સૈફ અલી ખાન પર હુમલો કરનાર બાંગ્લાદેશથી કોલકાતા આવ્યો હતો: અજિત પવાર
મુંબઈ: બોલિવૂડના અભિનેતા સૈફ અલી ખાન પર હુમલા બાદ મહારાષ્ટ્રના ઘણા વિપક્ષી નેતાઓએ વર્તમાન રાજ્ય સરકારની ટીકા કરતા કહ્યું કે મુંબઈમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી ગઈ છે. મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારે વળતો જવાબ આપતા કહ્યું કે ‘બાંગ્લાદેશી’ હુમલાખોર કોલકાતા થઈને ભારતમાં પ્રવેશ્યો હતો, ત્યારબાદ તે મુંબઈમાં આવ્યો હતો.
‘કેટલાક વિપક્ષી નેતાઓએ કહ્યું છે કે અભિનેતા સૈફ અલી ખાન પર હુમલાની ઘટના બાદ મુંબઈમાં કાયદો અને વ્યવસ્થા કથળી ગઈ છે, પરંતુ વાસ્તવિકતા એ છે કે આરોપી બાંગ્લાદેશથી આવ્યો હતો. પહેલાં તે કોલકાતા આવ્યો અને પછી મુંબઈ આવ્યો. તેને ખબર નહોતી કે તે કોઈ ફિલ્મ સ્ટારનું ઘર છે. તે લૂંટના ઈરાદે ઘરમાં ઘુસ્યો હતો, એમ અજિત પવારે કહ્યું હતું.
ગુરુવારે વહેલી સવારે બાંદ્રામાં ‘ઘુસણખોર’ દ્વારા છરીના હુમલામાં ઘાયલ સૈફ અલી ખાનના કેસના આરોપી મોહમ્મદ શરીફુલ ઇસ્લામ શહેઝાદને પાંચ દિવસ માટે પોલીસ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યો છે.
આ પણ વાંચો: સૈફનો હુમલાખોર બાંગ્લાદેશી? આ ઈરાદે ઘુસ્યો હતો ઘરમાં…
શિર્ડીના એનસીપીના અધિવેશનમાં તેમમે કહ્યું હતું કે કોઈ સમાચાર આવે એટલે તેની વિગતો જાણવાની કોશિશ કરવાને બદલે વિરોધીઓ તેના પર બોલવા લાગતા હોય છે. આ પ્રકરણના તપાસમાં સિદ્ધ થયું છે કે વિપક્ષ ફેક નેરેટિવ સેટ કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા. ઘરમાં એક ચોર ઘૂસ્યો એટલે તરત જ કાયદો અને વ્યવસ્થા કથળી ગઈ? જે થયું તે ન જ થવું જોઈએ, હું જે થયું એનું સમર્થન કરતો નથી. વિપક્ષના આરોપોમાં કોઈ તથ્ય નથી.
સમગ્ર ઘટનાક્રમની માહિતી આપતાં તેમણે કહ્યું હતું કે ઘટના બાદ સમગ્ર પોલીસ યંત્રણા કામે લાગી ગઈ હતી અને તે થાણેમાંથી પકડાઈ ગયો હતો. તેણે બધું જ કબૂલ કરી લીધું છે. આઠ મહિના પહેલાં તે બાંગ્લાદેશ છોડીને કોલકાતામાં આવ્યો, ત્યાં તેણે મુંબઈ માટે ઘણું સાંભળ્યું હતું એટલે તે મુંબઈ આવ્યો. અહીં હાઉસ કિપીંગનું કામ કર્યું. જે એજન્સી માટે તે કામ કરતો હતો તેણે તેમને આધારકાર્ડ વગેરે આવશ્યક દસ્તાવેજોની ચકાસણી કર્યા વગર કામે રાખ્યો હતો. આ પ્રકરણે તેમના પર પણ કાર્યવાહી કરવામાં આવી છે. પોલીસે આ કેસમાં બધી કડીઓ શોધી લીધી છે. તેને જાણકારી નહોતી કે આ કોઈ અભિનેતાનું ઘર છે. તેને કોઈએ એટલું કહ્યું હતું કે અહીં બધા શ્રીમંતો રહે છે. આથી તે ચોરી કરવા માટે ત્યાં ગયો હતો, એમ અજિત પવારે કહ્યું હતું.
આ પણ વાંચો: સૈફ પર હુમલોઃ પોલીસને મળી હુમલાખોરની પાંચ દિવસની કસ્ટડી
તેમણે એમ પણ કહ્યું હતું કે મહારાષ્ટ્રની કાયદો અને વ્યવસ્થા સારી રાખવા માટે સરકાર પ્રયાસ કરી રહી છે. વિધાનસભા ચૂંટણી પછી વિપક્ષ પાસે કોઈ મુદ્દો બચ્યો ન હોવાથી તેઓ નવો મુદ્દો મળતાંની સાથે જ ફેક નેરેટિવ સેટ કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા.