ધર્મતેજ

કોલકાતા કેસમાં સીબીઆઈ ભાજપના આક્ષેપોને સાચા સાબિત ના કરી શકી

એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ

દેશભરમાં ચકચાર જગાવનારા કોલકાતાની આર.જી. કાર હૉસ્પિટલમાં 31 વર્ષની ટ્રેઈની ડૉક્ટર પર પાશવી બળાત્કાર ગુજારીને હત્યા કરી નાખવાના કેસમાં અંતે ચુકાદો આવી ગયો. આ કેસમાં પહેલાં પોલીસે અને પછી સીબીઆઈએ પણ એક જ આરોપી સંજય રોયની ધરપકડ કરેલી. કોલકાતાની સિયાલદાહ કોર્ટે સંજય રોયને દોષી ઠેરવ્યો છે અને સોમવારે તેને સજાનું એલાન થશે ને મોટા ભાગે તો તેને ફાંસીની સજા થાય એવી શક્યતા છે.

સંજય રોય સામે ભારતીય ન્યાય સંહિતાની કલમ 64, 66, 103/1 હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો. ભારતીય ન્યાય સંહિતાની કલમ 64 હેઠળ, ઓછામાં ઓછી 10 વર્ષની સજા થઈ શકે છે જ્યારે કલમ 66 હેઠળ 25 વર્ષ અથવા આજીવન કેદની સજાની જોગવાઈ છે, પણ સિયાલદાહ કોર્ટના એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજે કહ્યું છે કે, રોયે પીડિતાનું ગળું દબાવીને અત્યાચાર કર્યો એ જોતાં તેને મૃત્યુદંડ અથવા આજીવન કેદની સજા થઈ શકે છે.

જજ સંજય રોયને શું સજા આપશે એ ખબર નથી, પણ આ ચુકાદાએ ઘણા બધા સવાલો ખડા કરી દીધા છે. પહેલો સવાલ તો ભાજપે આ મુદ્દે મચાવેલી હોહાનો છે. ભાજપે દાવો કરેલો કે, ટ્રેઈની ડૉક્ટર પર ગેંગ રેપ થયો છે અને મોટા લોકો આ કેસમાં સંડોવાયેલા છે, પણ સીબીઆઈ સંજય રોય સિવાય બીજા કોઈની સંડોવણી સાબિત કરી શકી નથી. સીબીઆઈ કેન્દ્ર સરકારના તાબા હેઠળ કામ કરે છે એ જોતાં ભાજપ હવે શું કરશે એ મોટો સવાલ છે.

આ સવાલનો જવાબ જરૂરી છે કેમ કે કોર્ટે સંજય રોયને દોષિત ઠેરવ્યા પછી પણ કેન્દ્રીય મંત્રી સુકાંત મજુમદારે એ જ વાત કરી છે કે, સિયાલદાહની કોર્ટે સંજય રોયને દોષિત ઠેરવ્યો છે, પરંતુ પશ્ચિમ બંગાળના લોકો માને છે કે આ ઘૃણાસ્પદ ઘટનામાં એક કરતાં વધુ વ્યક્તિઓ સામેલ હતી. મજુમદારના કહેવા પ્રમાણે, કોલકાતા પોલીસ દ્વારા પાંચ દિવસ સુધી કેસની તપાસ કરાઈ હતી અને આ પાંચ દિવસમાં પુરાવા સાથે છેડછાડ કરવામાં આવી હતી.

મજુમદારે એ રેકર્ડ પણ વગાડી છે કે, આર.જી, કારની ઘટનાએ ખુલાસો કર્યો છે કે પશ્ચિમ બંગાળ રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સારી નથી. કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અંગેનું મજુમદારનું નિવેદન રાજકીય છે, પણ આ ઘટનામાં એક કરતાં વધારે વ્યક્તિ સંડોવાયેલી હતી એવું એક કેન્દ્રીય મંત્રી કહે ત્યારે એ વાત ગંભીર બની જાય છે. ફરીએ જ સવાલ આવીને ઊભો રહે છે કે, સીબીઆઈ બીજા કોઈ આરોપીને શોધી શકી નથી ત્યારે કેન્દ્ર સરકાર આ નિષ્ફળતા બદલ સીબીઆઈના અધિકારીઓ સામે પગલાં લેશે કે પછી કશું કર્યા વિના માત્ર રાજકીય આક્ષેપો જ કર્યા કરશે?

કોલકાતા પોલીસે પુરાવા સાથે ચેડાં કર્યાં કે નહીં તેની ખબર નથી, પણ એવી પ્રબળ શંકા છે જ. ડૉક્ટરના સેન્ટ્રલ ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (ઈઋજક)નો રિપોર્ટ આવ્યો એ પણ આ વાતને સમર્થન આપે છે. સીએફએસએલના રિપોર્ટમાં સ્પષ્ટ કહેવાયું છે કે, હૉસ્પિટલના સેમિનાર રૂમમાં ડૉક્ટર પર બળાત્કાર કરીને હત્યા કરાઈ હોવાનો દાવો કરાય છે, પણ સેમિનાર રૂમમાં ઘર્ષણ અથવા પ્રતિકારનો કોઈ પુરાવો મળ્યો નથી. ડૉક્ટર યુવતીનો મૃતદેહ જે ગાદલા પર પડેલો હતો તેના પર કોઈ પણ પ્રકારની ઝપાઝપી કે સંઘર્ષના કોઈ નિશાન મળ્યાં નથી. યુવતીનું માથું અને પેટ ગાદલા પર જે ભાગમાં હતાં ત્યાં લોહીના ધબ્બા સિવાય બીજું કશું મળ્યું નથી.

