(function () { const isHomepage = window.location.pathname === "/"; const isCategoryPage = window.location.pathname.includes("News"); if (isHomepage) { _taboola.push({ homepage: "auto" }); } else if (isCategoryPage) { _taboola.push({ category: "auto" }); } else { _taboola.push({ category: "auto" }); } !(function (e, f, u, i) { if (!document.getElementById(i)) { e.async = 1; e.src = u; e.id = i; f.parentNode.insertBefore(e, f); } })( document.createElement("script"), document.getElementsByTagName("script")[0], "//cdn.taboola.com/libtrc/thebombaysamachar/loader.js", "tb_loader_script" ); if (window.performance && typeof window.performance.mark === "function") { window.performance.mark("tbl_ic"); } })();
તરોતાઝા

સ્વાસ્થ્ય સુધા : ખટમધુરા બોરમાં સમાયેલા છે અનેક સ્વાસ્થ્યવર્ધક ગુણો

-શ્રીલેખા યાજ્ઞિક

બોરનું નામ વાંચતાં કે સાંભળતાંની સાથે ભગવાન શ્રી રામ તથા રામભક્ત શબરીની કથા આંખો સમક્ષ તાજી થઈ જાય. બોરને ભારતના ‘પ્રાચીન ફળ’ તરીકે ઓળખવામાં આવે છે.‘ચીની સફરજન’ તરીકે જાણીતા છે. વાનસ્પતિક નામ ‘જિજિફસ મોરિસિયાના’ છે. બોર સાથે પ્રત્યેક વ્યક્તિની બાળપણની યાદ સંકળાયેલી જોવા મળે છે. એક સમય એવો હતો કે જ્યારે રિસેશ પડે ત્યારે શાળાની બહાર રેકડીમાં બોર-જામફળ-આથેલાં આમળાં-કોઠું-કાચી કેરી, ગરમાગરમ સિંગ-ચણા જેવી વિવિધ વસ્તુઓ વેચાતી મળતી.

બોરની ઉપર ચટપટો મસાલો છાંટીને ખાવાની મજા કાંઈક અલગ જ હતી. ભગવાન શિવનું પ્રિય ફળ બોર જ છે. તેથી જ શિવરાત્રીના પર્વમાં ભગવાન શિવજીને બોરનું નૈવેધ અચૂક ધરાવવામાં આવે છે. વસંત પંચમીના દિવસે મા સરસ્વતીને બોરનું નૈવેધ ધરાવ્યા બાદ બોર ખાવાની પ્રથા ભારતમાં જોવા મળે છે.

એવું જાણવા મળે છે કે નાના અમથા ફળમાં અનેક પ્રકારના ઔષધીય ગુણો સમાયેલા છે. મોસમી ફળ હોવાને કારણે શિયાળામાં તે ઢગલામોઢે જોવા મળે છે. બોર માટે એવું કહેવાય છે કે સ્વાસ્થ્ય માટે આવશ્યક તેવાં 24માંથી 18 એમીનો ઍસિડ તેમાં સમાયેલાં છે. પૌષ્ટિક તત્ત્વોની વાત કરીએ તો વિટામિન, ખનીજ તથા શર્કરાની માત્રા સમાયેલી હોય છે.

બોરમાં મુખ્ય વિટામિન, રાઈબોફ્લેવિન તથા થાયમિન સમાયેલાં છે. બોરમાં પ્રોટીન, પોટેશિયમ, કૅલ્શ્યિમ જેવાં અનેક પોષક સત્ત્વો સમાયેલાં છે. વિટામિન એ તથા વિટામિન સીની માત્રા ભરપૂર છે, બોરનો આહારમાં ઉપયોગ વિવિધ બીમારીની સામે લડવાની ક્ષમતા વધારે છે. ભારત સાથે વિશ્ર્વના અનેક દેશો જેવા કે ચીન, યુરોપ, રશિયામાં બોર ઉગાડવામાં આવે છે. બોરના ઠળિયામાં કૅન્સર સામે લડવાની ક્ષમતા જોવા મળે છે. ભારતમાં બોરમાં વિવિધ પ્રકાર જોવા મળે છે. જેમાંથી ચોક્કસ પ્રકારના બોરનું સેવન કરી શકાય છે.

