયમી સભ્ય. આ ગ્રૂપવાળા અન્ય બન્ને ગ્રૂપના યુવાન-યુવતીઓને દેખીતા અહોભાવથી અને છૂપી ઇર્ષાથી જોઇ રહે. ના રાતોરાત ધનવાન બની શકાય કે ન એકદમ તેજસ્વી બની શકાય. ઇચ્છા, શમણાં અને ન જાણે શું મનમાં ધરબાયેલું રહી જાય, કાયમ માટે.
આવા માહોલમાં તેજસ્વી ગ્રૂપમાં નવી જોડાયેલી ચંદ્રા સ્વામી પર પરમવીર બત્રાની પહેલી નજર પડી અને એ કલીનબૉલ્ડ થઇ ગયો પ્રેમ, પ્યાર, ઇશ્ક, મહોબ્બત, લવ, પહેલી નજરના અને પહેલી ધારની લાગણી. ભલભલા પહેલવાનને ભૂ પાઇ દે એવું શરીર પણ છોકરી સાથે વાત કરવાની હિંમત નહિ, ક્યારેક થાય કે એના કેશના વખાણ કરું. ક્યારેક મન ઉપાડો લે કે વક્તૃત્વ સ્પર્ધામાં ટ્રોફી જીતવા માટે અભિનંદન આપી દઉં. એકવાર તો જરૂર નહોતી છતાં નોટ્સ માગવા માટે ક્યાંય સુધી એની પાછળ-પાછળ ચાલતો ગયો. બે-ચાર ખાસ દોસ્તો સમજી ગયો કે અપના પરમુ પ્યાર મેં ડૂબ ગયા, મગર વન સાઇડ પ્યાર મેં…
આજે વૃંદાને જોઇને પરમવીરને ચંદ્રાની એકએક અદા, હરકત, ફેશન, શોખ, સ્મિત બધુ યાદ આવી ગયું. આખું વરસ એને માત્ર જોતો રહ્યો. ડિગ્રી મળી ગયા બાદ એક વરસ કૉલેજમાં રખડતો રહ્યો માત્ર ચંદ્રા માટે પણ ક્યારેય બોલી ન શક્યો. હવે પસ્તાવો થાય છે કે પ્રેમ વ્યકત કરવાની હિમ્મત કરી હોત તો કંઇક પરિણામ આવ્યું જ હોત. કદાચ એને કાયમ માટે ગુમાવી દીધી હોત પણ એ હિમ્મત કર્યા વગર પણ એ ક્યાં મારી સાથે છે?
પરમવીર ચંદ્રા અને વૃંદાની સરખામણી કરવા માંડ્યા. તરત મને બોલી ઊઠયું કે સરખામણી ક્યાં કરવા બેઠો, બન્ને એકમેકની સારા રીઝોલ્યુશનવાળી સ્કેન કોપી છે કોપી. જાણે કલર ઝેરોક્સ જોઇ લો. પણ શોખ અને પસંદ અલગ લાગે છે. નહિતર મારી ચંદ્રા ક્યારેય ફેવરિટ કૉફી અને તીખી સેવપુરી છોડે ખરી? પણ વૃંદાને એ જરાય ભાવતી નથી, બોલો.
ત્યાં જ પરમવીરના મોબાઇલ ફોનની બેલ વાગી-અમૃતસરથી મમ્મીનો ફોન હતો. તબિયત સાચવવા, બરાબર ખાવા-પીવાની, કસરત કરવાની સલાહને અંતે એક સવાલ પૂછશે જ કે બેટા, મારી પુત્રવધૂ ક્યારે લાવે છે? ન જાણે કોઇક મસ્તીમાં પરમવીરે મમ્મીનો કોલ કટ કરી નાખ્યો, એ મમ્મી માટે ઑડિયો મેસેજ રેકોર્ડ કરવા માંડ્યા.
૦ ૦ ૦
નમહાજન મસાલાથની ઑફિસમાં સવારે સાડાસાત વાગ્યાથી ચહલપહલ વધી ગઇ હતી. ક્યાંક સાફસફાઇ ચાલતી હતી, ક્યાંક સ્ટૉક લેવાતો હતો, ક્યાંક સેલ્સના આંકડા મહિના પ્રમાણે એકસેલ ફાઇલમાં મુકાતા હતા, ક્યાંક ઉઘરાણીનો સરવાળો કરાતો હતો, તો ક્યાંક બૅન્ક અકાઉન્ટસ અને બેલેન્સની નોંધ ટપકાવાતી હતી.
