તરોતાઝા

મોજની ખોજ : પાપ ધોવા ગંગા ખરી, પણ પુણ્ય કમાવા કઈ નદી?

  • સુભાષ ઠાકર

ઊપડી બાપુ… આપણને પણ કુંભમેળામાં જવાની જબરી ચળ ઊપડી. પાપનો ઘડો જ નઇ પણ પીપડાંનાં પીપડાં છલકાઈ જાય ને ગણ્યા ગણાય નઈ, વીણ્યા વીણાય નઇ તોય મારી ગંગામાં માય એવા કરોડ પાપીઓ પાપ ધોવા જો શાહીસ્નાન કરવા મેળામાં જતા હોય તો ભૈ મારે કંઈ પાપનાં પોટલાં બાંધી ઉપર નથી જવું. સમજ્યા?

‘ભલે હું કાતિલ ઠંડીથી ઠૂઠવાઈ જઉં કે મારું બોડી વાઇબ્રેટર મોડ પર આવી જાય, કાયમ માટે ગંગામાં સમાધિ લેવી પડે, પણ આ વખતે તો કુંભમેળામાં જઈ ત્રિવેણી સંગમમાં એકાદ ડૂબકી મારી મારાં બધાં પાપ ધોઈ કાઢવાં છે. હું બુદ્ધ તો ન બની શકું, પણ શુદ્ધ તો બની શકું… એવો શુદ્ધ આધ્યાત્મિક ભાવ મારા હૈયામાં સળવળ્યો ને મેં આવતી કાલે ગંગા નદીમાં પાપ ધોવા જવાનું એટલે જવાનું. હવે લોચો એ પડ્યો કે ટીવીમાં જેવુ ગીત સાંભળ્યું ‘ગંગા મેરી મા કા નામ બાપકા નામ હિમાલા’ મા કસમ મારા હૈયામાં 500 ગ્રામ ફાળ પડી હું અંદરથી હલબલી ગયો, હચમચી ગયો સમસમી ગયો. મારા ચહેરા પર નાક આકારના અઠ્યાવીસ ને કાન આકારના પચ્ચીસ પ્રશ્નાર્થ ચિહ્ન પ્રગટ થયાં. મારા રૂંવાડાં ઊભાં થઈ ગયાં…. તમે જાણશો તો તમારાં રૂંવાડાં જ નઇ તમે આખાને આખા સળંગ ઊભા થઈ જશો

(હમણાં નઇ, હમણાં વાંચવામાં ધ્યાન આપો) ને… આ સદાબહાર ગીતને સદા બહાર જ રાખવાની જરૂર હતી. આજે જૂઠ બોલે કૌવા નઇ કુત્તા કાટે તો ભી આજ બોલેગા બોલેગા બોલેગા….. મારાથી હવે ચૂપ ન રહેવાય. ખોટું સહન ન થાય. ગંગા ને હિમાલય મારા મા-બાપ હોય તો જેના કારણે જગતમાં મારી હાજરી છે એ મા-બાપને શું વૃદ્ધાશ્રમમાં મૂકી આવવાનાં?. માય ફૂટ! ગંગા કે હિમાલયને તો શું પણ નાના ખાબોચિયાં કે નાની ટેકરીને હું મા-બાપ કેમ કઉ? મારા આત્માનો અવાજ એમ કહે છે કે ગંગા હિમાલયમાંથી નીકળે તો હિમાલયની દીકરી થઈ કે નઈ? હવે જઉં કે ન જઉંએ અવઢવ હતો એટલે બાપુને પૂછ્યું: ‘ડિયર બાપુ, રજા આપો તો મારે કાલે પાપ ધોવા કુંભમેળામાં પ્રયાગરાજ જવું છે’ ‘અલ્યા ચરકટ, બાપુ ઉવાચ: ‘ઘરમાં તારી બાયડી તારાં મેલાં કપડાં હરખાં ધોતી નથી તો ગંગા તારાં પાપ તંબૂરામાંથી ધોશે? બાપાનો માલ છે? તને આવાં તૂત કયાં તગારમાંથી ઊપડે છે? જો મેરે લાલ, શેરબજારમાં નહાઈ લીધું હોય એને કુંભમેળામાં નહાવાની જરૂર નથી. અરે, હું તો કઉ છું એવાં પાપ કરો છો જ શું કામ કે પાપ ધોવા ઠેઠ પ્રયાગરાજ સુધી લાંબા થવું પડે?’

