આમચી મુંબઈ

સૈફ પર હુમલોઃ પોલીસને મળી હુમલાખોરની પાંચ દિવસની કસ્ટડી

મુંબઇઃ સૈફ અલી ખાનના ઘરમાં ચોરી માટે ઘુસનારા હુમલાખોર આરોપીને મુંબઇ પોલીસે રવિવારે હોલિ-ડે કોર્ટમાં રજૂ કર્યો હતો. આરોપીનું નામ મોહમ્મદ શરીફૂલ ઇસ્લામ શહજાદ હોવાનું જાણવા મળ્યું છે. ફરિયાદ પક્ષે આરોપીની 14 દિવસની પોલીસ કસ્ટડીની માગ કરી હતી, જેનો બચાવ પક્ષે વિરોધ કર્યો હતો. કોર્ટમાં આરોપીની કસ્ટડીને લઇને ફરિયાદ પક્ષ અને બચાવ પક્ષના વકીલ વચ્ચે જોરદાર દલીલો થઇ હતી. પોલીસે કોર્ટમાં જણાવ્યું હતું કે આરોપી હુમલાખોરે સૈફ અલી ખાનના ઘરમાં અડધી રાતે ઘુસણખોરી કરી હતી. તેણે અભિનેતા સૈફ સહિત ઘરના અન્ય લોકો પર ચાકુથી વાર કરીને તેમને ઘાયલ પણ કર્યા હતા. આ હુમલામાં સૈફ અલી ખાનને છ વખત ચાકુ લાગ્યું હતું અને તેમને ગંભીર ઇજા થઇ હતી, જેને કારણે તેમણે તાત્કાલિક હૉસ્પિટલમાં દાખલ થવું પડ્યું હતું. પોલીસ હાલમાં એ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે હુમલાખોર સૈફના ઘરમાં કેવી રીતે અને શા માટે દાખલ થયો. આ ઘટનામાં અન્ય કોઇની સંડોવણી છે?

તપાસ અધિકારીએ મેજિસ્ટ્રેટ સમક્ષ એવી પણ દલીલ કરી હતી કે હુમલાખોર બાંગ્લાદેશી છે. માન્ય દસ્તાવેજો વિના તે ભારત કેવી રીતે આવ્યો તે જાણવું પણ જરૂરી છે. આરોપીની છરીના ત્રણ ચૂકડા થઇ ગયા હતા. એક ટૂકડો સૈફના શરીરમાં અટક્યો હતો, એક ટૂકડો ક્રાઇમ સીન પર હતો અને ત્રીજો ટૂકડો આરોપી પાસે છે. પુરાવા તરીકે એ ટૂકડો અમારે આરોપી પાસેથી મેળવવો છે. તેથી અમે 14 દિવસની કસ્ટડી માગીએ છીએ. બચાવપક્ષના વકીલે દલીલ કરી હતી કે આરોપી બાંગ્લાદેશી નહીં, પણ ભારતીય છે. સૈફ અલી ખાન અભિનેતા હોવાને કારણે આ વાતને આટલું બધું મહત્વ આપવામાં આવ્યું છે, પણ આ એક સામાન્ય કેસ છે. આરોપી રીઢો ગુનેગાર પણ નથી. તે 30 વર્ષનો યુવાન છે, જેને પોલીસે બલિનો બકરો બનાવી દેવામાં આવ્યો છે.

Also read: સૈફ અલી ખાન હુમલો કેસઃ શંકાસ્પદની પોલીસે કરી અટકાયત

મુંબઇ પોલીસ વતી હાજર રહેલા વકીલે દલીલ કરી હતી કે સૈફ અભિનેતા છે એટલો જ કિસ્સો નથી. આ કેસ હાલમાં તપાસ હેઠળ છે. આરોપીને ખબર હતી કે સૈફ ક્યાં રહે છે, તેણે પૈસા માગ્યા ત્યારે તેનો શું ઇરાદો હતો, છરીનો ત્રીજો ટૂકડો આરોપી પાસે છે, જે પણ અમારે મેળવવાનો છે. એના પર લોહીના નિશાન હશે, આરોપીના કપડાં પણ જપ્ત કરવા પડશે, તેની સાથે આ કામમાં અન્ય કોણ સામેલ છે એ પણ જાણવાનું છે. આ બધા માટે તેની 14 દિવસની કસ્ટડીની જરૂર પડશે.
બંને પક્ષોની દલીલ સાંભળ્યા બાદ કોર્ટે આંતરરાષ્ટ્રીય ષડયંત્રની આશંકા નકારી નહોતી અને પોલીસને આરોપીની પાંચ દિવસની કસ્ટડી આપી હતી.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button