Gujarat માં વિકાસને મળશે વેગ, વિકાસ કાર્યો માટે 605.48 કરોડ મંજૂર કરાયા
અમદાવાદઃ ગુજરાતના(Gujarat)મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે શહેરી નાગરિકોનું ઇઝ ઓફ લિવિંગ વધે તે માટે રાજ્યની વિવિધ નગરપાલિકાઓ અને મહાનગરપાલિકાઓમાં શહેરી વિકાસના કામો માટે 605.48 કરોડ રૂપિયા મંજૂર કર્યા હતાં.સ્વર્ણિમ જયંતિ શહેરી વિકાસ યોજના અંતર્ગત મંજૂર કરાયેલી આ રકમમાંથી સ્ટોર્મ વોટર ડ્રેનેજ, તળાવ બ્યુટિફિકેશન, શહેરી સડક યોજના, પાણી પુરવઠા, આઉટ ગ્રોથ વિકાસ અને રેલવે ઓવરબ્રિજ સહિતના કામો હાથ ધરાશે.
રાજકોટ શહેરી વિકાસ સત્તામંડળમાં વિકાસ કાર્યોને વેગ મળશે
મુખ્યપ્રધાને મંજૂર કરેલી આ રકમનો લાભ લીંબડી, માંડવી-કચ્છ, મુંદ્રા-બારાઈ, વિરમગામ, બારડોલી, બીલીમોરા, વલસાડ, સોનગઢ, સાણંદ, હળવદ, ગણદેવી, ધરમપુર, દાહોદ, ખંભાત, દ્વારકા, પાદરા, બાબરા, માણસા, ધ્રાંગધ્રા નગરપાલિકાઓ, વડોદરા અને ભાવનગર મહાનગરપાલિકા તેમજ ભાવનગર અને રાજકોટ શહેરી વિકાસ સત્તામંડળને વિવિધ વિકાસ કામો માટે મળવાનો છે.
બાગ બગીચા વિકસાવવા માટે 40 કરોડ રૂપિયાની ફાળવણી
મુખ્યપ્રધાને નગરોમાં વધતા જતા વિકાસને અનુલક્ષીને પર્યાવરણ જાળવણી-શુદ્ધિ અને સીટી બ્યુટીફિકેશનના હેતુસર રાજ્યની ૨૫ નગરપાલિકાઓને નવીન બાગ બગીચા વિકસાવવા માટે 40 કરોડ રૂપિયા ફાળવવાની સૈદ્ધાંતિક મંજૂરી આપી હતી.13 નગરપાલિકાઓને ગ્રંથાલય-લાઇબ્રેરી નિર્માણ માટે નગરપાલિકા દીઠ રૂ. 3 કરોડ મળી કુલ 39 કરોડ રૂપિયા ફાળવ્યા હતાં. રાજ્યની 22 નગરપાલિકાઓમાં સ્માર્ટ ગ્રંથાલય તરીકે પ્રસ્થાપિત કરવા ૩૩ કરોડ રૂપિયા ફાળવવાની સૈદ્ધાંતિક મંજૂરી આપી હતી.
નગરપાલિકાઓને આઉટગ્રોથ વિસ્તારોના વિકાસ ફંડ ફાળવાયું
નગરપાલિકાઓને આઉટગ્રોથ વિસ્તારોના વિકાસ માટે રૂ. 15.72 કરોડ મંજૂર કરવામાં આવ્યા છે. તેમાં હળવદને ભૂગર્ભ ગટર, સીસી રોડ, પાણીની લાઈન અને સ્ટ્રીટ લાઈટના કામો માટે રૂ. 4.49 કરોડ, ગણદેવીને જલારામ મંદિરથી કસ્બાવાડી રેલવે ફાટક સુધી તથા ધનોરી રોડ પર સ્ટ્રીટ લાઈટના કામો માટે રૂ. 72.69 લાખ, દ્વારકા નગરપાલિકામાં રેલવે અન્ડરબ્રિજ ટુ ટ્રેક સી.સી. રોડ બનાવવા રૂ. 4.62 કરોડ, ધરમપુરને સ્ટ્રીટ લાઈટના કામો માટે રૂ. 1.90 કરોડ અને લીંબડીને સીસી રોડના કામો માટે 3.77 કરોડ રૂપિયાનો સમાવેશ થાય છે.
આ ઉપરાંત નાગરિકોને ટ્રાફિકમાંથી મુક્તિ અપાવવા તથા યાતાયાતને વધુ સુગમ બનાવવાના હેતુથી દ્વારકા અને ધ્રાંગધ્રા નગરપાલિકાને રેલવે ઓવરબ્રિજ માટે રૂ. 88.88 કરોડ મંજૂર કર્યા છે. તેમાં દ્વારકા નગરપાલિકાને રૂ. 49.87 કરોડ અને ધ્રાંગધ્રા નગરપાલિકાને રૂ. 39.01 કરોડની સૈદ્ધાંતિક મંજૂરી અપાઈ હતી.