‘અબે બાપુ , મૈંને પાપ કિયા નહીં આપને મુજસે કરવાયા હૈ’

‘મૈં ને? કયા બાત કરતાં હઇ રે, બાબા?’
‘ગુજરાતીમે બાત કરતા હૈ રે બાપા, આપણી દુકાનમાં ઘઉંમાં કાંકરા ભેળવવાનું કોણે કીધેલું? તમે. મરચાંની ભૂકીમાં કંકુ મેળવવાનું કોને કીધેલું? તમે. બાજરીના લોટમાં રાખ મેળવવાનું કોણે કીધું? આવી બેઈમાની પછી તમને સત્યનારાયણના મંદિર કોણ લઈ ગયું? તમે… હવે પાપ કરતાં કોણે શિખવાડ્યું..’

‘હવે ચૂપ થઈ જા તારે જવું હોય તો ઊપડ તારી શ્રદ્ધા ડગુમગુ ન થવી જોઈએ ને જાય જ છે તો નાગા બાવાનાં પણ દર્શન કરી આવજે.. જીવન ને મૃત્યુ બંને સુધારી જશે’
‘ઓકે બાપુ, પણ એક સવાલ હજી મૂંઝવે છે કે ગંગા નદીમાં નહાતી વખતે મોઢું કઈ દિશામાં રાખવાનું?’

‘અરે ડોબા, જે દિશામાં કપડાં મૂક્યાં હોય એ દિશામાં નઈતર નાગા બાવાનાં દર્શન કરવાવાળો ખુદ નાગો બાવો બની ગયો એવી લોકવાયકા ફેલાઈ જાય ને સમાજ તારી ગણતરી નાગા બાવામાં જ કરશે!’

બીજા દિવસે ટ્રેન પકડી ને સામે ચંપકલાલ ભટકાયા ને મેં પૂછ્યું: ‘ક્યાં ઊપડી સવારી?’

‘હવે 65 વર્ષે ક્યાં જવાનું? પ્રયાગરાજ.’
કુંભમેળામાં પાપ ધોવા પછી નવા ઇન્સ્ટોલ કરી પાછા ધોવા અહી આવવાનું એમ કરતાં કરતાં આ ચક્કરને પચ્ચીસ વર્ષ થઈ ગયાં.’

‘ઠાકર, આ પાપ ધોવા ગંગાની શોધ થઈ, પણ પુણ્ય કમાવા કોઈ નદી?’

‘પણ તમે ક્યાં કોઈ પાપ કર્યાં છે?’

‘બેટા, કોઈના ચહેરા પર પાપ-પુણ્યની રેખા દોરી હોતી નથી. વાત પેટમાં રાખજે… મૈ મંદિરમે જાકે થોડા મંત્રજાપ કર લેતા હું…. ઓર ઈન્સાનસે કભી ભગવાન ન બન જાઉં ઇસલીયે થોડા પાપ ભી કર લેતા હું’ એટલામાં કાકા ટીસીની નજર ચૂકવી બાથરૂમમાં સરકી ગયા. ટીસીના ગયા પછી પાછા આવ્યા એટલે મેં પૂછયું: ‘ક્યાં ગયેલા?’

