અમદાવાદઃ ભારત અને પાકિસ્તાન વચ્ચેની વનડે વર્લ્ડ કપની મેચ ટીમ ઈન્ડિયાએ પાકિસ્તાનને સાત વિકેટે હરાવ્યું હતું. આ મેચ વખતે ભારતના આક્રમક બોલર હાર્દિક પંડ્યાએ ઈમામ ઉલ હકની વિકેટ ઝડપ્યા પહેલા બોલમાં મેજિક કર્યું હોય એમ વીડિયો વાઈરલ થયો હતો. આ વીડિયો અંગે આખરે ટીમ ઈન્ડિયાના ફાસ્ટ બોલર હાર્દિક પંડ્યાએ સ્પષ્ટતા કરી છે.
રવિવારની મેચમાં વિકેટ લીધા પહેલા બોલમાં હાર્દિકે જાણે મંત્ર ફૂંકતો જોવા મળ્યો હતો. સોશિયલ મીડિયા પર વાઈરલ થયેલા વીડિયોમાં તેના ચાહકોએ કમેન્ટ કરતા હાર્દિક પંડ્યા મંત્ર કરી રહ્યો હોવાનો દાવો કર્યો હતો. મેચ પછી હાર્દિક પંડ્યાએ આ ઘટના અંગે આખરે ફોડ પાડી દીધો છે.
મેચ જીત્યા પછી ભૂતપૂર્વ ક્રિકેટર ગૌતમ ગંભીર અને ઉરફાન પઠાન સાથે વાતચીત કરતા હાર્દિક પંડ્યાએ મજાકના અંદાજમાં કહ્યું હતું કે તેણે પોતાની જાતને જ ગાળ આપી હતી. વાસ્તવમાં હું મારી જાતને પ્રોત્સાહિત કરી રહ્યો હતો કે એક લાઈન લેન્થમાં બોલિંગ કરે. કંઈક અલગ નહીં કે પછી એની કોશિશ ના કરીશ. હાર્દિક પંડ્યાએ કહે છે કે મેં સિરાજ સાથે પણ વાત કરી હતી કે એક લાઈન લેન્થમાં બોલિંગ કરશે અને બહુ પ્રયોગ કરવાની પણ કોશિશ કરશે નહીં.
પાકિસ્તાનની પહેલી ઈનિંગમાં 13મી ઓવરમાં હાર્દિક પ્ંડ્યાએ બોલિંગમાં આવ્યો હતો. આ ઓવરના બીજા બોલમાં ઈમામે બેકવર્ડ પોઈન્ટ પર ચોગ્ગો માર્યો હતો, તેનાથી હાર્દિક પંડ્યા નારાજ થઈ ગયો હતો. ત્યાર પછી બીજો બોલ ફેંકતી વખતે હાથમાં બોલ લઈને પોતાની નજીક લઈને આવ્યા પછી કંઈ બોલતો જોવા મળ્યો હતો અને એ જ વખતે હાર્દિકે ઈમામની વિકેટ લઈને કેએલ રાહુલના હાથમાં કેચ પકડ્યો હતો. હાર્દિકે વિકેટ લીધા પછી સોશિયલ મીડિયા પર લોકોએ જોરદાર પ્રતિક્રિયા આપી હતી.
એક યૂઝરે લખ્યું હતું કે તે કોઈ બ્લેક મેજિક કરી રહ્યો છે અને એટલે ઈમામ આઉટ થઈ ગયો. ઈમામે 38 બોલમાં છ ચોગ્ગાની મદદથી 36 રને આઉટ થયો હતો, જ્યારે એ જતો હતો ત્યારે હાર્દિકે તેને બાય-બાયનો ઈશારો કર્યો હતો.
મેચની વાત કરીએ તો પાકિસ્તાનની અમદાવાદમાં સાત વિકેટે હાર થઈ હતી. ટોસ જીતીને ભારતે બોલિંગ લેતા 191 રનમાં પાકિસ્તાનને ઓલઆઉટ કર્યું હતું, જ્યારે તેના જવાબમાં ભારતે 30.3 ઓવરમાં ત્રણ વિકેટે 192 રન બનાવ્યા હતા. વર્લ્ડ કપની વનડે મેચમાં ભારતે સતત આઠમી વખત પાકિસ્તાનને હરાવ્યું હતું. હવે 19મી ઓક્ટોબરે બાંગ્લાદેશ સામે ભારતની મેચ રહેસે, જ્યારે 20મી ઓક્ટોબરે ઓસ્ટ્રેલિયા સામે પાકિસ્તાન રમશે.