ધર્મતેજ

વિજ્ઞાનના સદુપયોગ ને દુરુપયોગ વચ્ચે પૃથ્વી વેદના અનુભવે છે


માનસ મંથન -મોરારિબાપુ

देखि सेतु अति सुंदर रचना| बिहसी कृपानिघि बोले बचना॥
मम कृत सेतु जो दरसनु करिही| सो बिनु श्रम भवसागर तरिही॥

ભગવાન રામેશ્વરની અવર્ણનીય કરુણાથી ફરી એકવાર વર્ષો પછી રામેશ્વરની આ ઉત્તમ ધરણીમાં, આ પરમધામમાં નવ દિવસ રામકથાનું આયોજન થયું અને આજથી આપણે એના શ્રી ગણેશ કરી રહ્યા છીએ.એવી પાવન પળોમાં ભગવાન રામેશ્વરની વંદના કરીને, માં ભગવતી દેવીને પ્રણામ કરીને, વિશ્વનાથ મહાદેવને પ્રણામ કરીને, અહીંની રામકાલીન અને એ પૂર્વેની સમસ્ત ચેતના અને પ્રણામ કરીને કથાનો આરંભ થઈ રહ્યો છે. આપ સૌનું સ્વાગત છે.

હું બપોરે વિચારી રહ્યો હતો કે અહીં ક્યાં વિષય પર શિવ-અભિષેક કરીએ? ભગવાન મહાદેવ એ ‘રામચરિત માનસ’ ને ગંગા કહી છે. અને તમે એ તો સ્વીકારશો જ કે ગંગા વિશે શિવથી વધારે તો બીજું કોણ જાણતું હશે? ગંગા વિશે શિવથી વધારે ઓથોરિટી તમે કોને ગણશો? તો હવે શિવ તત્ત્વોને કેન્દ્રમાં રાખી કથા કહીશ કદાચ વર્ષો પહેલા અહીં એક કથા ‘માનસ-સેતુ બંધ’ વિષય પર થઈ છે. આ કથામાં આપણે ‘માનસ-સેતુની’ સાત્ત્વિક તાત્ત્વિક ચર્ચા કરીશું. કારણ કે આજે સમગ્ર વિશ્વને ભગવાન વિશ્વનાથ દ્વારા જે સેતુ રચાયો છે એ સેતુની નિતાંત જરૂર છે. આખરે રામકથા શું કહેવા માંગે છે? માણસનો અર્થ હૃદય છે. માનસનો અર્થ મન પણ છે. રસખાનની બોલીમાં કહું તો માણસનો એક અર્થ માણસ. તો માણસ એટલે માણસ અથવા તો માનવ. માનવ-માનવ વચ્ચે સેતુ ખૂબ જ આવશ્યક છે. માનસ એટલે જો મન કહીએ તો મન અને મનની વચ્ચે સેતુ ખૂબ જ આવશ્યક છે. માનસ એટલે હૃદય; તો હૃદય-હૃદયની વચ્ચે પણ સેતુ થવો વિશ્વ માટે અત્યંત આવશ્યક છે.

તુલસીએ માનસમાં એક સેતુનું નામ લખ્યું છે ભિન્નસેતુ. રામેશ્વરમની આ ભૂમિ પર આપણા ભારતના રાષ્ટ્રપતિ શ્રી અબ્દુલ કલામ સાહેબ થઈ ગયા; જેઓ આ ભૂમિના પુત્ર છે. તેઓ ‘મિસાઈલ મેન’ હતા.. પરંતુ એમની મિસાઈલ શાંતિની મિસાઈલ હતી. આજે ભાઈ-ભાઈ ભિન્નસેતુ થતા જાય છે. પતિ-પત્ની ભિન્નસેતુ થતા જાય છે. બાપ-દીકરો ભિન્નસેતુ થતાં જાય છે. ધર્મ-ધર્મ, જાતી-જાતી ભિન્નસેતુ થતાં જાય છે. ખબર નહિ શું થઈ ગયું છે આ જગતને! એક બાજુ સંવેદનશીલ વિજ્ઞાન આ પૃથ્વીને બહુ જ સુંદર બનાવવાની કોશિશમાં છે અને બીજી તરફ સંવેદનહીન વિજ્ઞાન એ જ સુંદરતાને નષ્ટ- ભ્રષ્ટ કરવા મથી રહ્યું છે! એવી વખતે હૃદયનો સેતુ, મનનો સેતુ, માનવ માનવ વચ્ચેનો સેતુ અત્યંત જરૂરી છે. આવો મેસેજ લઈ ‘માનસ’ આવે છે. રામ છે પ્રણવ, પ્રણવ છે સેતુ. રામ અમૃત છે. રામનામ અમૃત છે.