દીપક અને રોમા સાડાઆઠ વાગ્યે આવી ગયા. બન્નેના ચહેરા પર વહેલા જાગ્યાનો થાક અને નારાજગી હતી. બેઉં ઑફિસમાં પ્રવેશ્યા ત્યારે સૌ કોઇ પોતપોતાના કામમાં એટલા બધા મશગૂલ હતા કે કોઇએ એમને ગુડ મોર્નિંગ સુધ્ધાં ન કીધું. કેબિનની અંદર જઇને દીપકે ગુસ્સામાં બેલ વગાડી.
રોમા એને જોઇ રહી “જોયું ને જાણે આપણને કોઇ ઓળખતું નથી, કે પછી ઓળખવા માંગતું નથી. આ રીતે આપણી આવતીકાલ બગડે એટલે કંઇક કરવું પડશે. નક્કર અને એકદમ જલદી.
“યુ આર રાઇટ કહીનેે દીપકે ફરી જોરથી બેલ વગાડી. ક્યાંય સુધી બેલ પર આંગળી દબાવી રાખી. થોડીવારમાં પ્યૂન આવ્યો.
“જી, સર?
“કાનમાં સંભળાતું બંધ થઇ ગયું છે કે શું?
“સૉરી સર. કિરણબહેન આવવાનાં છે એટલે શેઠની કેબિનનું બાથરૂમ બરાબર સાફ કરાવતો હતો. કંઇ કામ હતું?
“હા, બે કૉફી…
“સૉરી સર, થોડીવાર લાગશે. આજે દોડધામમાં દૂધ લાવવાનું રહી ગયું છે. બ્લેક કૉફી ચાલશે સર?
“ગેટ આઉટ… ગેટ આઉટ ફ્રોમ હિયર દીપક બરાડયો. રોમાએ તરત એક નંબર ડાયલ કર્યો, “આપણે મળવું પડશે. શક્ય એટલું જલદી?
૦ ૦ ૦
પ્રશાંત ગોડબોલેની આંખ માંડમાંડ ખુલી. રાત્રે ક્યાંય સુધી ઊંઘ નહોતી આવી. પિન્ટ્યા ભાઉ ઉર્ફે પ્રકાશ પાંડુરંગ બર્વેની વાત તો તેઓ ઑફિસની ફાઇલમાં જ મૂકી આવ્યા હતા. ન જાણે ક્યારથી મન-મગજ પર વૃંદા સ્વામીએ કબજો જમાવી લીધો હતો. અલીબાગ જતી વાખતે એના હાથમાંથી સિંગ-ચણા લેતી વેળા થયેલો સ્પર્શ ભૂલાતો નહોતો.
પ્રશાંત ગોડબોલે ખૂબ ફાસ્ટ હતો. કોઇ નિર્ણય લેવામાં વિલંબ ન કરે. એને ઝાઝી પળોજણ કે વિચાર કરવાને બદલે સીધી અને મુદ્દાસર વાત કરવાની આદત. તેઓ તારણ પર આવી ગયા કે પોતે વૃંદાને પ્રેમ કરે છે અને એને પરણવા માગે છે.
નક્કી કર્યું કે આજે સાંજે ઑફિસ બાદ પ્રપોઝ કરી દઉ. આઇડિયા ગમી ગયો મનને. ખુશીથી ચપટી વગાડવા માટે જમણા હાથની મધ્ય સુધી અંગુઠો લઇ જાય ત્યાં મગજે બ્રેક કરી. “ઉતાવળ કરવાની રહેવા દે. કદાચ… કદાચ કોઇ કારણસર ના પાડી તો… ખબર છે કે તને ફરક નહીં પડે જ પણ ઑફિસમાં બન્નેએ સાથે કામ કરવાનું છે. થોડો ધીમો જા… એનાં મનનો થોડો ઘણો તાગ મેળવવા માંડ… એનું દિલ જીતવાના પ્રયાસ કર… આ પ્રેમ છે… પાછો પહેલીવારનો…
પ્રશાંતને પોતાના વિચાર સારા, સાચા અને ઉપયોગી લાગ્યા. એ કૂદીને તરત વૉશબેસીન પાસે ઊભો રહી ગયો. ખૂબ વધુ શેવિંગ ફોમ કાઢીને દાઢી પર ઘસવા માંડયો. કાલે જ દાઢી કરી હતી પણ દર ત્રણ દિવસે દાઢી કરવાનો નિયમ પહેલીવાર તોડવાની શરૂઆત કરી. અરીસામાં જાણે સામે વૃંદા દેખાતી હોય એમ તેમણે સીટી વગાડીને રેઝર ફેરવવાની શરૂઆત કરી.