બોર કાચા હોય ત્યારે લીલા રંગના હોય છે. પાકી ગયા બાદ આછા લાલ રંગના બની જાય છે. હાલમાં તો બજારમાં લીલા રંગના મોટા બોર જોવા મળે છે. જે સ્વાદમાં થોડા ફિક્કા હોય છે. બોર માટે નિષ્ણાત ખોરાકના ઈતિહાસકારો (ફૂડ હિસ્ટોરિયન)ના મત મુજબ બોરની ઉત્ત્પત્તિ 4000 વર્ષ પૂર્વે ચીનમાં થઈ હતી. તો વિશ્ર્વકોશ બ્રિટાનિકામાં જણાવ્યા અનુસાર ચીનમાં સૌ પ્રથમ બોરની ખેતી જોવા મળતી, ત્યાર બાદ ભારત, અફઘાનિસ્તાન, મલેશિયા, લેબેનોન, ઈરાન ક્વીન્સલૅન્ડ તથા ઑસ્ટ્રેલિયાના કેટલાક ભાગમાં બોરની ખેતી કરવામાં આવતી.

બોરનો ઉપયોગ વિવિધ ઔષધિ બનાવવામાં લાંબા સમયથી થતો આવ્યો છે. જો પ્રમાણભાન રાખીને બોરનું સેવન કરવામાં આવે તો શરીરને અનેક ફાયદા મળી રહે છે. ભારતમાં બોરનું અથાણું, મુરબ્બો તથા મુખવાસ બનાવવામાં આવે છે.

પાચનક્રિયામાં સુધારો લાવે છે: બોરમાં ડાયેટરી ફાઈબર તથા કાર્બ્સની માત્રા સમાયેલી છે. બોરનું સેવન કરવાથી શરીરમાં શક્તિનો સંચાર થાય છે. ફાઈબરની સાથે ચોક્કસ પ્રકારના મિનરલ્સ તથા વિટામિનની માત્રા હોવાને કારણે બોરનું સેવન પાચનક્રિયાને મજબૂત બનાવે છે. લાંબા સમયથી પેટમાં ગેસ-અપચાની તકલીફ રહેતી હોય તેમના માટે બોરનું સેવન વરદાન
સમાન છે.

હાડકાંની મજબૂતાઈ માટે ગુણકારી: બોરમાં કૅલ્શિયમ, ફોસ્ફરસની માત્રા છે. જે હાડકાંની મજબૂતાઈ જાળવી રાખવામાં મદદ કરે છે. આર્થરાઈટીસની તકલીફ ધરાવતા દર્દીઓ માટે બોરનું સેવન લાભદાયક ગણાય છે. બોરમાં ઍન્ટિ-ઈન્ફ્લેમેટરી ગુણો સમાયેલા છે. જેને કારણે બોરનું સેવન કરનાર વ્યક્તિના શરીરમાં સોજાની સાથે બળતરા કે દુખાવાની તકલીફમાં રાહત મળી
શકે છે.

