સૌપ્રથમ ખો-ખો વર્લ્ડ કપમાં ભારતીય મહિલા ટીમે સર્જયો ઈતિહાસ
નવી દિલ્હીઃ પાટનગર દિલ્હીમાં ભારતની મહિલા ટીમ સૌથી પહેલા ખો-ખો વર્લ્ડ કપમાં ચૅમ્પિયન બની છે. આજે ફાઇનલમાં ભારતીય ટીમે નેપાળને 78-40થી હરાવ્યું હતું. નેપાળની સરખામણીમાં ભારતીય ખેલાડીઓ ઝડપ, વ્યૂહરચના અને ચપળતાની બાબતમાં ચડિયાતી પુરવાર થઈ હતી. એ રીતે, ભારતે આસાનીથી વિજય મેળવી લીધો હતો.
ભારતીય કૅપ્ટન પ્રિયંકા ઇન્ગળે તેના સર્વશ્રેષ્ઠ ફૉર્મમાં હતી. તેના નામે વારંવાર ટચ પૉઇન્ટ લખાયા હતા.
Also read: ખો-ખો વર્લ્ડ કપમાં ઇંગ્લૅન્ડની ટીમમાં મૂળ ગુજરાતના બે ટીનેજ ખેલાડી
નેપાળની બી. સમઝાનાએ પ્રિયંકાને ફાઇનલની બહાર કરી હતી, પણ એ તબક્કે બી. ચૈત્રાએ જવાબદારી સંભાળી હતી અને ભારતીય ટીમને મુસીબતમાંથી ઉગારી લીધી હતી. ચૈત્રા ખાસ કરીને ડ્રીમ રન નામના રાઉન્ડમાં છવાઈ ગઈ હતી અને તેને કારણે જ ભારતીય ટીમનો સ્કોર 78 સુધી પહોંચી શક્યો હતો અને ભારત સૌપ્રથમ ખો-ખો વર્લ્ડ કપનું વિજેતા બન્યું હતું.
ગ્રૂપ સ્ટેજમાં ભારતે સાઉથ કોરિયા, ઇરાન, મલયેશિયાને હરાવ્યા બાદ ક્વૉર્ટરમાં બાંગ્લાદેશને અને સેમિ ફાઇનલમાં સાઉથ આફ્રિકા સામે જ્વલંત વિજય મેળવ્યો હતો