૦ ૦ ૦
સવારે નવ વાગ્યે તો ‘મહાજન મસાલા’ની ઑફિસમાં ગજબનાક શાંતિ, કૃત્રિમ સ્મિત અનેે કાર્યક્ષમતાની ત્રિપુટી રાસડા લેતી હતી. કોઇક પૂૃતળાની જેમ સ્થિર બેઠા હતા, તો અમુક યંત્રમાનવની જેમ કામમાં મચેલા હતા. કેટલાંક સ્માર્ટ કર્મચારી ટાઇ સરખી કરતા હતા. કોઇક વાળની લટ બરાબર કરતું હતું તો કોઇક છાનામાના અરીસામાં મેકઅપ ચેક કરી લેતું હતું.
દીપક અને રોમાની કેબિનમાં વીસ મિનિટ અગાઉ આવેલી દૂધવાળી કૉફી ઠરી રહી હતી. બન્નેએ રીસમાં કૉફીના કપને હાથ જ ન લગાવ્યો.
માહોલમાં ટીક… ટીક… ટીકના કાઉન્ટ ડાઉન વચ્ચે મોહનકાકુએ છેક સાડા નવ વાગ્યે એન્ટ્રી મારી. તેઓ જરાય હાંફળાફાંફળા નહોતા. એકદમ સ્વસ્થ હતા. આજુબાજુ નજર ફેરવીને મૂછમાં મલક્યા પોતાની કેબિનમાં જઇને સીસીટીવી પર ઑફિસનો સીનારિયો જોઇને તેઓ એકદમ રાજી થઇ ગયા. બધા ગંભીરતા અને નિષ્ઠાપૂર્વક કામ કરવા વચ્ચે તક મળ્યે ઘડિયાળ જોઇ લેતા હતા. સમય આગળ વધ્યે જતો હતો પણ હજી કિરણમેડમ આવ્યાં નહોતાં!
નવ વાગ્યાનું કહીને હજી કેમ પધાર્યા નહિ? એવું પૂછ્વા જઇએ તો આપણું જ આવી બને? દીપક શેઠ અને રોમા મેડમ જેવા આકરા લોકો ય ચૂપચાપ રાહ જુએ જ છે ને?
સાડા દસેક વાગ્યે પહેલો માણસ હિમ્મત કરીને ચેર પરથી ઊઠીને વૉશરૂમ સુધી ગયો. વૉશરૂમની સાફસફાઇ અને અંદર મૂકેલા તાજા એરફ્રેશનરથી એવું લાગ્યું કે જાણે ફાઇવ સ્ટાર હોટેલમાં આવી ગયો. ફ્રેશ થઇને બરાબર મોઢું ધોયું. તેણે ઉતાવળે મોઢું લૂછી લીધું. અડધા ભીના મોઢે બહાર નીકળી આવ્યો, ત્યારે ફફડતો હતો કે કિરણ, મેડમ આવી ગયા હશે તો? ભીના ચહેરે ય પરસેવો વળવા માંડ્યો.
૦ ૦ ૦
એ જ સમયે કિરણ આકાશ મહાજનની ગાડી આગળ વધી રહી હતી. કાર ઘરની હતી, પણ ઘરમાં કોઇને કીધા વગર એ નીકળી પડી હતી. આ અંગે માત્ર એક જ વ્યક્તિ જાણતી હતી, રાજાબાબુ મહાજન.
સવારે સાડા સાત વાગ્યે ઘરેથી સ્ટાર્ટ કર્યા બાદ અત્યારે એની ગાડી બેંગલૂરુ-મુંબઇ હાઇ-વે પરથી મુંબઇ-પંઢરપુર રોડ ભણી દોડી રહી હતી. ડ્રાઇવર બાબુએ વચ્ચે એક-બેવાર ચા-નાસ્તા માટે બ્રેક લેવાનું પૂછયું પણ કિરણે ઇનકાર કરી દીધો પછી કિરણને થયું કે ઘરેથી ખૂબ વહેલા નીકળેલા બાબુને કદાચ ચાની જરૂર હોય. એનએચ-૩૪૮એ રસ્તામાં પ્રવેશતા અગાઉ ઉરણ ફોટા પાસે કિરણે ગાડી રોકાવી.
