સોનામાં ₹144ની આગેકૂચ, ચાંદીમાં ₹139ની પીછેહઠ
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈઃ વૈશ્વિક વિનિમય બજારમાં ડૉલર ઈન્ડેક્સમાં નરમાઈતરફી વલણ રહેતા આજે લંડન ખાતે સત્રના આરંભે lpS>fdp„ સોના અને ચાંદીના ભાવમાં સુધારાતરફી વલણ રહ્યું હતું. જોકે, બજાર વર્તુળોની નજર આજે અમેરિકી પ્રમુખ ડૉનલ્ડ ટ્રમ્પના હોદ્દો અખત્યાર કર્યા બાદના વક્ત્વ્ય પર સ્થિર હોવાથી સોનામાં સુધારો મર્યાદિત રહ્યો હતો. આમ વૈશ્વિક પ્રોત્સાહક અહેવાલ સાથે સ્થાનિક ઝવેરી બજારમા મધ્યસત્ર દરમિયાન ખાસ કરીને સોનાના ભાવમાં 10 ગ્રામદીઠ રૂ. 143થી 144ની આગેકૂચ જોવા મળી હતી, જ્યારે ચાંદીમાં ઔદ્યોગિક વપરાશકારોની માગ ખપપૂરતી રહેતાં ભાવમાં કિલોદીઠ રૂ. 139નો ઘટાડો જોવા મળતાં એકંદરે બન્ને કિંમતી ધાતુઓમાં સામસામા રાહ જોવા મળ્યા હતા.
બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે સ્થાનિકમાં મધ્યસત્ર દરમિયાન 999 ટચ ચાંદીમાં સ્ટોકિસ્ટોની નવી લેવાલીનો અભાવ ઉપરાંત ઔદ્યોગિક વપરાશકારો અને જ્વેલરી ઉત્પાદકોની માગ ખપપૂરતી રહેતાં ભાવ કિલોદીઠ રૂ. 139ના ઘટાડા સાથે રૂ. 90,681ના મથાળે રહ્યા હતા. જોકે, સોનામાં વૈશ્વિક પ્રોત્સાહક અહેવાલ સાથે 995 ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ 10 ગ્રામદીઠ રૂ. 143 વધીને રૂ. 79,065 અને 999 ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ રૂ. 144 વધીને રૂ. 79,383ના મથાળે રહ્યા હતા.
અમેરિકી પ્રમુખ ડૉનલ્ડ ટ્રમ્પનાં આજના વક્તવ્યમાં ફુગાવા અને ફેડરલ રિઝર્વની ભવિષ્યની નીતિઓ અંગે કોઈ સ્પષ્ટતા મળે તેવા આશાવાદ સાથે આજે વિશ્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સમાં નરમાઈનું વલણ રહેતાં લંડન ખાતે સત્રના આરંભે હાજરમાં સોનાના ભાવ આગલા સપ્તાહના બંધ સામે 0.3 ટકા વધીને આૈંસદીઠ 2711.29 ડૉલર અને વાયદામાં ભાવ 0.1 ટકા વધીને 2752.40 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે હાજરમાં ચાંદીના ભાવ આગલા બંધ સામે 0.2 ટકા વધીને આૈંસદીઠ 30.39 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.
Also read: સોનામાં રૂ. 556નું અને ચાંદીમાં રૂ. 553નું ગાબડું
જો ટ્રમ્પનાં આજના વક્તવ્યમાં વેપાર અને વેરાની નીતિ અંગે જો નરમાઈનું વલણ જોવા મળશે તો બજારમાં ફુગાવાવૃદ્ધિલક્ષી ચિંતાઓ હળવી થશે અને ડૉલર ઈન્ડેક્સ તથા અમેરિકી ટ્રેઝરીની યિલ્ડમાં પીછેહઠ જોવા મળતાં સોનામાં સુધારાતરફી વલણ જોવા મળે તેવી શક્યતા કેસીએમ ટ્રેડનાં વિશ્લેષક ટીમ વૉટરરે જણાવ્યું હતું. સામાન્યપણે વધતા ફુગાવાના સંજોગોમાં સોનામાં હેજરૂપી માગ નીકળતી હોય છે, પરંતુ હાલના સંજોગોમાં અમેરિકી ટ્રેઝરીની યિલ્ડમાં વધારો સોનામાં માગ રૂંધી રહ્યો છે.
જોકે, હાલના તક્ક્કે અમેરિકી પ્રમુખ ડૉનલ્ડ ટ્રમ્પની વેપાર-વેરાની નીતિઓ ફુગાવાલક્ષી દબાણ વધારે તેવી શક્યતા બજાર વર્તુળો જોઈ રહ્યા છે અને વધતા ફુગાવાના સંજોગમાં ફેડરલ રિઝર્વની વ્યાજદરમાં કપાતની શક્યતાઓ નબળી પડતા સોનાના ભાવ દબાણ હેઠળ રહે તેવી ધારણા બજાર વર્તુળો મૂકી રહ્યા છે. આમ આગામી દિવસોમાં સોનાના ભાવની વધઘટનો આધાર મુખ્યત્વે ટ્રમ્પની વેપાર-વેરાની નીતિઓ પર અવલંબિત હોવાનું ગોલ્ડમેન સાશે એક નોટ્સમાં જણાવતાં ઉમેર્યું હતું કે આ વર્ષે ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં ઓછી વખત વ્યાજદરમાં વધારો કરે તેવી શક્યતાને ધ્યાનમાં લેતા અમે વર્ષ 2026નાં મધ્ય સુધી સોનાના ભાવ આૈંસદીઠ 3000 ડૉલર આસપાસની સપાટીએ રહે તેવી ધારણા મૂકી છે.