IMD Update: કાશ્મીરમાં એક અઠવાડિયા સુધી વરસાદની સંભાવના
શ્રીનગરઃ કાશ્મીરમાં લઘુત્તમ તાપમાનમાં સામાન્ય વધારો નોંધાતા રહેવાસીઓને કડકડતી ઠંડીથી થોડી રાહત મળી છે. જો કે આ રાહત અલ્પજીવી બની રહેવાની છે. કારણ કે ખીણના ઘણા ભાગોમાં ૨૪ જાન્યુઆરી સુધી વરસાદ અને હિમવર્ષા થવાની સંભાવના છે, એમ હવામાન વિભાગ (IMD)ના અધિકારીએ જણાવ્યું હતું.
કાશ્મીરમાં શનિવારની રાત્રે લઘુત્તમ તાપમાન સામાન્ય કરતાં વધારે હતું. શ્રીનગરમાં પારો માઇનસ ૧ ડિગ્રી રહ્યો હતો, જે ગત રાત્રે માઇનસ ૦.૯ ડિગ્રી સેલ્સિયસ હતો. દક્ષિણ કાશ્મીરના પહેલગામમાં લઘુત્તમ તાપમાન માઇનસ ૩ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જે ગત રાત્રિના માઇનસ ૩.૪ ડિગ્રી સેલ્સિયસ હતું. સ્કીઇંગ માટે પ્રખ્યાત ઉત્તર કાશ્મીરના પર્યટન સ્થળ ગુલમર્ગમાં લઘુત્તમ તાપમાન માઇનસ ૫.૪ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. કાઝીગુંડમાં લઘુત્તમ તાપમાન માઇનસ ૨.૮ ડિગ્રી સેલ્સિયસ, પમ્પોર શહેરના કોનિબાલમાં માઇનસ ૨ ડિગ્રી, કુપવાડામાં માઇનસ ૨.૬ ડિગ્રી અને કોકરનાગમાં માઇનસ ૩.૪ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.
Also read: જમ્મુ કાશ્મીરમાં શીતલહેર યથાવતઃ ગુલમર્ગ, પહલગામમાં તાપમાન માઈનસમાં
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર કાશ્મીરમાં એક અઠવાડિયા સુધી વરસાદની શક્યતા છે. વિભાગના એક અધિકારીએ જણાવ્યું કે આગામી ૩૬ કલાકમાં ઘણી જગ્યાએ હળવો વરસાદ અથવા હિમવર્ષા થવાની સંભાવના છે. ૨૨થી ૨૩ જાન્યુઆરી દરમિયાન જમ્મુમાં હળવોથી મધ્યમ વરસાદ અને કાશ્મીરના કેટલાક ભાગોમાં હિમવર્ષા થવાની સંભાવના છે. ૨૪ જાન્યુઆરીથી ૨૮ જાન્યુઆરી સુધી હવામાન મુખ્યત્વે શુષ્ક રહેવાની ધારણા છે અને ૨૯ જાન્યુઆરીથી ૩૧ જાન્યુઆરી સુધી ફરીથી વરસાદ થવાની શક્યતા છે.
નોંધનીય છે કે કાશ્મીરમાં હાલ ૪૦ દિવસનો મહા ઠંડીનો ગાળો ‘ચિલ્લાઇ-કલાન’ ચાલી રહ્યો છે. જે ૩૦ જાન્યુઆરીના રોજ સમાપ્ત થશે. આ દરમિયાન હિમવર્ષાની સૌથી વધુ સંભાવના હોય છે અને તાપમાનમાં પણ નોંધપાત્ર ઘટાડો જોવા મળે છે.