धन्यास्ते कृतिन: पिबन्ति सततं श्रीरामनामामृतम्|

આ પ્રસંગ, ‘માનસ રામેશ્વરમ્’ થી બહુ વિચારજો, હું આપને પ્રાર્થના કરું છું કે પરિવારમાં પણ અમૃત ત્યારે નીકળશે જ્યારે તમે રામનામથી સેતુ બનાવશો. એકબીજાને ઈજ્ઞક્ષિજ્ઞિંહ કરવામાં ડટ્યા રહેશો તો અમૃત નહીં નીકળે, જ્વાળાઓ ભડકશે, ઈછિ ઈડરુઢ ઈફ ર્ઐટફગ્મળબળ। જો મંથનથી તમે પરિવારમાં-આપના પરિવારથી, તમારી પોતાની જાતથી શરૂઆત કરો, મંથનથી કદાચ અમૃત નીકળી ગયું તો પણ તકરારનું મૂળ હશે, લડાવશે, કાપાકાપી કરાવશે. મંથનથી પ્રક્રિયા પછી અમૃત મળ્યું એને વહેંચવામાં પ્રભુથી પણ ભેદ થઈ ગયો છે, પંક્તિભેદ-અમૃત એકને વારુણિ એ પંક્તિભેદ, અહીં વધુ આપવું, અહીં ઓછું આપવું એ કર્મને કારણે હરિને યુગે યુગે અવતરવું પડશે. મારાં યુવાન ભાઈ-બહેનો, જે સેતુબંધ કરશે તેને અમૃતની પ્રાપ્તિ થશે. દેવ અને દાનવો સ્વાર્થને લઈ એકઠા થયા હતા અને સમુદ્ર મંથન કર્યું હતું પણ વિષ નીકળ્યું! અમૃત નીકળ્યું તો તે ઝગડાનું કારણ બન્યું. અમૃતે વેર કરાવી દીધું. મારી સમજમાં તો જે અમૃત નીકળ્યું તે વિષ બનીને જ નીકળ્યું કારણ કે તેણે વેરઝેર ઊભું કર્યું. અમૃત મળે ત્યાગથી. પરિવારમાં પણ તમે જ્યારે રામનામથી સેતુ બનાવશો ત્યારે અમૃત પ્રાપ્ત થશે.

એકબીજાને કંટ્રોલ કરવામાં પડ્યા રહેશો તો અમૃત નહીં નીકળે. પરિવારમાં તમે ત્યાગથી સેતુ કરો. એકબીજા વચ્ચે સેતુ નિર્માણ કરો. સાસુ વહુને મથે, અમૃત નહીં નીકળે. વહુ સાસુને મથે, વિષ નીકળશે. ભાઈ-ભાઈને મથશે તો અમૃત નહીં વિષ નીકળશે. પરિવારમાં તો સતત બધા એકબીજાને ઝેર પિવડાવવાની ચેષ્ઠામાં પડ્યા છે! કટુ વચન બોલવા એ ઝેર છે. પરિવારમાં જો કોઈ શંકર નીકળે તો વાત જુદી છે, નહિતર એ વિષ કોણ પીશે? તમારી સ્વભાવની જડતા છોડીને સરળ ચિત્ત થઈને રહો ત્યારે સેતુરૂપી અમૃતની પ્રાપ્તિ થશે. દરેક જગ્યાએ સેતુ હોવો જોઈએ. ભાઈ-ભાઈ વચ્ચે, પતિ-પત્ની વચ્ચે, સાસુ ને વહુની વચ્ચે, નાનાભાઈ ને મોટાભાઈની વચ્ચે, ગુરુ-શિષ્ય વચ્ચે, વક્તા અને શ્રોતાની વચ્ચે, દરેક જગ્યાએ સેતુબંધ બનવો જોઈએ અને એ થશે ત્યાગથી. અમૃતત્વ ત્યાગથી મળશે.

હું આપને સેતુબંધના આધાર પર કહી રહ્યો હતો, દરેક જગ્યાએ સેતુ હોવો જોઈએ. ભાઈ ભાઈની વચ્ચે, પતિ પત્ની વચ્ચે, સાસુ વહુની વચ્ચે, નાનાં ભાઈ મોટા ભાઈ વચ્ચે, દેરાણી જેઠાણીની વચ્ચે, વક્તા શ્રોતાની વચ્ચે,મિત્ર મિત્ર,ગુરુ શિષ્યની વચ્ચે સેતુબંધ હોવો જોઈએ. ગુરુ અને શિષ્યની વચ્ચે પણ શ્રદ્ધા અને કરુણાનો સેતુ હોય,અહીંથી તમે શ્રદ્ધા લઈને જાઓ સેતુ પરથી,આ બાજુથી ગુરુ કરુણા લઈને આવે,એ સેતુ પર બંને ચાલે. શિષ્ય ચાલે છે શ્રદ્ધા લઈને, ગુરુ અનુભૂતિઓ અને કરુણા લઈને તમારી પાસે આવે અને વચ્ચે બંનેનું મિલન થઈ જાય છે. તેથી સેતુ નિર્માણ કરો. સેતુબંધ કરો, સેતુબંધ બનાવવા માટે ભગવાને પહેલાં પૂજા નથી કરી, શિવની સ્થાપના કરી છે. જો સેતુબંધ કરશો તો રેતીમાંથી પણ શિવલિંગ નીકળશે. એકવાર માણસ જીવનમાં સેતુબંધ કરી લે તો રેતીમાંથી પણ તેના જીવનમાં શિવ સ્થાપના થઈ જાય છે. સામાન્ય વસ્તુથી પણ ભગવાનની અનુભૂતિ થવા માંડે છે.
(સંકલન : જયદેવ માંકડ)

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button