રાષ્ટ્રપતિની શપથ લેતા પહેલા ડોનાલ્ડ ટ્રમ્પે કરી ચોંકાવનારી જાહેરાતો
વોશિંગ્ટન ડીસી: ગત વર્ષે નવેમ્બર મહિનામાં અમેરિકાના રાષ્ટ્રપતિ પદ માટે યોજાયેલી ચૂંટણીમાં રીપબ્લીકન ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પે જીત (Donald Trump) મેળવી હતી. આજે 20મી જાન્યુઆરીના રોજ ટ્રમ્પ અમેરિકાના રાષ્ટ્રપતિ તરીકે શપથ લેશે. ટ્રમ્પ આગમન સાથે અમેરિકાની આંતરિક બાબતો ઉપરાંત વૈશ્વિક બાબતોમાં મોટા ફેરફાર થવાની આશંકા છે. શપથ લેતા પહેલા તેમણે ગઈ કાલે રીપબ્લીકન સમર્થકોને સંબોધિત કર્યા હતાં. ટ્રમ્પે દાવો કર્યો કે તેઓ રશિયા-યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધનો અંત લાવશે, આ ઉપરાંત મધ્ય પૂર્વમાં ચાલી રહેલી ઉથલપાથલને ઠીક કરશે.
યુએસના પાટનગર વોશિંગ્ટન ડીસીમાં હાલ હિમવર્ષા અને વરસાદને કારણે કડકડતી ઠંડી પડી રહી છે. તેમ છતાં વોશિંગ્ટનમાં મેક અમેરિકા ગ્રેટ અગેઇન વિકટરી રેલી યોજવામાં આવી હતી, જેમાં ટ્રમ્પના હજારો સમર્થકો ઉમટ્યા હતાં. આ સમય દરમિયાન, ટ્રમ્પે લોકોને ઘણા વાયદાઓ કર્યા કર્યા હતાં.
ઘૂસણખોરી બંધ થશે:
વોશિંગ્ટન ડીસીના કેપિટલ વન એરેના ખાતે લોકોને સંબોધતા ટ્રમ્પે કહ્યું કે બીજા દિવસે સૂર્યાસ્ત થતાંની સાથે જ આપણા દેશમાં ઘૂસણખોરી બંધ થઈ જશે. ટ્રમ્પે કહ્યું કે આ અમેરિકન ઇતિહાસનું સૌથી મોટું રાજકીય અભિયાન છે. માત્ર 75 દિવસ પહેલા, આપણા દેશ ચૂંટણીમાં સૌથી ઐતિહાસિક વિજયનો સાક્ષી બન્યો. ટ્રમ્પે અમેરિકાના ઇતિહાસમાં સૌથી મોટા દેશનિકાલ અભિયાનનું પણ વચન આપ્યું છે. આનાથી લાખો ગેરકાયદે માઈગ્રન્ટ્સ વિસ્થાપિત થશે. તેમણે કહ્યું કે આ અભિયાનમાં ઘણા વર્ષો લાગશે અને એ માટે ખૂબ ખર્ચો પણ થશે.
Also read: શપથ ગ્રહણ પહેલા સંકટમાં ટ્રમ્પ, હશ મની કેસમાં થશે સજા તો…..
દોષિતોને માફ કરશે:
ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે આપણે એક નવા અમેરિકાની શરૂઆત કરીશું જે મજબૂત અને સમૃદ્ધ હશે. તેઓ યુએસ કેપિટોલ પરના હુમલા માટે દોષિત ઠેરવવામાં આવેલા અથવા દોષિત ઠેરવવામાં આવેલા 1,500 થી વધુ લોકોને માફ કરશે. ટ્રમ્પે તેમણે બાઈડેન વહીવટીતંત્ર દ્વારા લેવામાં આવેલા સજાના તમામ નિર્ણયો પર રોક લગાવવાની પણ વાત કરી.
તેમણે કહ્યું કે રાષ્ટ્રપતિ ચૂંટણી પ્રચાર દરમિયાન આપવામાં આવેલા તમામ વચનો ખૂબ જ ઝડપથી પૂરા કરવામાં આવશે. તેમણે કહ્યું કે અમેરિકન લોકોના દરેક દુઃખનો ઐતિહાસિક ગતિ અને શક્તિથી ઉકેલ લાવવામાં આવશે. ટ્રમ્પ નવા કાર્યકાળના પહેલા દિવસે 200 થી વધુ આદેશો પર હસ્તાક્ષર કરશે. આ આદેશો બોર્ડર સિક્યોરીટી ,એનર્જી, ફેડરલ સરકારમાં DEI કાર્યક્રમોને નાબૂદ કરવા સંબંધિત હશે.