આમચી મુંબઈટોપ ન્યૂઝ

પત્નીના ત્રાસથી કંટાળી કચ્છી વેપારીએ ટ્રેન સામે પડતું મૂક્યું

જોગેશ્વરી સ્ટેશન નજીક બની ઘટનાઃ પત્ની વિરુદ્ધ આત્મહત્યા માટે ઉશ્કેરવાનો ગુનો

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈઃ પત્નીના કથિત ત્રાસથી કંટાળી ઘાટકોપરના કચ્છી વેપારીએ જોગેશ્વરી સ્ટેશન પાસે ટ્રેન સામે પડતું મૂકીને જીવન ટૂંકાવ્યું હતું. વેપારીના મોબાઈલ ફોનમાંથી એક વીડિયો મળી આવ્યો હતો, જેમાં આત્મહત્યા પહેલાં વેપારીએ પત્ની વિરુદ્ધ આક્ષેપો કર્યા હતા. પોલીસે વેપારીની પત્ની વિરુદ્ધ આત્મહત્યા માટે ઉશ્કેરવાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

અંધેરી જીઆરપીના સિનિયર ઈન્સ્પેક્ટર નીતિન લોઢેએ જણાવ્યું હતું કે ઘટના ગુરુવારની રાતે ૮.૩૦ વાગ્યાની આસપાસ બની હતી. મૃતકની ઓળખ ભરત નાનજી રાવરિયા (૩૮) તરીકે થઈ હતી. ભરતે ચર્ચગેટ જતી ટ્રેન સામે પડતું મૂકી કથિત આત્મહત્યા કરી હતી.

મળતી માહિતી અનુસાર અધોઈ ગામનો અને હાલમાં ઘાટકોપરમાં રહેતો ભરત સ્ટેશનરીની દુકાન ધરાવતો હતો. પત્ની રિંકલ સાથે તેને છેલ્લા થોડા સમયથી બનતું નહોતું. તાજેતરમાં પત્ની સાથે થયેલી રકઝક પછી તે જોગેશ્વરીમાં ભાઈને ઘેર રહેવા આવ્યો હતો.

આ પણ વાંચો : Atul Subhash Suicide : કોર્ટે પત્ની નિકિતા સિંઘાનિયા સહિત ચાર આરોપીના જામીન મંજૂર કર્યા

ગુરુવારની રાતે ભરત જોગેશ્વરી સ્ટેશને પહોંચ્યો હતો. પછી ચર્ચગેટ જતી ટ્રેનને જોઈ પાટા પર સૂઈ ગયો હતો. મોટરમૅને તેને પાટા પર સૂતો જોયો હતો, જેને આધારે તેણે આત્મહત્યા કરી હોવાની ખાતરી થઈ હતી. ટ્રેન ફરી વળવાને કા૨ણે ભરતે ઘટનાસ્થળે જ જીવ ગુમાવ્યો હતો. બનાવની જાણ થતાં અંધેરી જીઆરપીના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો.

અધિકારીએ જણાવ્યું હતું કે ભરતના મોબાઈલ ફોનમાંથી વીડિયો મળ્યો હતો, જેમાં ભરતે પત્ની પર આક્ષેપો કર્યા છે. પત્નીના ત્રાસથી કંટાળીને તેણે જીવન ટૂંકાવ્યું હોવાની ફરિયાદ ભરતના ભાઈ મનસુખે કરી હતી. ફરિયાદને આધારે પોલીસે પત્ની વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો. આ મામલે પોલીસ વધુ તપાસ કરી રહી છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button