ચહેરા મોહરા -પ્રકરણ: 17
ઓહ.. સહરાના રણમાં મીઠી વીરડી જેવો એ જ તો હતો તેનો પ્રથમ પ્રેમ.. કિશોરાવસ્થામાં પાંગરેલો નિ:સ્વાર્થ પ્રેમ... કાળે બધું એકસાથે ઝૂંટવી લીધું હતું. ક્યાં હશે અત્યારે શિવાની?
પ્રફુલ્લ કાનાબાર
અચાનક એને નંદગીરીનો ધીમો અવાજ સંભળાયો.. સોહમ અવાજ ન થાય તે રીતે પથારીમાંથી ઊભો થઈને પગથિયાં પાસે આવીને ઊભો રહ્યો અને અવાજ તરફ એણે કાન માંડયા…
નંદગીરી ધીમા સ્વરે ભોલુને કહી રહ્યા હતા:
‘ભોલુ, એ તો મને પણ ખબર છે કે ગામમાં ત્રણ રિક્ષાવાળા રહે છે.’ ‘બાપુ, મારો આશય તો એટલો જ છે કે એ ગરીબ રિક્ષાવાળાને સવાર-સવારમાં અમદાવાદ રેલવે સ્ટેશન સુધીની લાંબી વર્દી મળી જાય.’ ‘હા, એ તો સમજી ગયો, પણ મને લાગે છે કે આપણે એવું ન કરવું જોઈએ.’ ‘કેમ?’ ભોલુએ નિર્દોષભાવે પૂછયું. ‘ગામનો રિક્ષાવાળો હોય તો આટલા લાંબા રસ્તે એની સાથે સોહમને રસ્તામાં બિલકુલ વાતચીત ન થાય તેવું ન બને. નાહકની આખા ગામને ખબર પડે કે આ અજાણ્યો મહેમાન આપણી ઘરે રાત રોકાયો હતો.’ નંદગીરીએ અવાજ વધુ ધીમો કરીને કહ્યું.
‘સમજી ગયો બાપુ.’ ભોલુએ પોતાની ભૂલ સ્વીકારતાં કહ્યું. ‘પેલું.. મોબાઈલ પરથી ટૅક્સીને બોલાવવાને શું કહે છે?’ નંદગીરીએ પૂછયું. ‘ઉબર.’ ભોલુએ તરત જવાબ આપ્યો. ‘હા બસ. એને બોલાવી લે. સવારે પોણા છ વાગ્યાનું કહેજે. અજાણ્યો ડ્રાઈવર હોય એ જ સારું.. નાહકનો ચંચૂપાત ન થાય.’ બંને વચ્ચેનો સંવાદ સાંભળીને સોહમને તરત ખ્યાલ આવી ગયો કે નંદગીરી ‘ઉબર’નો આગ્રહ એટલા માટે રાખી રહ્યા હતા કે જો અજાણ્યો ડ્રાઈવર હોય તો તે રસ્તામાં સોહમ વિષે કાંઈ જ માહિતી મેળવી ન શકે. એકાએક સોહમના મનમાં ચમકારો થયો. તેણે નંદગીરીનું સૂચન બીજી રીતે વિચાર્યું. જો ગામનો જ રિક્ષાવાળો હોય તો સોહમ પણ તેની પાસેથી રસ્તામાં વાતચીત કરીને નંદગીરી વિષે વધુ માહિતી જાણી જ શકે ને? સતત પોતાના હાથમાં જ બાજી રાખતા નંદગીરીના મનમાં આ ડર પણ હોય જ ને?
થોડી વાર બાદ નંદગીરી અને સોહમનો અવાજ સંભળાતો બંધ થયો. સોહમે ખાટલા પર લંબાવ્યું. જેલમાંથી છૂટ્યાને હજુ બાર કલાક જ થયા હતા ત્યાં તેના જીવનમાં કેટલો બધો બદલાવ આવી ગયો હતો? જેને ઓળખતો પણ નહોતો તેવા તદ્દન અજાણ્યા નંદગીરી પર ભરોસો રાખીને આવતી કાલે બિલકુલ અજાણી જગ્યાએ જવાનું હતું. સોહમને એકાએક યાદ આવ્યું કે નંદગીરીએ વાપીની ટિકિટ તો કઢાવી આપી, પણ ત્યાં ઊતરીને ક્યાં જવાનું છે એ તો કહ્યું જ નથી. નંદગીરીએ હાથમાં પકડેલી બાજીમાંથી આ પાનું તો ઊતરવું જ રહ્યું. સવારે ઊઠીને પહેલું કામ નંદગીરી પાસેથી એ સરનામું લેવાનું જ કરવું પડશે.