‘પેલો ટી સી આવેલો એટલે.. મેં ટિકિટ નથી લીધી’
‘અરે, તમે પાપ ધોવા જાઓ છો ને ટિકિટ કેમ નથી લીધી?’ ‘અરે, ધોવા જ જવા છે તો ભેગાભેગું એક વધારે’

‘બાપરે’ આપણને 450 વોલ્ટનો ઝાટકો લાગે કે નઈ? જાત્રા કરવા જતાં જતાં પણ પાપ. એટલામાં તો પહોંચ્યા કુંભમેળામાં. સ્નાન કરતાં પહેલાં નાગા બાવાનાં દર્શન કરવાનાં હતાં ત્યાં એક બાવાને જોતાં જ પગ પકડી એને દંડવત્ કર્યાં તો બાવાશ્રી તો મેરોથોનમાં ભાગ લેવાના હોય એમ ભાગ્યા ને હું પણ એમની પાછળ ડબલ જોરથી ભાગ્યો. છેવટે બિલાડી ઉંદરને પકડે એમ પગ પકડી હું બોલ્યો : ‘પ્લીઝ બાબા આશીર્વાદ આપો’

‘અરે, હું નાગો બાવો નથી. મારા કપડાં કોઈ લઈ ગયું છે અને ધ્યાન રાખ, કુંભમાં દેખાતા બધા બાવા, બાવા નથી હોતા અમુક સ્ટોક માર્કેટના ઇન્વેસ્ટર હોય છે’ હું એટલો બધો શરમિંદો પડી ગયો કે મારી આંખમાં ઝળઝળિયાં આવી ગયાં. ઈશ્વર હજી ઓળખાય પણ માણસ જલદી નથી ઓળખાતો.

‘ચલ, એક મંદિરમાં મારી સાથે એક નવી જ વાત જણવા મળશે’ કાકો બોલ્યો ત્યાં મંદિરમાં ત્રણ બહેન નામે ગોદાવરી, કાવેરી તાપી જેવી ઘણી નદીઓએ ઈશ્વરને ફરિયાદ કરી ‘પ્રભુ, આ તારું કેવું ગણિત? ગંગામાં રોજનાં કેટલાં પાપ ધોવાય છે તોય ગંગા પવિત્ર તો પ્રભુ, વોટ્સ રોંગ વિથ અસ? અમારું પાણી ઝેર છે? અરે, અત્યારે તો નર્મદા ઘરે ઘરે પાણી પહોંચાડે તો , ગંગાજીએ થોડો વખત એ પવિત્ર સ્થાન નર્મદાને ન આપવું જોઈએ?’

‘વેઇટ,બધી નદી સાંભળો’ પ્રભુ બોલ્યા: ‘થોડા વખતમાં જેમ અલગ અલગ ગુનાની અલગ અલગ સજા હોય છે એમ અલગ અલગ પાપો ધોવાની અલગ નદીઓ જાહેર કરાશે’
‘એકઝેટલી પ્રભુ, બહારનો મેલ ગંગા ધોશે પણ અંદરનો મેલ ધોવા કઇ નદી?’ મેં પૂછ્યું

આ પણ વાંચો…આરોપીને લઇને સૈફના ઘરે પહોંચી પોલીસ, સીન રીક્રિએટ કર્યો

‘હે વત્સ, કેટલાંક પાપ એવાં હોય છે કે એને ગંગાજળના ઇન્જેકશન આપો કે ગ્લુકોઝની જેમ બાટલા ચડાવો, પણ અંદરના પાપ ક્યારેય નઇ ધોવાય’
‘તો મારે શું કરવું, પાપ ધોવા ગંગામાં ડૂબકી મારું કે નઇ?’

‘મારા વહાલા, પાપ ધોવા ક્યાંય જવાની જરૂર નથી તું ભીતરથી શુદ્ધ થા ને મન ચંગા તો કથરોટમે ગંગા’
શું કહો છો? કીટકો, જીવાત કે અન્ય કોઇ રોગ ન હોય.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button