ત્વચા ચમકદાર બને છે: બોરમાં વિટામિન સી તથા ઍન્ટિઑક્સિડન્ટનું પ્રમાણ જોવા મળે છે. જે ત્વચાને ચમકીલી બનાવવાની સાથે વધતી વયને કારણે ત્વચા ઉપર પડતી અસરને ધીમી પાડવામાં મદદ કરે છે. વિટામિન સીનું પ્રમાણ ભરપૂર હોવાને કારણે બોરનું સેવન કરવાથી ત્વચાની ચમક જળવાઈ રહે છે. ત્વચા ઉપર કરચલી કે કાળા ડાઘનું પ્રમાણ ઘટવા લાગે છે. લોહીનું પરિભ્રમણ સુધારવામાં લાભકારી: ખટમધુરા બોરમાં મિનરલ્સ જેવાં કે પોટેશિયમ, ફોસ્ફરસ, મેંગેનિઝ, આયર્ન તથા ઝીંક સમાયેલાં છે. ઉપરોક્ત મિનરલ્સને કારણે હૃદય સંબંધિત તકલીફથી બચી શકાય છે. આયર્નનું પ્રમાણ વધુ હોવાને કારણે લોહીમાં હિમોગ્લોબીનની માત્રા વધે છે. જેને કારણે શરીરમાં લોહીનું પરિભ્રમણ નિયમિત થવા
લાગે છે.

એવું જાણવા મળે છે કે બોરનું સેવન કરવાથી વ્યક્તિ માનસિક તાણથી મુક્ત બને છે. નિયમિત મોસમી ફળનું સેવન કરવાથી મન શાંત બને છે. શરીર તાજગી અનુભવે છે. બોરમાં ફોસ્ફરસની માત્રા સમાયેલી છે જે હાડકાંને મજબૂત બનાવી રાખવામાં મદદ કરે છે.

બ્લડ પ્રેશરને નિયંત્રણમાં રાખવામાં ગુણકારી: બોરમાં નમકની માત્રા ઓછી તથા પોટેશિયમની માત્રા અધિક હોય છે. બંને સાથે મળીને બ્લડ પ્રેશરને નિયંત્રણમાં રાખવામાં મદદ કરે છે. બોરમાં આયર્ન તથા ફોસ્ફરસની માત્રા વધુ હોય છે. જેને કારણે લોહીનું પરિભ્રમણ નિયમિત થવા લાગે છે. લોહીની કોશિકા કે નસ બોરના સેવન બાદ શાંત બને છે. લોહીનું પરિભ્રમણ સુચારુ રીતે થવા લાગે છે. જેથી બ્લડપ્રેશર નિયંત્રણમાં રહે છે.બોરનું અથાણું

સામગ્રી: 500 ગ્રામ પાકેલાં બોર, 2 ચમચી વરિયાળી, 2 ચમચી અજમો, 2 ચમચી જીરૂ, 2 ચમચી આખા ધાણા, 5-6 નંગ આખા લાલ મરચાં, 1 ચમચી રાઈના કુરિયા, અડધી ચમચી મેથીના કુરિયા, 2 ચમચી શેકેલું મીઠું, 4 ચમચી સિંગતેલ, 1 ચમચી હિંગ

બનાવવાની રીત: સૌ પ્રથમ બોરને બરાબર સાફ કરીને 2 કલાક તડકે સૂકવવા. બોરને થોડા દબાવી દેવા. બી કાઢવાની આવશ્યક્તા નથી. હવે એક કડાઈમાં સૌ પ્રથમ મીઠું શેકી લેવું. તેને એક બાજુ કાઢી લેવું. કડાઈમાં વરિયાળી, જીરૂ, આખા ધાણા, લાલ મરચાં, શેકી લેવા. સુંગધ આવે ત્યાર બાદ આંચ ઉપરથી ઉતારીને વાટી લેવું. રાઈ મેથીનાં કુરિયાં શેકી લેવાં. હવે તે કડાઈમાં તેલ ગરમ કરવું. તેલ ઠંડું થાય ત્યાર બાદ તેમાં હિંગ ભેળવીને બોર ઉમેરવા. તૈયાર કરેલો મસાલો, મીઠું, રાઈ-મેથીના કુરિયા વગેરે ભેળવીને કાચની સ્વચ્છ બરણીમાં ભરી લેવું. એક સપ્તાહ બાદ બોરનું ચટપટું અથાણું ચાખવા માટે તૈયાર થઈ જશે. ગરમાગરમ બાજરાના રોટલાં કે જુવારની રોટલી સાથે ખાવું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button