જીવનમાં ક્યારેય વગર વિચાર્યે ડગલું પણ ન ભરનાર સોહમ માત્ર ધનવાન બનવાની લાલસાને કારણે એવી બ્લાઇન્ડ ગેમમાં કૂદી પડયો હતો કે કાલે શું થશે તેની અટકળ પણ થઈ શકે તેમ નહોતી. તેની આસપાસ એક એવું ધુમ્મસ રચાઈ ગયું હતું જેની આરપાર જોવાની વાત તો દૂર.. પરંતુ એક ડગલું આગળનું પણ જોઈ શકાતું નહોતું. આવી પરિસ્થિતિમાં જ ધુમ્મસને પેલે પાર જવાનું હતું. સોહમને યાદ આવ્યું કે સ્કૂલમાં પંડ્યાસાહેબ સાહસ વિશેનો પાઠ ભણાવતા ત્યારે કોઈ પણ માણસે આંધળૂકિયાં ન કરવાં જોઈએ તેમ કાયમ બોલતા. સોહમને એ ઉંમરે તો આંધળૂકિયાં એટલે શું એની ખબર નહોતી, પણ આજે ખબર પડતી હતી. તે વિચારી રહ્યો.. એ એવું કોઈ સાહસ તો નહોતો કરી રહ્યો ને જે પાછળથી આંધળૂકિયું સાબિત થાય?
દરેક સાહસમાં સફળતા મળે જ એ જરૂરી તો નથી જ. જે સાહસમાં નિષ્ફળતા મળે એને જ આંધળૂકિયું સાહસ કહેવાતું હશે? જે હોય એ પણ.. સાહસ વગર સિદ્ધિ નથી એ વાત પણ એ જ પાઠમાં ભણવામાં આવતી હતી ને? સોહમે મન મનાવ્યું. કોઈ પણ સાહસ કરવા માટે પાયાનો ગુણ એટલે હિંમત. સતત તેર વર્ષ જેલમાં રહીને સોહમમાં હિંમતનો ગુણ ગજબનો ખીલ્યો હતો. વળી આ આખી બાજીમાં તેને ગુમાવવાનું કાંઈ જ નહોતું. હા, જોખમ કેટલું હતું તેનો અંદાજ નહોતો, પણ જોખમ લીધા વગર રાતોરાત ધનવાન થવાય પણ કેવી રીતે?
વહેલી સવારે કૂકડો બોલ્યો કે તરત સોહમ ઊઠીને ફ્રેશ થઈ ગયો. ભોલુએ લાવેલાં નવાં કપડાં પહેરી લીધાં. ફળિયામાં બેઠેલા નંદગીરી પાસે જઈને તેણે મુદ્દાની વાત કરી. ‘મહારાજ, આપને મુઝે વાપી કા એડ્રેસ નહી દિયા.’ ‘વહાં તુમકો લેને કોઈ ન કોઈ જરૂર આયેગા.’ નંદગીરીએ ઠંડકથી કહ્યું. ‘ઔર ન આયા તો?’ સોહમે પહેલી વાર દલીલ કરી. ‘તો યેહ મોબાઈલ કિસ કામ કા હૈ? ભોલુને કલ તુમ્હે ઉસકા નંબર નહી દિયા ક્યા?’ નંદગીરીએ આશ્ચર્ય વ્યક્ત કરતાં કહ્યું.
સોહમે જોયું કે ફોનની મેમરી સાવ ખાલી હતી. આખરે નંદગીરીએ ભોલુને જગાડ્યો. ‘ભોલુ, તુને ઇસે તેરા નંબર નહી દિયા?’ ‘ઓહ, ભૂલી ગયો, બાપુ..’ ભોલુએ આંખો ચોળતાં ચોળતાં સોહમને મિસ કોલ કર્યો. એ જ વખતે સોહમને એ નંબર સેવ કરતાં પણ શિખવાડયું. સવારે રેલવે સ્ટેશને જતી વખતે ટૅક્સી અમદાવાદની હદમાં દાખલ થઈ ત્યારે સોહમ બારીની બહાર શહેરની બદલાયેલી સિકલને જોઈ રહ્યો. ગઈકાલે સવારે સાબરમતી જેલમાંથી છૂટીને તો એ સીધો અડાલજ જતો રહ્યો હતો. શહેરમાં આવ્યો જ ક્યાં હતો?
