ઢાકાની અદાલતે બહાર પાડેલા વૉરન્ટમાં કહ્યું, `ક્રિકેટર શાકિબની ધરપકડ કરો’
ઢાકાઃ બે બૅન્ક ચેક બાઉન્સ થવાના કિસ્સામાં ઢાકાની ઍડિશનલ ચીફ મેટ્રોઅદાલતે બાંગ્લાદેશના ઑલરાઉન્ડર અને દેશના ભૂતપૂર્વ શાસક પક્ષ અવામી લીગના સંસદસભ્ય શાકિબ અલ હસનની ધરપકડ કરવા માટે વૉરન્ટ બહાર પાડ્યું છે.
ગયા વર્ષે બાંગ્લાદેશમાં રાજકીય ક્રાંતિ થયા પછી શાકિબ દેશમાં પાછો નથી આવ્યો. પદભ્રષ્ટ વડા પ્રધાન શેખ હસીના દેશ છોડી જવા મજબૂર થયા એને પગલે શાકિબના જાનનું જોખમ પણ વધી ગયું છે.
આ પણ વાંચો: નિવૃત્તિ પહેલા શાકિબ અલ હસનની બોલિંગ એક્શન પર સવાલ ઉઠ્યા, કડક એક્શન લેવામાં આવી શકે છે
અદાલતે જણાવ્યું હતું કે શાકિબ કે જે એક કૃષિ વિષયક કંપનીનો ચૅરમૅન પણ છે તે બે બાઉન્સ થયેલા ચેકને લગતા કેસમાં અદાલતમાં હાજર થવામાં નિષ્ફળ ગયો છે.
બાંગ્લાદેશના ગ્રેટેસ્ટ-એવર ક્રિકેટર તરીકે ઓળખાતો શાકિબ છેલ્લી મૅચ ગયા વર્ષે કાનપુરમાં ભારત સામેની ટેસ્ટમાં રમ્યો હતો. ચૅમ્પિયન્સ ટ્રોફી તેની અંતિમ ટૂર્નામેન્ટ બની રહેશે એવી સંભાવના છે.