બદલાપુર કાંડઃ આરોપીના એન્કાઉન્ટર કેસમાં 5 પોલીસ દોષી, જાણો કોર્ટમાં શું શયું?
મુંબઇઃ બદલાપુર સ્કૂલ યૌન ઉત્પીડન મામલામાં આરોપી અક્ષય શિંદેના મોતના કેસ મુદ્દે કોર્ટે આજે મહત્ત્વનો ચુકાદો આપ્યો હતો. બદલાપુરની સ્કૂલમાં બે બાળકી પરના દુષ્કર્મના આરોપી અક્ષય શિંદેના પોલીસ કસ્ટડીમાં થયેલા મોત મામલે કરવામાં આવેલી મેજિસ્ટ્રેટ તપાસમાં પાંચ પોલીસ કર્મચારીને જવાબદાર ઠેરવવામાં આવ્યા છે. મેજિસ્ટ્રેટે આજે તપાસનો રિપોર્ટ બંધ કવરમાં બોમ્બે હાઇ કોર્ટને સોંપ્યો હતો.
મેજિસ્ટ્રેટે તેમના રિપોર્ટમાં જણાવ્યું છે કે મૃતક સાથે જપાજપીમાં પાંચ પોલીસ કર્મચારી દ્વારા કરવામાં આવેલો બળપ્રયોગ અનુચિત હતો અને આ પાંચેય પોલીસકર્મીએ અક્ષય શિંદેના મોત માટે જવાબદાર છે. રિપોર્ટ અનુસાર બંદૂક પર મૃતકના આંગળીઓના નિશાન નહોતા, જ્યારે પોલીસના જણાવ્યા અનુસાર અક્ષયે જ બંદૂકમાંથી ગોળી ચલાવી હતી. પોલીસોની એ દલીલ કે તેમણે સ્વબચાવમાં ગોળી છોડી એ શંકાસ્પદ છે.
કોર્ટે જણાવ્યું હતું કે પાંચે પોલીસ કર્મચારી સામે એફઆઇઆર નોંધીને તપાસ કરવામાં આવશે. કોર્ટે સરકારને બે અઠવાડિયાની અંદર જણાવવા આદેશ આપ્યો હતો કે આ કેસની તપાસ કઇ એજન્સી કરશે. નોંધનીય છે કે અક્ષય શિંદેની ઑગસ્ટ 2024માં બદલાપુરની એક શાળાના શૌચાલયમાં બે બાળકીનું જાતીય શોષણ કરવા બદલ ધરપકડ કરવામાં આવી હતી. તે એટેન્ડટની જોબ કરતો હતો.
સપ્ટેમ્બરમાં તલોજા જેલથી તેને પૂછપરછ માટે લઇ જવાતો હતો ત્યારે એન્કાઉન્ટરમાં તેનું મોત થયું હતું. પોલીસે દાવો કર્યો હતો કે તેણે એક પોલીસકર્મીની બંદૂક છીનવી લઇ ગોળીબાર કર્યો. જેને કારણે કરવામાં આવેલી પોલીસની વળતી કાર્યવાહીમાં તેનું મોત થયું હતું.
આ પણ વાંચો…પ. રે.ના પ્રવાસીઓ માટે આનંદના સમાચાર જાણી લો….
બોમ્બે હાઇ કોર્ટ અક્ષય શિંદેના પિતા અન્ના શિંદેની અરજી પર સુનાવણી કરી હતી. અન્ના શિંદેએ આરોપ લગાવ્યો છે કે તેમના પુત્રને નકલી પોલીસ એન્કાઉન્ટરમાં ઠાર મારવામાં આવ્યો છે. અક્ષય શિંદેના પિતાએ તેમના પુત્રના નકલી એન્કાઉન્ટર માટે જવાબદાર પોલીસ કર્મચારીઓ સામે યોગ્ય પગલા ભરવાની પણ માગણી કરી હતી.