ચારે બાજુ ઊંચાં ઊંચાં બિલ્ડિંગો જોઈને સોહમ આભો બની ગયો. સોહમને લાગ્યું કે આ તેર વર્ષમાં અમદાવાદ ઘણું બદલાઈ ગયું છે. સમય સઘળું બદલી નાખે છે. શહેરોને પણ અને માણસોને પણ… છતાંય અંદરખાને કાંઈક તો એવું રહી જ જાય છે, જે જડ નથી પણ એવી જડ છે કે જે માણસને જમીનથી જોડી રાખે છે. અડીખમ રાખે છે. આ એ જ શહેર છે, જેણે તેને ગરીબી સિવાય કાંઈ જ આપ્યું નહોતું. બાકી રહી ગયું હોય એમ તેર વર્ષનો જેલવાસ પણ આ જ શહેરમાં ભોગવવાનું નિયતિએ લખી નાખ્યું હતું. પારાવાર મુશ્કેલીઓ વચ્ચે આ શહેરમાં એવું તો શું હતું જે અત્યારે આંખ ભીંજવી રહ્યું છે? ઓહ.. સહરાના રણમાં મીઠી વીરડી જેવો એ જ તો હતો તેનો પ્રથમ પ્રેમ.. કિશોરાવસ્થામાં પાંગરેલો નિ:સ્વાર્થ પ્રેમ. યુવાનીમાં પગ મૂકતાં જ એ પ્રેમનો તેને કેટલો મોટો ટેકો હતો? કાળે બધું એકસાથે ઝૂંટવી લીધું હતું. ક્યાં હશે અત્યારે શિવાની? અમદાવાદમાં જ હશે? શિવાનીએ તેની સાથે એક જ ઝાટકે છેડો ફાડી નાખ્યો હતો. સોહમે એ વખતે પારાવાર દર્દ અનુભવ્યું હતું છતાં અત્યારે આ શહેરની માટીની મહેક જ તેની યાદ અપાવી રહી છે કે શું?
કાળુપુર રેલવે સ્ટેશને ટૅક્સી ઊભી રહી. સોહમે મોબાઈલમાં સમય જોયો. પોણા સાત વાગ્યા હતા. પ્રીપેડ ટૅક્સી છોડીને સોહમ હાથમાં એટેચી સાથે ચાર નંબરના પ્લૅટફૉર્મ પર લગભગ દોડતો ‘ગુજરાત એક્સપ્રેસ’ના એસ-સેવન ડબ્બા પાસે પહોંચી ગયો. પ્લૅટફૉર્મની ડિજિટલ ઘડિયાળમાં ક્ષણોના મણકા સરી રહ્યા હતા. પ્લૅટફૉર્મ પરના કોલાહલ વચ્ચે ટ્રેન ઊપડવાની તૈયારી હતી. બહાર ચિપકાવેલા ચાર્ટમાં સોહમે પોતાનું નામ ક્ધફર્મ કર્યું. સોહમે તેની સીટ પર બેઠા બાદ હાશકારો અનુભવ્યો. બારીમાંથી દસની નોટ આપીને ફેરિયા પાસેથી પેપર કપમાં ચા લીધી. હજુ તો પહેલી ચુસકી લીધી ત્યાં જ ટ્રેન હળવા આંચકા સાથે ઊપડી. ટ્રેન જેમ જેમ પ્લૅટફૉર્મની બહાર નીકળી રહી હતી તેમ તેમ પ્લૅટફૉર્મ પરનો કોલાહલ જાણે કે શાંત પડી રહ્યો હતો. અમદાવાદ સ્ટેશનની સાથે ઘણું બધું છૂટી રહ્યું હતું!
સુરત સ્ટેશને ટ્રેન ઊભી રહી એટલે સોહમે ભરપૂર નાસ્તો કરી લીધો. તેણે શર્ટના ઊપલા ખિસ્સામાંથી મોબાઈલ કાઢીને ચેક કર્યો. હાલકડોલક થતા ડબ્બામાં નિદ્રા અને તંદ્રા વચ્ચે ઝોલાં ખાતો સોહમ વિચારી રહ્યો.. હવે તેની જિંદગી પણ આ મોબાઈલ ફોનની જેમ બિલકુલ બ્લેન્ક જ છે ને? જેમ જેમ પાત્રોનો પ્રવેશ થશે તેમ તેમ નવા નંબર એડ થતા જશે! જુગારીઓ કેટલીક વાર તીનપત્તીમાં બ્લાઇન્ડ રમતા હોય છે. સોહમ તો કોઈકે બિછાવેલી શતરંજની ચાલ પર જીવનને દાવ પર લગાવીને બ્લાઇન્ડ ગેમ રમવા નીકળી પડેલો નરબંકો!
(ક્રમશ:)