સિયાલદાહ કોર્ટે પણ ઉલ્લેખ કર્યો છે કે, યુવતી પર પાશવી બળાત્કાર કરાયા હતા અને ડૉક્ટર યુવતીની ડોક મરડી નાંખવામાં આવી હતી. આ સિવાય બીજા પણ પાશવી શારીરિક અત્યાચારો ગુજારીને બળાત્કાર કર્યા પછી હત્યા કરી દેવાઈ હતી. ડૉક્ટર યુવતીએ હવસખોરના તાબે થઈને પોતાના પર અત્યાચારો કરવા દીધા હોય અને બળાત્કાર સામે પણ પ્રતિકાર ના કર્યો હોય એ શક્ય જ નથી. આમ છતાં સેમિનાર રૂમમાં સંઘર્ષ કે ઝપાઝપીના કોઈ પુરાવા ના મળ્યા તેનો સીધો અર્થ એ થાય કે, બળાત્કાર અને હત્યા સેમિનાર રૂમમાં થયાં જ નહોતાં, પણ બીજી કોઈ જગાએ થયાં હતાં. રેપ-મર્ડર પછી યુવતીને અધમૂઈ બેભાનાવસ્થામાં કે પછી મૃત હાલતમાં સેમિનાર રૂમમાં મૂકી દેવાઈ હતી.

આ એક શક્યતા છે, પણ બીજી શક્યતા, રેપ-મર્ડર પછી ફોરેન્સિક પુરાવા એકઠા કરાયા એ પહેલાં તમામ પુરાવાનો નાશ કરી દેવાયો હોય એ પણ છે. કેન્દ્રીય મંત્રી મજુમદારે તેનો ઉલ્લેખ કર્યો જ છે ને તેમણે કોલકાત્તા પોલીસ સામે આંગળી ચીંધી છે. કોલકાત્તા પોલીસે એવું કર્યું હોય તોપણ સીબીઆઈ એ સાબિત કરી શકી નથી.

ક્રિમિનોલોજીમાં એવું કહેવાય છે કે, તમામ પુરાવાનો નાશ કરવો શક્ય નથી એ જોતાં સેમિનાર રૂમમાં અપરાધ બન્યો તો પછી તેનો કોઈક તો પુરાવો મળવો જોઈતો હતો. માનો કે, સેમિનાર રૂમમાં રેપ-મર્ડર ના થયાં ને બીજે ક્યાંક થયાં તો યુવતીને સેમિનાર રૂમમાં એકલો સંજય રોય લાવ્યો હોય એ શક્ય નથી. સીબીઆઈ યુવતી પર બીજે ક્યાંક રેપ-મર્ડર કે ખાલી રેપ કરીને પછી સેમિનાર રૂમમાં લવાઈ તેના પણ કોઈ પુરાવા રજૂ કરી શકી નથી. તેનો મતલબ એ થયો કે, સીબીઆઈએ કશું કર્યું જ નથી ને કોલકાતા પોલીસે તેને જે પુરાવા કે બીજું કંઈ સોંપ્યું તેના આધારે તેમણે બધું કરી નાખ્યું. સીબીઆઈએ એવું કર્યું હોય તો તેના પક્ષે અત્યંત ગંભીર ભૂલ કહેવાય ને ભાજપ સરકાર એ માટે શું કરશે એ મોટો સવાલ છે.

આરોપી સંજય રોયે ચુકાદો સાંભળ્યા પછી ફરી કહ્યું કે, મને ખોટી રીતે ફસાવવામાં આવ્યો છે અને મેં જે કર્યું નથી તેના માટે દોષિત ઠેરવી દેવાયો છે, જ્યારે જેમણે આ કર્યું છે તેમને છોડી દેવામાં આવી રહ્યા છે. સંજય રોયે આ ઘટનામાં એક આઈપીએસ સંડોવાયેલો છે એવો આક્ષેપ પણ દોહરાવ્યો છે. સંજયનો ઈશારો કોલકાતાના તત્કાલીન પોલીસ કમિશનર વિનીત ગોયલ તરફ છે એ કહેવાની જરૂર નથી. સંજય ફોડ પાડીને વાત કરતો નથી કે પછી સીબીઆઈએ તેની વાત કોર્ટ સામે મૂકી નથી તેથી વિનીત ગોયલે કોઈ મોટા માથાને છાવરવા માટે પુરાવાનો નાશ કરાવડાવ્યો કે પોતે સામેલ છે એ ખબર નથી, પણ સીબીઆઈએ આ મુદ્દે પણ કોઈ સ્પષ્ટતા કરી નથી.

ટૂંકમાં ભાજપના આક્ષેપોને સીબીઆઈ સાચા સાબિત કરી શકી નથી ત્યારે ભાજપે સીબીઆઈ સામે પગલાં લેવાં જોઈએ કે નહીં?

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button