આમચી મુંબઈટોપ ન્યૂઝમહારાષ્ટ્ર

પાલક પ્રધાનપદ ન મળતા પંકજા મુંડે ફરી નારાજઃ બીડનો વિકાસ તો મેં કર્યો પણ…

મુંબઇઃ મહારાષ્ટ્રમાં સરકારની રચનાને એક મહિનાથી વધુ સમય થઇ ગયો હોવા છતાં પાલક પ્રધાનોની જાહેરાત કરવામાં આવી નહોતી, જેને કારણે રાજકીય વર્તુળોમાં ગણગણાટ શરૂ થઇ ગયો હતો. હવે રાજ્યમાં પાલક પ્રધાનોની નિમણૂક કરી દેવામાં આવી છે. જોકે, પાલક પ્રધાનોના પદ માટે પણ નારાજગીની ચર્ચા છે. આમાં સૌથી વધુ ચર્ચા બીડ જિલ્લાની છે. અગાઉ બીડ જિલ્લાનું પાલક મંત્રી પદ પંકજા મુંડે પાસે હતું. બીડના પાલક પ્રધાન કોણ બનશે, એવી જ ચર્ચા ચાલી રહી હતી. સંતોષ દેશમુખ હત્યા કેસમાં ધનંજય મુંડેનું નામ આવ્યું હોવાથી તેમના રાજીનામાની માગ ઉઠી રહી હતી અને જિલ્લાના પક્ષના તમામ પ્રતિનિધિઓએ તેમના નામનો વિરોધ કર્યો હતો, તેથી તેમના નામ પર તો ચોકડી મૂકાઇ ગઇ હતી. આ ઉપરાંત પંકજા મુંડેની પણ ટીકા કરવામાં આવી રહી હતી. એવામાં હવે બીડ જિલ્લાનું પાલક પ્રધાન પદ એનસીપી પ્રમુખ અને નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારને સોંપવામાં આવ્યું છે, જેને કારણે પંકજા મુંડે નારાજ છે. એક મુલાકાતમાં તેમણે દબાયેલા સૂરે પોતાની નારાજગી વ્યક્ત કરી હતી.

પંકજા મુંડેએ જણાવ્યું હતું કે, દર વખતે તમને એક જ વસ્તુ કરવાની તક મળે એવું નથી, પણ જો મને બીડ જિલ્લાના પાલક પ્રધાન બનવાની તક મળી હોત તો મને ખુશી થતે. મેં પાંચ વર્ષ સુધી અહીં ઘણું કામ કર્યું. હું બીડની દીકરી છું. બીડમાં જ ઉછરીને મોટી થઇ છું. મને જો બીડના લોકોની સેવા કરવાની તક મળી હોત તો વધારે ખુશી થાત. બીડના લોકોને પણ ઘણો આનંદ થાત. મેં બીડમાં ઘણા વિકાસ કાર્યો કર્યા છે. મારો પાંચ વર્ષનો કાર્યકાળ બીડના ઇતિહાસમાં વિકાસનો સમયગાળો હતો. જોકે, પક્ષના નિર્ણય સાથે અસંમતિ દર્શાવ્યા વિના હું પૂર્ણ નિષ્ઠા સાથે મારું શ્રેષ્ઠ આપવાનો પ્રયાસ કરીશ.

આ પણ વાંચો…પાલક પ્રધાનપદની રેસમાં ભાજપનો દબદબો, શિવસેના-NCPના કેટલાક પ્રધાનો બાકાત

નોંધનીય છે કે પંકજા મુંડેને જાલનાના પાલક મંત્રી બનાવવામાં આવ્યા છે. તેઓ બીડના હોવાથી તેમને બીડ જિલ્લાના પાલક મંત્રી પદની ઇચ્છા હતી, પણ બીડ જિલ્લાનું પાલક મંત્રી પદ નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારને આપવામાં આવ્યું છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button