“બાબુભાઇ આપ ચા-નાસ્તો કરી લો.
“મેડમ, મને જરૂર નથી. હું તો આપના માટે…
“મારા માટે કોફી લેતા આવજો અને તમે ય ચા-નાસ્તો કરી લેજો. લંચમાં કદાચ તમારે મોડું થશે. જાઓ, આરામથી પતાવો.
બાબુના ગયા બાદ કિરણનો હાથ પર્સમાં ગયો. આકાશની ગોલ્ડન પુઠ્ઠાવાળી ડાયરીનું વાળેલું પાનું ખોલ્યા બાદ કિરણ આગળનું વાંચવા માંડી.
“કાયમ લંડનમાં રહેતા આનંદ મીણાએ ઇન્વેસ્ટમેન્ટ માટે વર્સોવામાં લીધેલો ફલેટ સારો ઉપયોગી થઇ પડયો છે. એની ચાવી આપણી પાસે હોય અને કેરટેકર તરીકેનો આથોરિટી લેટર હોય તો સેક્રેટરી અને વૉચમેનને પટાવવામાં કેટલો સમય અને ખર્ચ કરવો પડે? પણ… પણ એ દિવસે મમ્મી અને મમતાની જીદે તો મારી હાલત જ બગાડી દીધી. મોના સાથે નક્કી થયું હતું કે આખો દિવસ સાથે વિતાવીશું, પણ મમતાના લગ્ન માટેના ઘરેણાની ખરીદીમાં મને જીદ કરીને લઇ ગયા. વચ્ચે પાછો લંચનો પ્રોગ્રામ. માંડ ચાર વાગ્યે છૂટયો. મોબાઇલ ફોનમાં જોયું તો મોનાના આઠ મિસડ્ કોલ, અઢાર વૉટ્સએપ મેસેજ અને છ એસ. એમ. એસ. હતા. મમ્મી અને મમતા સામે ફોન ઉપાડવાનું જોખમ કેમ લેવાય? પછી ટ્રાફિક વચ્ચે વર્સોવાના ફલેટ પર પહોંચ્યો, તો મોના એકદમ વિફરી. એની ફરિયાદ સાવ સાચી હતી. ખૂબ બોલાચાલ થઇ અને એ પગ પછાડતી નીકળી ગઇ. મારો મૂડ એકદમ ખરાબ થઇ ગયો. હોટેલના બારમાં જઇને દારૂ પીવા બેઠો, તો રાજીવ દુબેના ફોન પર ફોન. કબૂલ કે દોસ્ત છે, પાર્ટનર છે પણ મારી પ્રાઇવેટ લાઇફ હોય કે નહિ? મારાથી ન રહેવાયું તો મોનાને મેસેજ કરી જ દીધો કાલે સવારે નવ વાગ્યે વર્સોવા ફ્લેટ પર આવ. કાલે ન આવે તો ફરી ક્યારેય નહિ મળીએ.
અને બીજે દિવસે મોના જેવી ઘરમાં પ્રવેશી કે એના પર મોનાએ ગુડ ન્યૂઝ આપ્યા કે એ મારા બાળકની મા બનવાની છે. મને થયું કે ઍફિલ ટાવર પર ચડીને બૂમાબૂમ કરું, પણ એ સમયે ફૂલોની વર્ષા થવા માંડી. સામે એની ફેવરિટ વાઇન, ગિફ્ટ અને જાણે શું શું મેં મુકાવી રાખ્યું હતું. એકદમ રોમેન્ટિક મૂડમાં હું એને બેડરૂમમાં લઇ ગયો. બેડરૂમનું ડેકોરેશન જોઇને એ ખુશીથી મને વળગી પડી. મારા શ્ર્વાસ પાછા મળ્યા હોય એનું મને લાગ્યું. મેં એને કપાળ પર ચુંબન કર્યું, પછી નીચે ઉતરતો ગયો…
કારના કાચ પર ટકોરા વાગ્યા. બાબુ કૉફી લઇને આવ્યો હતો, પણ કિરણ અચાનક ઉતાવળે પગલે બહાર નીકળીને વૉશરૂમ તરફ ચાલવા માંડી. (ક્રમશ:)