કોલકાતા: આરજી કર હોસ્પિટલમાં ગત વર્ષે બનેલા બળાત્કાર અને હત્યા કેસમાં સિયાલદાહ કોર્ટે આરોપી સંજય રોયને આજીવન કેદની (RG Kar Hospital Rape and murder case) સજા ફટકારી છે. ઉલ્લેખનીય છે કે 18 જાન્યુઆરીના રોજ, સિયાલદાહ કોર્ટે સંજય રોયને મહિલા રેસીડેન્ટ ડૉક્ટર પર બળાત્કાર અને હત્યાના કેસમાં દોષિત ઠેરવ્યો હતો. સંજય રોયને BNS ની કલમ 64, 66 અને 103(1) હેઠળ દોષિત ઠેરવવામાં આવ્યો હતો.
આ કેસમાં સુનાવણી દરમિયાન, CBIના વકીલે માંગ કરી છે કે આરોપી સંજય રોયને મૃત્યુદંડની સજા આપવામાં આવે. સુનાવણી દરમિયાન ન્યાયાધીશે સ્પષ્ટપણે કહ્યું કે રોય આ કેસમાં દોષિત છે. સુનાવણી દરમિયાન સંજય રોયને પૂછવામાં આવ્યું હતું કે કોર્ટ સજા સંભળાવે એ પહેલાં તે કંઈ કહેવા માંગે છે?
Also read: Kolkata Rape Case : સીબીઆઇએ ચાર્જશીટ ફાઇલ કરી, સંજય રોય રેપ અને મર્ડરનો મુખ્ય આરોપી
સુનાવણી દરમિયાન કોર્ટે તેને પોતાનો પક્ષ રખવા કહ્યું ત્યારે સંજયે ફરી એમ જ કહ્યું કે તેણે બળાત્કાર કે હત્યા કંઈ જ કર્યું નથી. તેને સતત ત્રાસ આપવામાં આવી રહ્યો છે અને તેના પર ગમે તે પેપર પર બળજબરીપૂર્વક સાઈન કરાવવામાં આવી રહી છે.આરોપીના વકીલે ફાંસી સજાનો વિરોધ કર્યો હતો.
કેસ હતો મામલો?
9 ઓગસ્ટ, 2024 ના રોજ કોલકાતાની આરજી કર હોસ્પિટલના કોન્ફરન્સ રૂમમાં 31 વર્ષીય મહિલા રેસીડેન્ટ ડૉક્ટરનો મૃતદેહ મળી આવ્યો હતો. બાદમાં ખબર પડી કે ડૉક્ટર પર પહેલા બળાત્કાર કરવામાં આવ્યો હતો અને પછી તેની હત્યા કરવામાં આવી હતી. આ ઘટનાનો દેશભરના ડોક્ટરોએ લાંબા સમયથી વિરોધ કર્યો હતો. આ કેસની સુનાવણી 12 નવેમ્બરના રોજ બંધ રૂમમાં શરૂ થઈ હતી. કુલ 50 સાક્ષીઓની પૂછપરછ કરવામાં આવી અને સુનાવણી 9 જાન્યુઆરીએ પૂર્ણ થઈ. આ કેસમાં મુખ્ય આરોપી સંજય રોય હતો.
9 ઓગસ્ટના રોજ બનેલી ઘટના પછી તરત જ પોલીસે 10 ઓગસ્ટના રોજ સંજય રોયની ધરપકડ કરી હતી. પીડિતાના શરીર પાસે બ્લૂટૂથ ઇયરફોન મળી આવ્યો હતો, જેના કારણે પોલીસે સંજય રોયની ધરપકડ કરી હતી, કારણ કે તે સીસીટીવી કેમેરાના ફૂટેજમાં સેમિનાર હોલમાં ગળામાં ડિવાઇસ પહેરીને પ્રવેશતો જોવા મળ્યો હતો.